મુંબઈ પહેલાં દિલ્હી અને બેંગલુરુને સળગાવવાનો પ્લાન હતોઃ હેડલી

મુંબઈ: ૨૬/૧૧ના મુંબઈ હુમલાના અપરાધી અને પાકિસ્તાની-અમેરિકન આતંકી ડેવિડ કોલમેન હેડલીની આજે બીજા િદવસે પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જુબાની શરૂ થઈ ગઈ છે. અમેરિકાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આજે બીજા િદવસે જુબાની આપતાં ડેવિડ કોલમેન હેડલીએ ફરી એક વાર કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

હેડલીએ ચોંકાવનારો પર્દાફાશ એ કર્યો છે કે મુંબઈ હુમલા પહેલાં આતંકીઓ દિલ્હી અને બેંગલુરને પણ નિશાન બનાવવા માગતા હતા. હેડલીએ જણાવ્યું હતું કે ૨૦૦૬માં મુજમ્મિલ, મેજર ઈકબાલ અને સાજિદ મીરે એક બેઠક યોજીને ત્રાસવાદી હુમલાનું લોકેશન નક્કી કર્યું હતું, તેમાં મુંબઈ, દિલ્હી કે પછી બેંગલુરુના નામ પર ચર્ચા થઈ હતી અને પાછળથી મુંબઈના નામ પર સૌએ સંમતિ આપી હતી.

હેડલીએ પોતાની જુબાનીમાં જણાવ્યું છે કે મુંબઈ હુમલાના એક વર્ષ પહેલાં નવેમ્બર-૨૦૦૭માં અબુ ખ્વાજા, સાજિદ મીર અને સ્વયં હેડલી વચ્ચે એક બેઠક થઈ હતી. હેડલીએ આ દરમિયાન મુંબઈમાં પોતે કરેલી રેકીની જાણકારી આપી હતી અને વીડિયો પણ બતાવ્યા હતા અને એ વખતે તેની પાસે એવી માહિતી હતી કે તાજ હોટલમાં એક ડિફેન્સ કોન્ફરન્સ યોજાનાર છે.

આ દરમિયાન લશ્કર-એ-તોઈબાએ તાજ હોટલ પર હુમલો કરવાની સાજિશ ઘડી હતી, પરંતુ કેટલાક કારણસર આ પ્લાન પડતો મૂકવામાં આવ્યો હતો. હેડલીએ વધુમાં જણાવ્યું હતું કે મારી ધરપકડ મારી પત્નીના કારણે થઈ હતી. તેને એવી શંકા હતી કે હું લશ્કર-એ-તોઈબાની ‌િનકટ છું અને તેણે જાન્યુઆરી-૨૦૦૮માં પાક.ની યુએસ એમ્બેસીમાં મારી ફરિયાદ કરી હતી.

હેડલીએ વધુમાં જણાવ્યું હતું કે લશ્કર-એ-તોઈબાના એક સૂત્રધારે તેને ભારતીય લશ્કરમાં જાસૂસી તંત્ર વધુ મજબૂત બનાવવા જણાવ્યું હતું અને એ વાતનો પણ નિર્દેશ આપ્યો હતો કે ભારતીય સેનામાં કોઈને જાસૂસી માટે તૈયાર કરવામાં આવે. ૨૬/૧૧ના હુમલાના સૂત્રધારો અંગે પર્દાફાશ કરતાં હેડલીએ જણાવ્યું હતું કે જકી-ઉર-રહેમાન લખવી પાકિસ્તાનમાં લશ્કર-એ-તોઈબાનો ઓપરેશનલ કમાન્ડર હતો અને મુંબઈના ૨૬/૧૧ના હુમલાનો તે માસ્ટર માઈન્ડ હતો અને તેના ઈશારે જ ભારતમાં આતંકી હુમલા થયા હતા.

હા‌િફઝ સઈદ લશ્કર-એ-તોઈબાનો ધાર્મિક નેતા છે એ‍વું જણાવીને હેડલીએ ઉમેર્યું હતું કે તે ૨૦૦૩માં મુઝફ્ફરાબાદ ખાતે લખવીને મળ્યો હતો અને લખવીની તસવીરના આધારે તેણે તેની ઓળખ કરી હતી. હેડલીએ એવો પણ પર્દાફાશ કર્યો હતો કે હરકત-ઉલ-મુજાહિદ્દીન, લશ્કર-એ-તોઈબા, હિઝબુલ મુજાહિદ્દીન, જૈશ-એ-મોહમ્મદ જેવાં સંગઠનો યુનાઈટેડ જેહાદ કાઉન્સિલના ભાગરૂપ છે અે તમામ આતંકી સંગઠનો છે.

હેડલીએ ખુલાસો કર્યો છે કે તેણે વર્ષ ૨૦૦૪માં લશ્કર-એ-તોઈબાની ત્રાસવાદી તાલીમ પૂરી કરી હતી. આ તાલીમ દરમિયાન ૧૦૨ લોકો હાજર હતા.  તેણે જણાવ્યું હતું કે ત્રાસવાદી છાવણીમાં હા‌િફઝ સઈદ અને ઝકી-ઉર-રહેમાન લખવી પણ હાજર હતા. મેં એ બંનેને અમેરિન સરકાર વિરુદ્ધ કેસ દાખલ કરવા પણ જણાવ્યું હતું, કારણ કે ત્યાંની સરકારે લશ્કર-એ-તોઈબાને વિદેશી આતંકી સંગઠન જાહેર કર્યું હતું. ડેવિડ હેડલીએ જણાવ્યું હતું કે લખવીએ તેનું આ સૂચન સ્વીકારવા ઈન્કાર કર્યો હતો, કારણ કે આવું કોઈ પણ પગલું ભરતાં પહેલાં પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથે ચર્ચા કરવી જરૂરી હતી.

હેડલીએ વધુમાં પર્દાફાશ કર્યો હતો કે મેજર અલીને તે સૌપ્રથમ વાર ૨૦૦૬માં મળ્યો હતો. મેજર ઈકબાલે તેણે જણાવ્યું હતું કે તે ભારતમાં કોઈ પણ રીતે પોતાનો પગ જમાવવા માગે છે. મેજર ઈકબાલની સાથે મિટિંગ દરમિયાન ત્યાં એક કર્નલ રેન્કનો અધિકારી પણ હાજર હતો. મેજર ઈકબાલે તેની પાસેથી લશ્કર-એ-તોઈબાની છાવણીમાં થયેલી તાલીમ, પાસપોર્ટ અને વીઝાની જાણકારી મેળવી હતી.

હેડલીએ જણાવ્યું હતું કે ઓક્ટોબર-૨૦૦૩માં તે મસૂદ અઝહરને લાહોરથી ૧૦૦ કિ.મી. દૂર મળ્યો હતો. મસૂદ- અઝહર જૈશ-એ-મહમ્મદનો વડો છે. તેણે જણાવ્યું હતું કે હું મસૂદ અઝહરને લશ્કર-એ-તોઈબાની એક સભામાં મળ્યો હતો.

You might also like