મુંબઈ એરપોર્ટ પર સ્મોકિંગ ઝોન બંધ કરવા ડોક્ટર્સ અપીલ કરશે

મુંબઇ: ધૂમ્રપાન માત્ર જે તે વ્યકિતને નહીં, પરંતુ આસપાસ રહેતા લોકોને પણ પ્રભાવિત કરે છે. ખાસ કરીને એવી જગ્યા જ્યાં દિવસમાં હજારો લોકોની અવરજવર થતી હોય. આ વાતને ધ્યાનમાં રાખીને ડોકટરોએ છત્રપતિ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. આ સંદર્ભે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ હેડ એન્ડ નેક ઓન્કોલોજી સોસાયટીના સચિવ ડો.પંકજ ચતુર્વેદીએ એરપોર્ટ ઓથોરિટીને પત્ર લખીને ‘સ્મોકિંગ ઝોન’ બંધ કરવાની માગણી કરી છે.

તાજેતરમાં મોર્બોડિટી એન્ડ મોર્ટિલિટી વીકલી રિપોર્ટમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર દેશમાં પ૦ બિઝી એરપોર્ટમાંથી ર૩ જગ્યાઓ પર ધૂમ્રપાન બંધ થઇ ચૂક્યું છે. ડોકટર પંકજ ચતુર્વેદીએ જણાવ્યું કે સેકન્ડ હેન્ડ સ્મોક ધૂમ્રપાન ન કરનારા લોકો માટે એક મોટી મુસીબત છે, તેનાથી હૃદય સંબંધિત બીમારીઓ અને કેન્સરનો ડર પણ રહે છે. ધૂમ્રપાન ન કરનારા લોકોમાં ધૂમ્રપાનને કારણે થતી બીમારીઓનો ડર રહે તે ખતરનાક સંદેશ છે.

આવા સંજોગોમાં લોકોનાં હિતનેે જોતાં સરકારે એરપોર્ટ પર ધૂમ્રપાન બંધ કરાવવું જોઇએ. ઉલ્લેખનીય છે કે દુનિયાના પ૦ વ્યસ્ત એરપોર્ટમાં એક મુંબઇનું છત્રપતિ શિવાજી ઇન્ટરનેશલ એરપોર્ટ પણ સામેલ છે. આંકડાઓની વાત માનીએ તો મુંબઇ એરપોર્ટથી વાર્ષિક ચાર કરોડથી વધુ યાત્રીઓ યાત્રા કરે છે તેમાં મોટી સંખ્યામાં વિદેશી સહેલાણીઓ પણ સામેલ છે. ડોકટરોના જણાવ્યા અનુસાર એરપોર્ટ પર સ્મોકિંગ ઝોન બનાવાયા છે, પરંતુ નક્કી કરાયેલા માપદંડનું પાલન કરાતું નથી. આના કારણે યાત્રી અને કર્મચારી બંને પ્રભાવિત રહે છે.

You might also like