ખનન કૌભાંડમાં બચવા મુલાયમે મોદીની પ્રશંસા કરીઃ અમરસિંહ

(એજન્સી) નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પૂર્વે સમાજવાદી પાર્ટીના મુખિયા મુલાયમસિંહ યાદવની ગૂગલીથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઇ છે. મુલાયમસિંહ યાદવના નિવેદન પર તેમના પૂર્વ સાથી અમરસિંહે એક મોટું નિવેદન આપ્યું છે. અમરસિંહનું કહેવું છે કે મુલાયમસિંહ નરેન્દ્ર મોદી ફરી વડા પ્રધાન બને એવું એટલા માટે ઇચ્છે છે, કારણ કે તેઓ ખનન કૌભાંડમાં પોતાની જાતને બચાવવા માગે છે.

મુુલાયમસિંહ ચંદ્રકલા અને રામા રમન કેસમાં પોતાને ફાયદો મળી શકે અને નરેન્દ્ર મોદી મોટાં એક્શન ન લે તે માટે તેમણે આવું નિવેદન કર્યું છે. રાજ્યસભાના સાંસદ અમરસિંહે જણાવ્યું હતું કે આ નિવેદન માટે કન્ફયૂઝન ફેલાવવા માટે કરાયું છે કે જેથી ચંદ્રકલા અને રામા રમન કે જેના કેસ ચાલી રહ્યા છે અને તેમાં મુલાયમસિંહ યાદવે જે ભ્રષ્ટાચાર કર્યો છે તે દબાઇ જાય.

સમાજવાદી પાર્ટીના આઝમખાને પણ એવું જણાવ્યું હતું કે મુલાયમસિંહ યાદવના નિવેેદનથી તેઓ ખૂબ દુઃખી છે અને આ નિવેદન તેમનું નથી, પરંતુ તેમની પાસે આવું નિવેદન કરાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રકલા અને રામા રમન કેસમાં રેતીના ગેરકાયદે ખનન મામલામાં સીબીઆઇએ અગાઉ દરોડા પણ પાડ્યા હતા.

મુલાયમસિંહ યાદવે સંસદમાં વડા પ્રધાન મોદીની પ્રશંસા કર્યા બાદ ભાજપે લખનૌમાં ઠેર ઠેર મુલાયમસિંહનો આભાર માનતાં પોસ્ટર લગાવ્યાં હતાં. આ પોસ્ટરમાં લખ્યું છે કે, ‘માનનીય મુલાયમસિંહ યાદવજી કા ધન્યવાદ, આપને લોકસભા મેં ૧રપ કરોડ દેશવા‌‌િસયોં કે મન કી બાત કહી.’

You might also like