ઘાટકોપર બિલ્ડિંગ પડવાની ઘટનામાં ૧૭નાં મોત, શિવસેના નેતાની ધરપકડ

મુંબઈ ઃ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં મંગળવારે સવારે એક ચાર માળનું બિલ્ડિંગ જમીનદોસ્ત થયું. જેમાં ૧૭ લોકો મોતને ભેટ્યા છે. ૧૯ લોકોને ઇજાગ્રસ્ત હાલમાં બહાર કઢાયા છે. કાટમાળની અંદર હજુ ૨૦ જેટલા લોકો હોવાની અાશંકા છે.

રેસ્ક્યુ અોપરેશન ચાલુ છે. ઘટનાની પ્રાથમિક તપાસમાં અા દુર્ઘટનાનું કારણ ગેરકાયદે કન્સ્ટ્રક્શન જણાવવામાં અાવી રહ્યું છે. બિલ્ડિંગના અોનર સુનીલ શિતાપની ધરપકડ કરાઈ છે. તેમની પૂછપરછ ચાલુ છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં ગેસ્ટ હાઉસ બનાવવા માટે ત્રણ ફ્લેટના પિલ્લર ગેરકાયદે રીતે હટાવી દેતાં ઘાટકોપર વેસ્ટમાં દામોદર પાર્કને અડીને અાવેલા ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ચાર માળનું બિલ્ડિંગ સવારે ૧૦.૩૦ વાગ્યાની અાસપાસ તૂટી પડ્યું જેમાં ત્રણ મહિનાની બાળકી સહિત ૧૭ લોકો મોતને ભેટ્યા છે.

અા બિલ્ડિંગમાં ૧૨ જેટલા પરિવાર રહેતા હતા. અા દુર્ઘટનામાં બચી ગયેલા સોસાયટીના રહેવાસીઅોઅે દુર્ઘટના માટે શિવસેનાના નેતા સુનીલ શિતપ સામે ગુનો દાખલ કરવાની માગણી કરી હતી. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી અને રહેવાસીઅોની માગણીને વશ થઈને શિવસેનાના સ્થાનિક કાર્યકર સામે એફઅાઈઅાર દાખલ કરવાની જાહેરાત કરી.

પોલીસે સુનીલ શિતાપની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. સિદ્ધિ સાંઈ એપાર્ટમેન્ટ ૩૫ વર્ષ જૂનું બિલ્ડિંગ હતું જેમાં ગ્રાઉન્ડ ફ્લોરના ત્રણ ફ્લેટ અને પહેલા માળનો એક ફ્લેટ શિવસેનાના ઘાટકોપરના નેતા સુનીલ શિતપના હતા. અા ત્રણ ફ્લેટમાં મેટરનિટી હોસ્પિટલ ચાલતી હતી. પહેલા માળે સુનીલ શિતપની અોફિસ હતી. સ્થાનિક રહેવાસીઅોઅે જણાવ્યું કે સુનીલ શિતપે છેલ્લા ત્રણ મહિનાથી ગ્રાઉન્ડ ફ્લોરની હોસ્પિટલ બંધ કરીને રિનોવેશન શરૂ કર્યું હતું પરંતુ અમારામાંથી કોઈની હિંમત નહોતી કે તેના રિનોવેશનનો વિરોધ કરી શકીઅે.

તેણે ત્રણ ફ્લેટને સળંગ કરવા માટે બધા જ પિલ્લર હટાવી દીધા હતા જેના કારણે ગઈકાલની દુર્ઘટના સર્જાઈ. અન્ય રહેવાસીઅોઅે જણાવ્યું કે સુનીલ શિતપ ઘાટકોપરમાં અનેક ભૂખંડ કૌભાંડમાં ફસાયેલો છે. તેણે અનેક જમીનો ગેરકાયદે રીતે હડપી લીધી છે. અા સોસાયટીમાં પણ તેણે હોસ્પિટલમાંથી ગેસ્ટહાઉસ બનાવવા રિનોવેશન શરૂ કર્યું અને પિલ્લર હટાવવાના કારણે અા દુર્ઘટના બની. તેની સામે મનુષ્ય વધનો ગુનો દાખલ થવો જોઈઅે અને તેનાં ગેરકાયદે કામોની તપાસ થવી જોઈઅે.

મુખ્ય પ્રધાને અાપ્યા તપાસના અાદેશ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બીએમસીના કમિશનર અજોય મહેતાને ઘાટકોપરની બિલ્ડિંગ દુર્ઘટનાની તપાસ ૧૫ દિવસમાં કરીને રિપોર્ટ રજૂ કરવાનો અાદેશ અાપ્યો છે. અા મુદ્દો ગઈકાલે િવધાનસભામાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણે ઉપાડ્યો હતો. તેના અનુસંધાનમાં મુખ્ય પ્રધાને અા માહિતી અાપી હતી.

સુનીલ શિતપ સામે સદોષ મનુષ્ય વધનો ગુનો દાખલ
શિવસેનાના ઘાટકોપરના સ્થાનિક લીડર સુનીલ શિતપને બિલ્ડિંગ દુર્ઘટનામાં અારોપી બનાવવામાં અાવ્યા છે. પાર્ક સાઈટ પોલીસ સ્ટેશનમાં ફાઈલ કરવામાં અાવેલી અેફઅાઈઅારમાં સુનીલ શિતપ મુખ્ય અારોપી છે. તેની સામે સદોષ મનુષ્ય વધની કલમ ૩૦૪(૨), લોકોના જીવની સામે ખતરા માટે ૩૩૬ અને ગંભીર ઇજા પહોંચાડવા માટે ૩૩૮ની કલમો લગાવવામાં અાવી છે. પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે.

ડોગ ઉદયે ત્રણ વ્યક્તિના જીવ બચાવ્યા
બિલ્ડિંગ ધારાશાયી થવાની ઘટનામાં એનડીઅારએફના ઉદય નામના ડોગે ત્રણ વ્યક્તિના જીવ બચાવ્યા હતા. કુદરતી હોનારત દરમિયાન સૌથી વધુ ઉપયોગી પુરવાર થયેલા અા પ્રજાતિના શ્વાનને ઘટના સ્થળે લઈ જવાયો હતો. ઉદયે કાટમાળમાં દબાયેલા ત્રણ રહેવાસીઅોને શોધી કાઢ્યા અને તેમને યોગ્ય સમયે બચાવ્યા હતા. એક વ્યકિતઅે જણાવ્યું કે કાટમાળની અંદરથી અમને ફોન અાવી રહ્યા હતા તેથી અમે ફાયર બ્રિગેડ અને એનડીઅારએફના અધિકારીઅોને એલર્ટ કર્યા. ત્યારબાદ જે વ્યક્તિનો ફોન અાવ્યો તેનું ઘર જ્યાં હતું ત્યાં ખોદકામ શરૂ કરાયું. ત્રણ કલાક સુધી ખોદકામની પ્રવૃત્તિ બાદ ફાયરબ્રિગેડે ડોગની મદદ લીધી. ઉદય નામના ડોગે થોડી જ મિનિટોમાં દોશીનું ઘર જ્યાં હતું ત્યાં ભસવાનું શરૂ કરતા ત્યાં ખોદકામ શરૂ કરવામાં અાવ્યું અને રાત્રે ૮ વાગે રાકેશ દોશી મળી અાવ્યા.

૧૩ મહિનાનો ક્રિશવ દાદીમાના પેટ પર બેઠેલો મૃત હાલતમાં મળ્યો
સિદ્ધિ સાંઈ એપાર્ટમેન્ટ જમીનદોસ્ત થયા બાદ રાત્રે ૮.૧૫ વાગે ક્રિશવ અને તેના દાદી મનોરમા ડોંગરે કાટમાળમાંથી મૃત હાલતમાં મળી અાવ્યાં. અા સમયે ક્રિશવ તેની દાદીના પેટ પર બેઠ્યો હતો. ડોંગરે પરિવારના પાંચ સભ્યોમાંથી ડોંગરે પરિવારનો પુત્ર અને તેની પત્ની બહાર કામે ગયા હોવાથી બચી ગયાં પરંતુ ૭૫ વર્ષના પંઢરીનાથ ડોંગરે તેમનાં પત્ની ૭૦ વર્ષના મનોરમા ડોંગરે અને તેમનો પૌત્ર ૧૩ મહિનાનો ક્રિશવ કાટમાળ નીચે દબાઈ ગયા હતાં.

http://sambhaavnews.com/

You might also like