વડોદરાના ખેડૂતોને નડ્યો અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, કર્યો ઉગ્ર વિરોધ

દેશમાં સૌપ્રથમ વખત બુલેટ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. અને તેનાં પ્રોજેક્ટમાં જમીન સંપાદનને લઈ ભારે વિરોધ જોવાં મળી રહ્યો છે. વડોદરામાં અસરગ્રસ્તો માટે બોલાવેલી બેઠકનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને બેઠકને રદ કરાવી હતી. વડોદરામાં આર્કેડિઝ ઈન્ડિયા નામની એજન્સી અને ખેડૂતો વચ્ચે આ બેઠક યોજાઈ હતી.

જેનાં કારણે ખૂબ જ ઓછાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તરફ જે લોકોની જમીન સંપાદન કરવાની છે તેવાં લોકોને કેટલું વળતર મળશે તેની કોઈ ગાઈડ લાઈન પણ આપવામાં આવી નથી.

આ સાથે શહેરમાં યોજાયેલી બેઠકમાં રાજ્ય સરકારનાં કોઈ ઉચ્ચ અધિકારી હાજર રહ્યાં ન હતાં. તો આ બેઠકમાં કોંગ્રેસે પણ રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ કરતાં કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે ચાલુ બેઠકને બંધ કરાવી હતી. બીજી તરફ આર્કેડિઝ એજન્સીએ કહ્યું કે પ્રોજેક્ટ માટે પૂરતાં પ્રમાણમાં પ્રચાર કર્યો હોવાનો દાવો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારનાં મહત્વાકાંક્ષી મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ થઇ ગઇ છે. ત્યારે આજે વડોદરામાં આ પ્રોજેક્ટ અંતર્ગત જમીનનાં માલિકો અને જમીન સંપાદન કરનાર એજન્સી વચ્ચે એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરંતુ આ મિટીંગની જાણ ખેડૂતોને ન હોવાંથી તેઓએ આ બાબતનાં આક્ષેપ સાથે ભારે હોબાળો કરી નાખ્યો હતો. ખેડૂતોએ મચાવેલા આ હોબાળાને ધ્યાનમાં લઇને એજન્સીને મિટીંગ મોકૂફ રાખવાની ફરજ પડી હતી. બુલેટ ટ્રેન પ્રોજેકટમાં જે ખેડૂતોની જમીન જાય છે તે ખેડૂતોને નવી જંત્રી મુજબ વળતર મળે તેવી તેઓએ માંગ કરી છે પરંતુ જો સરકાર ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો ખેડૂતો આંદોલન કરશે.

You might also like