મુંબઈ જતી ટ્રેનમાં ટાઈમ બોમ્બ મળ્યોઃ મોટી દુર્ઘટના નિવારાઈ

નવી દિલ્હી: વારાણસીથી મુંબઈ સીએસટી સુધી જનારી ૧૦૯૪ અપ મહાનગરી એક્સપ્રેસ ટ્રેન એક મોટી દુર્ઘટનાનો ભોગ બનતાં બચી ગઈ હતી. એક પ્રવાસીની સમયસૂચકતાને કારણે આ ટ્રેનમાં રાખવામાં આવેલો બોમ્બ નિષ્ક્રિય બનાવી દેવામાં આવ્યો હતો. જો આ બોમ્બ ફાટ્યો હોત તો ટ્રેનના ત્રણ ડબ્બાના ફૂરચેફૂરચા ઊડી ગયા હોત.

વારાણસીથી મુંબઈ જતી ૧૦૯૪ મહાનગરી એક્સપ્રેસ દરરોજ ચિત્રકૂટના માનિકપૂર સ્ટેશન પરથી ૫.૦૦ વાગ્યે પસાર થાય છે. આજે આ ટ્રેન જેવી એક નંબરના પ્લેટફોર્મ પર ઊભી રહી ત્યારે એસ-૩ કોચના એક પ્રવાસી અશોકે ટ્રેનના ગાર્ડને એવી માહિતી આપી હતી કે ડબ્બાના ટાેઇલેટમાં એક થેલીમાં કેટલીક શકમંદ વસ્તુ પડી છે.

આ માહિતી મળતાં જ આરપીએફ અને જીઆરપીના પોલીસકર્મીઓએ ટ્રેનના ટોઇલેટમાં રાખેલી થેલી બહાર કાઢીને જોયું તો તેમાં બોમ્બ જેવું દેખાયું હતું. તેમાં સાત રંગની પાઈપ હતી અને એક ઘડિયાળ પણ રાખેલી હતી. આરપીએફના ઈન્ચાર્જ ઓફિસરે તાત્કાલિક એનટી બોમ્બ સ્કવોડને બોલાવી હતી અને ટ્રેનની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. એન્ટી બોમ્બ સ્કવોડે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આ ટાઈમ બોમ્બ હતો. તાત્કાલિક આ બોમ્બને ડિફ્યૂઝ કરવામાં આવ્યો હતો.

You might also like