કાંકરિયા મલ્ટી લેવલ પાર્કિંગઃ રૂ. ૨૮.૧૫ કરોડનો ધોળો હાથી!

અમદાવાદ: રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કોર્પોરેશનના મહત્ત્વાંકાક્ષી કાંકરિયા મલ્ટી લેવલ ઓટોમેટિક પાર્કિંગનું ગત તા.૧૨ માર્ચ, ૨૦૧૧એ ભૂમિપૂજન કરાયું હતું. આશરે રૂ.૨૮.૧૫ કરોડના ખર્ચે તૈયાર થયેલું સાત માળનું ઓટોમેટિક પાર્કનું ગત તા.૧૦ જૂન, ૨૦૧૩એ મુખ્યમંત્રી આનંદીબહેનના હસ્તે વાજતેગાજતે ઉદ્ઘાટન કરાયું હતું. પરંતુ કોર્પોરેશન માટે આ મલ્ટી લેવલ પાર્કિંગ ‘ધોળો હાથી’ જ પુરવાર થયો છે.
|
કાંકરિયા લેકફ્રન્ટની સામે વ્યાયામશાળા પાસે આશરે ૩૯૯૦ ચો.મીટરના પ્લોટમાં બેઝમેન્ટ+ગ્રાઉન્ડ+ સાત માળ સુધી અંદાજિત ૬૬૫૦ ચો.મી. બિલ્ટઅપ એરિયામાં ૨૫૦ નંગ કાર પાર્કિંગ અને ૨૫૦ નંગ ટુ વ્હિલર પાર્કિંગ થઈ શકે તેવું મલ્ટી લેવલ ઓટોમેટિક પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ મલ્ટી લેવલ પાર્કિંગમાં ટ્રાફિક બેરિઅર્સ, ટિકિટિંગ મશીન, જે તે માળે ખાલી પાર્કિંગની જગ્યા બનાવવા ડિસ્પ્લે સાઈનેજ, ઓટોમેટિક પાર્કિંગ, સિસ્ટમ જેવી કે સ્વાઈપ કાર્ડ, કાર્ડ રીડરનો પણ સમાવેશ કરાયો છે. રૂ.૨૮.૧૫ કરોડનો આ પ્રોજેક્ટ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પૂર્ણ કરાયો છે. તેમ છતાં આ પ્રોજેક્ટ મ્યુનિ. તિજોરી માટે ખોટનો ધંધો પુરવાર થયો છે.
ઓટોમેટિક મલ્ટી લેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટર એસ.પી.એલ. એન્ડ જી.ડી.સી.ને જ આ પાર્કિંગનો પાંચ વર્ષનો ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આ પેટે કોર્પોરેશન દર મહિને ૫૦,૦૦૦ ચૂકવે છે!

જ્યારે કોન્ટ્રાક્ટરને પાર્કિંગની સહિતની આવક તંત્રને ચૂકવવી પડે છે. જોકે પાર્કિંગ દર મહિનાની આવક જેમ તેમ રૂ.૩૦થી ૩૫ હજાર થાય છે! પરિણામે કોર્પોરેશનને દર મહિના રૂ.૧૫થી ૨૦ હારની ખોટ થાય છે.!

કાંકરિયાના આ પ્રોજેક્ટમાં કોર્પોરેશનને ખોટનો વેપલો કરવાનું કારણ મ્યુનિ. પ્રોજેક્ટ વિભાગની નીતિ રીતિ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે કાંકરિયા લેકફ્રન્ટ પરના અન્ય પ્રોફિટમાં કોર્પોરેશને ખોટ થતી નથી.

નાગરિકો પણ મફતમાં રોડ પાર્કિંગ તેમજ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડના મફત પાર્કિંગથી મલ્ટી લેવલ પાર્કિંગમાં ફરકતા જ નથી. કુલ ૫૦૦ ટુ અને ફોર વ્હિલરની ક્ષમતા હોવા છતાં માંડ ૨૫ ટકા પાર્કિંગ થાય છે! મ્યુનિ. કોર્પોરેશન પણ અન્ય સ્થળોએ પાર્કિંગ કરનારા શહેરીજનો પર સખ્તાઈ કરતું નથી. ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને જો આ પાર્કિંગનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો કાંકરિયા વિસ્તારની ટ્રાફિક જામની સમસ્યાનું હળવી થઈ શકે તેમ છે. પરંતુ મ્યુનિ. સત્તાવાળાઓએ પણ ગંભીરતા દાખવી નથી. પરિણામે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ કરીને કાંકરિયા મલ્ટી લેવલ પાર્કિંગ મ્યુનિ. સત્તાધીશો માટે ધોળો હાથી બન્યો છે.

ટુ વ્હિલરથી મહિને માત્ર ૩થી ૪ હજારની આવક!
મલ્ટીલેવલ પાર્કિંગથી કોર્પોરેશનને મહિને ફક્ત રૂ. ૩૦થી ૩૫ હજારની આવક થાય છે તેમાં પણ અમદાવાદમાં એક એક ઘરમાં બે બે ટુ વ્હિલર હોવા છતાં આ પાર્કિંગમાં ટુ વ્હિલરથી થતી મહિને આવક માંડ રૂ. ૩થી ૪ હજારની જ છે!

કાર પાર્કિંગમાં ૧૫ મિનિટ વેડફવી ગમતી નથી!
એક તરફ ટુ વ્હિલર ચાલકોને ગ્રાઉન્ડ ફ્લોર પર પોતાનાં વાહન માટે પાંચ મિનિટ વેડફવી ગમતી નથી તો બીજી તરફ ટુ વ્હિલર ચાલકોને પણ પોતાની ગાડી ઓટોમેટિક પાર્કિંગના પ્રથમથી સાતમા માળ સુધી લિફ્ટથી પાર્ક થાય તેમાં ૧૫ મિનિટ વેડફાઇ જાય તે ગમતી નથી. પરિણામે રોડ પર આડેધડ પાર્કિંગ થતું રહે છે.

એક લિફ્ટ કાયમ બગડેલી જ હોય છે!
જે કોન્ટ્રાક્ટરને પાંચ વર્ષનો ઓ એન્ડ એમનો કોન્ટ્રાક્ટ અપાયો છે અને જેના માટે તંત્ર દર મહિને રૂ. ૫૦ હજાર ચૂકવે છે. તેના મેન્ટેનન્સમાં પણ કાયમી ધાંધિયાં જોવા મળે છે. આ મલ્ટીલેવલ પાર્કિંગની બે લિફ્ટ પૈકી એક અથવા બીજી લિફ્ટ કાયમ બગડેલી જ હોય છે!

You might also like