મુક્તમુનિ નીલકંઠે થાંભલાને બાથ ભરી!

મોર જેમ મેઘની રાહ જોવે એમ મુક્તમુનિ અને નીલકંઠવર્ણી સ્વામીના સંદેશની રાહ જોઇ રહ્યા હતા. મયારામ ભટ્ટને આવેલા સાંભળીને બધા જ સંતો ક્રિયાઓ પડતી મેલીને એકઠા થઇ ગયા. મુક્તમુનિએ અને વર્ણીરાજે સ્વામીના પત્રોને આંખ-માથા ઉપર ચઢાવ્યા અને ભાવવિભોર હૈયે પત્રોનું વાચન કર્યું.
સ્વામી સત્વરે પધારશે એવા સમાચાર સાંભળીને સર્વના હૈયામાં અત્યંત આનંદ થયો. નીલકંઠવર્ણીએ મયારામ ભટ્ટને પૂછ્યું, ‘ભટ્ટજી, આ સિવાય કાંઇ સ્વામીએ કહેવડાવ્યું છે?’
મયારામ ભટ્ટે કહ્યું, ‘હા, વર્ણીરાજ, સ્વામીએ કહ્યું છે કે નીલકંઠને કહેજો, સત્સંગમાં રહેવાનો ખપ હશે તો થાંભલાને બાથ ભરીને પણ રહેવું પડશે!’
સ્વામીનો આદેશ સાંભળતાં જ વર્ણીરાજ ઊભા થયા અને ઓસરીના થાંભલાને બાથ ભરી. સદ્ગુરુનાં વચનને અક્ષરશઃ પાળવાને વર્ણીરાજની તત્પરતા જોઇને સર્વે આશ્ચર્યચકિત થયા.
મયારામ ભટ્ટ હસીને બોલ્યા, ‘વર્ણીરાજ, થાંભલાને બાથ ભરવાનો અર્થ છે મુક્તાનંદ સ્વામી જેવા સત્સંગના આધારસ્તંભ સમાન સંતની આજ્ઞામાં રહેવું.’ મયારામ ભટ્ટની વાત સાંભળી વર્ણીરાજ હસ્યા, થાંભલો છોડ દીધો અને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીને વંદન કર્યા અને એમની આજ્ઞામાં રહેવાનો નિર્ધાર જાહેર કર્યો.
મુક્તાનંદ સ્વામીએ વંદન કરી રહેલા વર્ણીરાજને એકદમ ઉઠાવીને બાહુપાશમાં લીધા અને હસીને કહ્યું, ‘વર્ણીરાજ, ગુરુદેવનાં વચનનો એક બીજો પણ અર્થ મને સૂઝે છે.’
વર્ણીરાજે ઉત્સુકતાથી મુક્તાનંદ સ્વામીની સામે જોયું. મુક્તમુનિ બોલ્યા, ‘વર્ણીરાજ, આપ મહાજ્ઞાની છો. આપની દૃષ્ટિએ અજ્ઞાની જીવો થાંભલા જેવા જડ છે, પરંતુ સત્સંગના ઉત્કર્ષ માટે અજ્ઞાની જીવોને પણ પ્રેમથી બાથમાં લેવા પડશે.’
મુક્તાનંદ સ્વામીના વચનમાં વર્ણીની મોટાઇ અને પોતાની અલ્પતાનો નિર્માનીભાવે સ્વીકાર હતો. મુક્તાનંદ સ્વામીનો વાણીવિવેક અને નિરહંકારી ભાવ એમના સંતત્વની શ્રેષ્ઠતાના દ્યોતક હતા. રામાનંદ સ્વામીનાં વચને નીલકંઠવર્ણી લોજમાં રોકાયા અને આશ્રમની નીચામાં નીચી ટેલચાકરી કરવા લાગ્યા.
તેઓ રોજ કાવડ લઇને સદાવ્રત માટે રોટલા માગવા જતા. તીર્થવાસીઓને જમાડતા, એંઠા વાસણો માંજતા, ચોકો-પાણી કરતા, છાણ-વાસીદું વાળતા અને વાંસનો ટોપલો લઇ સીમમાં છાણ મેળવવા પણ જતા.
નીલકંઠવર્ણીની મનોહર મૂર્તિ અને સેવાથી લોજવાસીઓ મંત્રમુગ્ધ થઇ જતા. ગામના લોકો નીલકંઠવર્ણીને સરયૂ નદીના કિનારાના રહેવાસી હોવાથી ‘સરજૂદાસ’ કહીને બોલાવતા.•
શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી,
એસજીવીપી ગુરુકુળ, છારોડી

You might also like