અદ્દભૂત ઉપલબ્ધિઃ મુંબઈ ૫૦૦મી રણજી મેચ રમશે

મુંબઈઃ દેશને વિજય મર્ચન્ટ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસકર, સચીન તેંડુલકર જેવા મહાન ખેલાડી આપનારી અને સૌથી વધુ ૪૧ વાર ચેમ્પિયન બનનારી મુંબઈની ટીમ આજે વડોદરા સામે વાનખેડે સ્ટેડિયમમાં પોતાની ૫૦૦મી રણજી મેચ રમીને એક અદ્ભુત ઉપલબ્ધિ હાંસલ કરનારી પ્રથમ ટીમ બની જશે.

મુંબઈની ટીમે ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં મળીને ભારતને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર આપ્યા, પરંતુ આ આંકડો પણ ભારતીય ટીમ પર તેના પ્રભાવને બતાવવા માટે પૂરતો નથી. ગાવસ્કરની શિસ્ત અને તેંડુલકરનો પ્રભાવ મુંબઈ ક્રિકેટના પર્યાય છે. આ ઉપરાંત દિલીપ વેંગસરકર, એકનાથ સોલકર, દિલીપ સરદેસાઈ અને રોહિત શર્મા જેવા શહેરના ખેલાડી ક્રિકેટ પ્રેમીઓનું મનોરંજન કરતા રહ્યા છે.
દિવંગત વિઠ્ઠલ માર્શલ પાટીલ, રમાકાંત આચરેકરથી લઈને અંકુશ અન્ના વૈદ્ય જેવા સર્વશ્રેષ્ઠ ક્રિકેટ કોચ પણ મુંબઈ શહેરે આપ્યા છે. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ૧૯૯૦-૯૧ની સિઝનની ફાઇનલ મેચ વાનખેડેમાં રમાયેલી સૌથી શાનદાર મેચ હતી, જ્યાં કપિલ દેવની હરિયાણાની ટીમે સંજય માંજરેકરના નેતૃત્વવાળી મુંબઈની ટીમને બે રને હરાવી દીધી હતી.

આ પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં સચીન તેંડૂલકરે કહ્યું કે, ”રણજી ટ્રોફી સ્પર્ધામાં રાષ્ટ્રના શ્રેષ્ઠ ક્રિકેટર જોડે અને તેઓની વિરુદ્ધમાં રમવામાં મને ઘણું શીખવા મળ્યું છે અને દરેક ક્રિકેટર મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (એમસીએ)ની સિંહના પ્રતીક સાથેની કેપ પહેરવામાં ગર્વ કરે છે. બીજી કક્ષાની ટીમ બનવું અથવા સેમિફાઇનલ તબક્કામાં હારી જવું એ મુંબઈની ક્રિકેટ ભાષામાં નિષ્ફળતા ગણાય છે.”

ટીમ ઇન્ડિયાના મેનેજરપદે રહી ચૂકેલા લાલચંદ રાજપૂતે કહ્યું કે, ”રણજી ટ્રોફી ખેલાડીઓને ઝળકવા માટેનો મંચ છે, જેમાં સારા દેખાવના બળે તેઓ રાષ્ટ્રની ટીમમાં પ્રવેશ મેળવી શકે છે.”

ફાઈનલમાં શ્રેષ્ઠ રમત દેખાડવા સાથે મુંબઈના ખેલાડીઓ સિદ્ધિભરી મેચોમાં પણ સારું રમ્યા છે. મુંબઈએ તેની ૧૦૦મી અને ૨૦૦મી રણજી ટ્રોફી મેચ બંને વેળા ગુજરાત સામે પોતાના ઘરઆંગણે જીતી હતી, જેમાં તેની પહેલી સફળતા ૧૯૬૨-૬૩માં એક દાવ અને ૪૦ રનથી તથા બીજી ૧૯૭૮-૭૯માં એક દાવ અને ૪૮ રનથી હતી.

You might also like