‘મુખ્યમંત્રી અાવાસ યોજના’ના નામે ૩૦ લાખથી વધુની છેતરપિંડી

અમદાવાદ: માધુપુરા વિસ્તારમાં આવેલ ઇદગાહ બ્રિજ પાસે બનેલી મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવી દેવાની લાલચ આપીને સાબરમતી નદીના પટમાંથી વિસ્થાપિત થયેલા 30 કરતાં વધુ ગરીબ લોકો સાથે ૩૦ લાખની ઠગાઈનું કૌભાંડ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકાન ફાળવવામાં આવ્યું હોવાના બોગસ ડોક્યુમેન્ટ બનાવીને ઠગ ટોળકીએ ગરીબો પાસેથી રૂપિયા લઇને કૌભાંડ આચર્યું છે. સમગ્ર કૌભાંડ મામલે માધુપુરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ પણ આ
મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

અસારવાબ્રિજ નીચે આવેલ વોરાની ચાલીમાં રહેતા અને વિસ્થાપિત બનેલા મુખ્તારઅલી અલીહુસેન શેખ સાથે મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવા બાબતે છેતર‌િપંડી થતાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં 9 શખ્સો વિરુદ્ધમાં લેખિતમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે મુખ્તારઅલી મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ગયા હતા, જ્યાં તેમની મુલાકાત કેટલાક એજન્ટ સાથે થઇ હતી. બીજા દિવસે અસારવા‌િબ્રજ નીચે આવેલી જી.ડી.નગરની ચાલીમાં રહેતા શાબીર ઉર્ફે પેઇન્ટર વણઝારા અને તેની પત્ની ફરીદાબાનુ મુખ્તારઅલીના ઘરે આવ્યાં હતાં અને ગરીબ આવાસ યોજનાના સરકારી એજન્ટ છે અને કોર્પોરેશનના એસ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર આઇ.ડી.પરમાર સાથે ઘરોબો હોવાથી ફોર્મ ભર્યા વગર મકાન અપાવી દેવાની લાલચ આપી હતી.

તે સમયે શાબીરે તેના અન્ય મળ‌િતયાઓ શાહિદ ઉર્ફે બાબા મનસૂરી, અલીહુસેન મનસૂરી, અલીહુસેનની પત્ની, અલીહુસેનનાં સાસુ અને સુરતના અલ્તાફ મનસૂરી સાથે મુખ્તારઅલીની મુલાકાત કરાવી હતી. તમામ લોકોએ ગરીબ આવાસ યોજનામાં સરકારી એજન્ટ હોવાની ઓળખ આપી હતી. મુખ્તારઅલીને વિશ્વાસમાં લઈને ઠગ ટોળકીએ તેમની પાસેથી 30 હજાર રૂપિયા ક‌િમશન પેટે એડ્વાન્સ લીધા હતા. મુખ્તારઅલીએ તેમના સંબંધીઓ અને મિત્રવર્તુળમાં મકાન અપાવી દેવા અંગેની વાત કરી હતી.

ત્યારબાદ 30 કરતાં વધુ લોકોએ તેમની સાથે મુખ્યમંત્રી આવાસ યોજનામાં ફ્લેટ બુક કરાવ્યા હતા. શાહિદ ઉર્ફે બાબા મનસૂરી અને અલીહુસેને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર આઇ.ડી.પરમાર સાથે તમામ લોકોની મુલાકાત કરાવી હતી.

વિશ્વાસમાં આવી ગયેલા ગરીબવર્ગના લોકોએ પહેલાં 30 હજાર રોકડા આપ્યા. ત્યારબાદ મકાનની નોંધણી પેટે 65 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા અને 3260 રૂપિયા એન્ટ્રી ફી પેટે આપ્યા હતા. રૂપિયા લીધા બાદ શાહિદ અને અલીહુસેને રૂપિયા ભર્યા હોવાની પહોંચ આપી હતી. રૂપિયાની પહોંચ આપતાં તમામ લોકોને અલગ અલગ સમયે મકાનની ફાળવ્યું હોવાના લેટર આપી દીધા હતા. 8 મહિનાથી મકાન નહીં મળતાં મુખ્તારઅલીએ તપાસ કરી હતી, જેમાં કોર્પોરેશને આવું કોઇ મકાન આપ્યું નહીં હોવાની જાણ થતાં તેને માધુપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. માધુપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એ. ચૌધરીએ જણાવ્યું છે કે કેટલાક લોકોએ મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવા બાબતે છેતર‌િપંડી કરી હોવાની ફરિયાદ આવી છે, જે અંગે તપાસ ચાલુ છે. અંદાજિત 30 જેટલા લોકો સાથે છેતર‌િપંડી થઇ હોવાનું લાગી રહ્યું છે ત્યારે આ અરજી સંબંધે ઝોન-2ના ડીસીપી ઉષા રાડાએ જણાવ્યું છે કે જો આરોપીઓએ છેતર‌િપંડી કરી હશે તો તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે.

પોતાને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તરીકેની ઓળખ આપનાર આઇ.ડી. પરમારે મકાન ફાળવ્યા અંગેના ડોક્યુમેન્ટ આપ્યા તે સમયે તમામ લોકોને મકાન ફાળવવામાં આવ્યાં છે તેના ફોટોગ્રાફ્સ પાડવામાં આવ્યા છે. સ્લેટમાં ચોકથી મકાન નંબર લખીને તમામના ફોટોગ્રાફ્સ પાડવામાં આવ્યા છે.

શાહિદ સહિતના તમામ લોકોએ ભોગ બનનાર પાસેથી ઓરિજનલ આધારકાર્ડ લેવાનો ઇનકાર કરી દીધો હતો અને મુખ્યમંત્રી આવાસ યોજના માટે અલગ આધારકાર્ડ બનાવવાં પડશે તેવું જણાવ્યું હતું, જેથી તમામ લોકોનાં બોગસ આધારકાર્ડ બનાવીને તેની ઝેરોક્ષ ભોગ બનનારને આપી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર આર.એમ. દેસાઇએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી આવાસ યોજનામાં જેને મકાન મળ્યું છે તેના દસ્તાવેજ કરી આપવામાં આવ્યા છે. આવી કોઇ વ્યક્તિઓને મકાન ફાળવાયું નથી ત્યારે આઇ.ડી. પરમાર નામની કોઇ વ્યકિત કોર્પોરેશનમાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તરીકે ફરજ બજાવતી નથી.

ચાર નંબરના બ્લોકમાં ૧૧૭ નંબરનું મકાન જ નથી. મુખ્તારઅલીને આવાસ યોજનામાં ચાર નંબરના બ્લોકમાં ૧૧૭ નંબરનું મકાન આપવામાં આવ્યંુ છે. સમભાવ મેટ્રોની ટીમે તપાસ કરતાં ચાર નંબરના બ્લોકમાં ૧૧૭ નંબરનું કોઈ મકાન નથી.
મૌલિક પટેલ

You might also like