મમતા બેનર્જીના ખાસ મુકુલ રૉય BJP માં જોડાશે, ભાજપના પ્રભારી સાથે કરી મુલાકાત

મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ કદાવર નેતા અને પૂર્વ રેલવે મંત્રી મુકુલ રૉય ભાજપને જોઈન કરી શકે છે. તેમણે 9 ઓક્ટોબરે દિલ્હીમાં ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેના બાદ આ પ્રકારની અટકળો ચાલી રહી છે.

મમતા બેનર્જી સામે બળવો કરનાર મુકુલ રૉયે દિલ્હીમાં પશ્ચિમ બંગાળના ભાજપ પ્રભારી કૈલાશ વિજયવર્ગીય સાથે મુલાકાત કરી હતી અને આગળની રણનીતિ પર ચર્ચા વિચારણા કરી હતી.

મુકુલ રૉયે દુર્ગા પૂજા પહેલા જ મમતા બેનર્જીનો સાથ છોડવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, દશેરા બાદ તેઓ ટીએમસી પાર્ટીમાંથી રાજીનામું આપી દેશે. ઉપરાંત મુકુલ રૉયે રાજયસભાના સભ્ય પદને છોડવાની પણ વાત કરી હતી.

આજકાલ મુકુલ રૉય ભાજપના નેતાઓ સાથે પણ વધુ જોવા મળી રહ્યા છે. તેમણે ભાજપને સેક્યુલર પાર્ટી કહી ટીએમસી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ‘દુર્ગા પૂજા પર મૂર્તિ વિસર્જન સાથેનો વિવાદ એ પશ્ચિમ બંગાળ સરકારની નિષ્ફળતા છે.’

શુક્રવારે મુકુલ રૉય દિલ્હી આવ્યા હતા, ત્યારથી જ તેમની ભાજપ સાથે જોડાવાની શક્યતાઓ વધી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસે મુકુલ રૉયના ક્રાંતિકારી વલણને ધ્યાનમાં રાખી તેમને 25 સપ્ટેમ્બરથી જ પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા.

You might also like