અમદાવાદનાં નવ મલ્ટિપ્લેક્સમાં દેશભરમાં ચર્ચાસ્પદ બનેલી ફિલ્મ ‘પદ્માવત’ને નો એન્ટ્રી

અમદાવાદ: દેશભરમાં ચર્ચાસ્પદ બનેલી ફિલ્મ પદ્માવતના રિલીઝને લઇ હજુ પણ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઇ રહ્યાં છે. અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ પણ મ‌લ્ટિપ્લેક્સમાં તોડફોડ કરવામાં આવી હતી, જેના પગલે બે દિવસ અગાઉ મ‌લ્ટિપ્લેક્સના માલિકોએ ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરી પોલીસ બંદોબસ્ત માગ્યો હતો.

સાત જેટલા મ‌લ્ટિપ્લેક્સ માલિકોએ ફિલ્મ બતાવવાની તૈયારી દર્શાવતાં પોલીસે એસઆરપી સહિતની ટુકડીઓ ગોઠવી દીધી હતી. સરકારની સુરક્ષા અંગેની ખાતરી છતાં રાજપૂત સંગઠન સહિતના હિંદુ સંગઠનોના વિરોધને કારણે હવે નવ જેટલાં મ‌લ્ટિપ્લેક્સ માલિકોએ રપમીએ ફિલ્મ રિલીઝ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

આ તમામ નવમ‌લ્ટિપ્લેક્સની બહાર ફિલ્મ પદ્માવત રિલીઝ નહીં થાય તેવાં બોર્ડ પણ મારી દેવામાં આવ્યાં છે. બાકીનાં મ‌લ્ટિપ્લેક્સમાં ફિલ્મ રિલિઝ કરવી કે નહીં તે અંગે આજે નિર્ણય કરવામાં આવશે.

અમદાવાદ શહેરના કોઇપણ મ‌લ્ટિપ્લેક્સમાં એડ્વાન્સ બુકિંગ પણ શરૂ થયું નથી. બુક માય શો જેવી ઓનલાઇન સાઇટ પર પણ એડ્વાન્સ બુકિંગ શરૂ થયાં નથી. જેથી અમદાવાદ શહેરમાં ફિલ્મ પદ્માવત રિલિઝ નહીં થાય તેવું જણાઇ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તેમજ સિનેમાગૃહોમાં તોડફોડ ન થાય તે માટે હાલમાં ૧૦ જેટલાં મ‌લ્ટિપ્લેક્સ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ફિલ્મ પદ્માવત રિલિઝ કરવા અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે. તેમજ ફિલ્મની રિલિઝને બે દિવસ બાકી રહ્યા છે પરંતુ હજી સુધી ઓફલાઈન કે ઓનલાઈન બુકિંગ શરૂ થયું નથી. પદ્માવત ફિલ્મ આગામી ૨૫ જાન્યુઆરીના રોજ રિલિઝ થવાની છે વિરોધ વચ્ચે મલ્ટિપ્લેક્સના માલિકો અને પોલીસ વચ્ચે સુરક્ષાને લઇ ને બેઠક યોજાઈ હતી અને અમદાવાદમાં સાત મ‌લ્ટિપ્લેક્સ માલિકોએ ફિલ્મ દર્શાવવાની તૈયારી બતાવી હતી જ્યારે ત્રણ જેટલાં મ‌લ્ટિપ્લેક્સના માલિકે નિર્ણય ન લેતાં માત્ર પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી.

થિયેેટર માલિકોએ ફિલ્મ બતાવવાની તૈયારી દર્શાવતાં પોલીસે મલ્ટિપ્લેક્સ બહાર એસઆરપી સહિતની પોલીસનો કાફલો ખડકી દીધો હતો. અમદાવાદમાં ર૬ જેટલા ‌મ‌િલ્ટપ્લેક્સમાંથી હાલમાં નવ જેટલા ‌મ‌િલ્ટપ્લેક્સમાં ફિલ્મ નહીં દર્શાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોઈ પણ બિગ બજેટની ફિલ્મ રિલિઝ થાય તો તેનું બુકિંગ એક અઠવાડિયા પહેલાં જ શરૂ થઇ જતું હોય છે ત્યારે પદ્માવત ફિલ્મ જોવા ચાહકો બુકિંગ માટે મલ્ટિપ્લેકસમાં ધક્કા ખાઇ રહ્યા છે, કારણે ફિલ્મ રિલિઝ થવાના બે દિવસ બાકી રહ્યા છે ત્યાર હજી સુધી ઓનલાઇન કે ટિકિટ કાઉન્ટર પર બુકિંગ હજી શરૂ થયું નથી.

ગઇ કાલે મળેલી મલ્ટિપ્લેકસ એસોસીએશનની બેઠકમાં ફિલ્મ રિલિઝને લઇને ચર્ચા કરવામાં આવી હતી ત્યારે ઘણા મલ્ટિપ્લેકસના માલિકોનો પોલીસ સુરક્ષા તો આપશે પરંતુ કોઇ અસામાજિક તત્ત્વો મલ્ટિપ્લેકસ મ‌લ્ટિપ્લેક્સની અંદર કોઇ પણ પ્રકારનો વિરોધ કરશે કે નુકસાન કરશે તો જવાબદાર કોણ રહેશે તેવો પણ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. ત્યાર બાદ મળેલ મિટિંગમાં છ મ‌લ્ટિપ્લેક્સના માલિકે ફિલ્મ નહીં બતાવવાનો નિર્ણય લીધો છે.

મલ્ટિપ્લેકસ એસોસીએશનના પ્રમુુખ રાકેશ પટેલે જણાવ્યું કે વાઇડ એંગલ સહિત અન્ય છ પ્રાઇવેટ મલ્ટિપ્લેકસમાં ફિલ્મ નહીં બતાવવા માટે બોર્ડ મારી દીધું છે. પ્રાઇવેટ મલ્ટિપ્લેકસ જેવા કે વાઇડ એંગલ, સિટીગોલ્ડની તમામ શાખા અને એબી મલ્ટિપ્લેકસ તથા દેવી મલ્ટિપ્લેકસ, કે શેરા શેરામાં ફિલ્મ નહીં બતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મલ્ટિપ્લેકસ મુંબઇના મલ્ટિપ્લેકસ એસોસિએશન સાથે સંકળાયેલા છે તે મલ્ટિપ્લેકસમાં ફિલ્મ ચલાવાશે કે નહીં તેનો નિર્ણય આજે કરવામાં આવશે. ફિલ્મ પદ્માવતનું એકપણ બુકિંગ કરવામાં આવ્યું નથી.

You might also like