મુંબઇમાં સેન્ટ્રલ રેલવેનો ૨૩ કલાકનો મેગા બ્લોક

મુંબઈ : મધ્ય રેલવેમાં સેન્ડહર્સ્ટ રોડ અને ભાયખલા વચ્ચેના ૧૩૬ વર્ષ જૂના બ્રિજને તોડવાને કારણે હવે હૅન્કૉક બ્રિજ જોવા નહીં મળે, પરંતુ રેલવે પ્રશાસનના આયોજનના અભાવને કારણે મુંબઈગરાને ૨૩ કલાકનો બ્લોક ભોગવવો પડ્યો છે. એવું રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું. ઐતિહાસિક હૅન્કૉક બ્રિજની ડિમોલિશનની કામગીરી ગઈ મધરાતથી આજે સાંજના ૬.૩૦ વાગ્યા સુધી લગભગ અઢાર કલાક તથા પશ્ચિમ રેલવેમાં ગોરેગાંવ અને બોરીવલી વચ્ચે સવારના ૧૦.૩૫ વાગ્યાથી બપોરના ૩.૩૫ વાગ્યા સુધી પાંચ કલાકનો જમ્બો બ્લોક કરાયો હતો.

જેના કારણે રવિવારે બંને લાઇનના પ્રવાસીઓ માટે લોકલમાં ટ્રાવેલિંગ કરવાનું મુશ્કેલીજનક રહ્યું છે. બેસ્ટ પ્રશાસન દ્વારા વધારાની બસો દોડાવવાની જાહેરાત કરાઈ હોવા છતાં બસોમાં જોરદાર ભીડ થઇ હતી. ઉપરાંત, રવિવારનો દિવસ હોવાથી દક્ષિણ મુંબઈમાં ટેકસીવાળા પણ ઓછા જોવા મળતા આજનો દિવસ પ્રવાસીઓ માટે મુશ્કેલીજનક રહ્યો હતો.

મધ્ય રેલવેમાં અઢાર કલાકનો બ્લોક જાહેર કર્યા પછી પશ્ચિમ રેલવેએ પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને શનિવારના નાઇટ બ્લોક લેવો જોઇતો હતો. બેસ્ટ અનેએમએસઆરટીસી દ્વારા વધારાની બસો દોડાવવાની જાહેરાત છતાં રેલવેની બેદરકારીને કારણે મુંબઈગરાને ૨૩ કલાકનો બ્લોક ભોગવવો પડશે, એવું જણાવાયું હતું.

You might also like