મૂકેશ અંબાણીની ખોટ કરતી RGTILને સરકારી બેન્કો દ્વારા ઉદાર રિસ્ટ્રક્ચરિંગ પેકેજની લહાણી

નવી દિલ્હીઃ આપણા દેશમાં સામાન્ય માણસને મકાન કે નાના ધંધા માટે લોન લેવી હોય તો કેટલાય દસ્તાવેજો રજૂ કરવા પડે છે અને ધક્કા પણ ખાવા પડે છે પણ વાત જો ઉદ્યોગપતિ કે વગદાર લોકોની હોય તો આખી વાત જ બદલાઈ જાય છે. આવા ખાસ લોકોને બેંકો કરોડો અબજોની લોનની છૂટા હાથે લહાણી તો કરે જ છે. ઉપરાંત નીતિ નિયમોને પણ નેવે મૂકી દેવાય છે. વગદાર લોકોની લોનના નામે આવી ઉઘાડી લૂંટના કારણે બેંકોની એનપીએ વધતી જાય છે.

દુનિયાના સૌથી શ્રીમંત અને સૌથી મોટો કોર્પોરેટ ગ્રૂપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડના વડા મૂકેશ અંબાણીની ખોટ કરતી કંપની રિલાયન્સ ગેસ ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ (આરજીટીઆઈએલ) પર સરકારી બેન્કો ઓળઘોળ છે.
સામાન્ય માણસ એક લોનનો એક હપતો પણ ચૂકી જાય તો તેને મોટો દંડ ફટકારતી અને આરોપીના પિંજરામાં ઊભી રાખતી સરકારી બેન્કોએ આરજીટીઆઈએલને લોન ભરપાઈ કરવાની મુદત ૧૦ વર્ષ લંબાવી આપીને ઉદાર રિસ્ટ્રક્ચરિંગ પેકેજની છૂટા હાથે રીતસર લહાણી કરી છે.

રિલાયન્સ ગેસ ટ્રાન્સપોર્ટેશન લિમિટેડના શેર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયા નથી અને આ કંપની વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવે છે. મૂકેશ અંબાણીના રિલાયન્સ ગ્રૂપ દ્વારા નિયંત્રિત અને સંચાલિત આ કંપનીએ પ્રથમ વાર ભારતીય જાહેર ક્ષેત્રોની બેન્ક પાસેથી સફળતાપૂર્વક લોનનું રિશિડ્યૂલમેન્ટ સફળતાપૂર્વક મેનેજ કરાવીને લોન ભરપાઇ કરવાની સમયાવધિ ૧૦ વર્ષ જેટલી લંબાવી દીધી છે.

૩૧ માર્ચ, ૨૦૧૫ના રોજ પૂરા થતાં નાણાકીય વર્ષમાં આરજીટીઆઇએલની ખોટ રૂ. ૪૩૬ કરોડ હતી, જ્યારે તેની સામે આવક રૂ. ૧૩૫૭ કરોડ હતી. અગાઉના વર્ષમાં કંપની ખોટ રૂ. ૧૪૧૨ કરોડની થોડી ઊંચી આવક પર આઠ ગણી વધુ એટલે કે રૂ. ૩૪૦૩ કરોડ હતી. માર્ચના અંતે કંપનીનું દેવું રૂ. ૧૬,૦૦૦ કરોડ હતું.

આરજીટીઆઇએલએ જણાવ્યું હતું કે મુદ્દલની બાકી નીકળતી લહેણી રકમ ૨૦૧૯-૨૦ સુધીમાં ભરપાઇ કરવાની હતી તેને બદલે આ લહેણી રકમ ૨૦૩૦-૩૧ સુધીમાં ભરપાઇ કરવાની રાષ્ટ્રીયકૃત બેન્કો પાસેથી મંજૂરી મળી ગઇ છે. વિવિધ બેન્ક સમૂહો તરફથી મળેલી લોન ભરપાઇ કરવા માટે કંપનીએ શા માટે નવો શિડ્યૂલ મંજૂર કરાવ્યો હતો? અને ભારતના સૌથી મોટા ખાનગી કોર્પોરેટ ગ્રૂપ આરઆઇએલ અને તેની સહયોગી કંપનીઓની આ ચોક્કસ કંપનીમાં શી ભૂમિકા છે?

આરજીટીઆઇએલ એક એવી કંપની છે, જેમાં મૂકેશ અંબાણી વ્યક્તિગત રીતે ૪૨.૫ ટકા સ્ટેક ધરાવે છે. ઓછા શેરધારકો ધરાવતી (ક્લોઝલી હેલ્ડ કંપની) ખાનગી કંપની હોવાના નાતે તેના હિસાબો આરઆઇએલ દ્વારા જાહેર કરવામાં આવતાં નાણાકીય િનવેદનોનાં (ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ) ભાગ નથી હોતા તેમ છતાં અંબાણી પરિવાર દ્વારા સંચાલિત વ્યાપક બિઝનેસ સામ્રાજ્યમાં આ કંપની મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

આરજીટીઆઇએલ આંધ્રપ્રદેશમાં કાકિનાડાથી ગુજરાતમાં ભરૂચ સુધી લગભગ ૧૪૦૦ કિલોમીટર લાંબી નેચરલ ગેસ ટ્રાન્સપોર્ટેશન પાઇપલાઇન ધરાવે છે, જે કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોમાંથી પસાર થાય છે. કંપનીની ખોટ બંગાળના અખાતમાં કૃષ્ણા-ગોદાવરી બેસિનમાં ડી-૬ બ્લોકમાં ઉત્પાદનમાં જંગી ઘટાડાના કારણે છે. આ બેસિનમાં સરકારે કુદરતી ગેસનું સંશોધન કરી તેને બહાર કાઢવાનો કોન્ટ્રેક્ટ રિલાયન્સ ગ્રૂપને આપ્યો છે. ગેસના ઉત્પાદનમાં ઘટાડો થતા પાઇપલાઇનની ક્ષમતાના ઉપયોગમાં પણ ઘટાડો થયો હતો.

૧૯૯૯માં જ્યારે ડી ૬ બ્લોકમાં ગેસ સંશોધનના રાઇટ્સ પ્રાપ્ત કર્યા ત્યારે આ પ્રદેશમાં પ્રતિદિન ૪ કરોડ મેટ્રિક સ્ટાન્ડર્ડ ઘનમીટર ગેસનું ઉત્પાદન થવાનો હતો. ત્યાર બાદ આ આંકડો બમણો થઇ ગયો હતો અને ગેસના પરિવહન માટે પાઇપલાઇના નિર્માણ બાદ ૮ કરોડ મેટ્રિક સ્ટાન્ડર્ડ ઘનમીટર (એમએમએસસીએમડી) ગેસનું ઉત્પાદન થશે એવો અંદાજ મૂકવામાં આવ્યો હતો.

ઘટતું જતું ઉત્પાદન
૨૦૧૦-૧૧માં ગેસનું ઉત્પાદન ૫.૬ કરોડ મેટ્રિક સ્ટાન્ડર્ડ ઘનમીટરની સરેરાશ કરતાં ઓછું થયું હતું અને ત્યાર પછીના વર્ષમાં તો ૪.૩ કરોડ મેટ્રિક સ્ટાન્ડર્ડ ઘનમીટર ઉત્પાદન થયું હતું. ૨૦૧૨-૧૩માં ઉત્પાદન ઘટીને ૨.૬ કરોડ મેટ્રિક સ્ટાન્ડર્ડ ઘનમીટર અને ડિસેમ્બર ૨૦૧૪ સુધીમાં કેજી-ડી ૬ બ્લોકમાંથી ગેસનું સરેરાશ ઉત્પાદન ઘટીને માત્ર ૧.૦૦ કરોડ મેટ્રિક સ્ટાન્ડર્ડ ઘનમીટર આવી ગયું હતું અને આમ અંદાજિત ઉત્પાદન કરતાં ઘટીને ઉત્પાદન આઠમા ભાગનું થઇ ગયું હતું.
રિલાયન્સ ગ્રૂપના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે ગેસ ઉત્પાદનમાં ઘટાડા માટે ‘કુદરતી’ અને ‘અનપેક્ષિત’ પરિબળો જવાબદાર હતાં. તો બીજી બાજુ કમ્પ્ટ્રોલર એન્ડ એડિટર જનરલ (કેગ) ઓફ ઇન્ડિયા અને સંસદીય સમિતિને રિલાયન્સના આ ખુલાસા અંગે શંકા હતી. તેમણે એવી દલીલ કરી હતી કે સરકાર દ્વારા નિયંત્રિત ગેસના ભાવો વધુ ઊંચા જશે એવી અપેક્ષામાં ગેસનું ઉત્પાદન ‘ઇરાદાપૂર્વક’ દબાવી દઇને ઓછું કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેનો વિરોધ કર્યો હતો.

છેલ્લાં ત્રણ વર્ષમાં પેટ્રોલિયમ મંત્રાલયે આરઆઇએલની આ કોન્ટ્રેક્ટિંગ કંપની પર પેનલ્ટી (દંડ) ફટકાર્યો હતો. ૨.૪ અબજ ડોલરના (અથવા પ્રવર્તમાન વિનિયમ દરે રૂ. ૧૫,૦૦૦ કરોડ) ખર્ચને વસૂલ કરવા દેવામાં આવ્યો ન હતો. કંપનીએ ફરી આ કાર્યવાહી સામે વિરોધ કર્યો હતો.

આ મામલે તેમજ સંબંધિત મુદ્દાઓ પર સંખ્યાબંધ પિટિશન હાલ સુપ્રીમ કોર્ટમાં નિર્ણય માટે પડતર છે. આ ઉપરાંત આ મામલામાં લવાદી કાર્યવાહી પણ હાલ ચાલી રહી છે. ગેસ ઉત્પાદનમાં તીવ્ર ઘટાડાની આરજીટીઆઈએલની આર્થિક સ્થિતિ પર કોઈ અસર પડી નથી. ગેસનો ઉપયોગ કરવા માટે જે પાવર પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા હતા તે તેમની સ્થાપિત ક્ષમતા કરતા ઓછી ક્ષમતા પર કામ કરી રહ્યા છે. સંસદીય સમિતિના ડિસેમ્બર ૨૦૧૩ના અહેવાલ અનુસાર રૂ. ૪૦,૦૦૦ કરોડના મૂડી રોકાણ સાથેની પાવર યોજનાઓ ગેસની બિન ઉપલબ્ધતાને કારણે અટવાઈ ગઈ છે. માર્ચમાં કેન્દ્રીય કેબિનેટે આ અટવાયેલા પ્રોજેક્ટને મદદ કરવા આયાતી લિક્વિફાઈડ નેચરલ ગેસ માટે સબસિડી આપવાની યોજનાને મંજૂરી આપી હતી.

માર્ચ ૨૦૦૩માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ૧૦૦ ટકા સબસિડિયરી તરીકે આરજીટીઆઈએલની સ્થાપના કરવામાં આવી હતી. ઓગસ્ટ ૨૦૦૪માં કાકાનાડાથી ભરૂચ સુધી ગેસ પહોંચાડવા માટે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આરજીટીઆઈએલની રચનાને મંજૂરી આપી હતી. નવેમ્બર ૨૦૦૪ અને જૂન ૨૦૦૫ વચ્ચે અંબાણી બંધુઓ મૂકેશ અને અનિલ અંબાણીએ પરિવારના બિઝનેસની અસ્કયામતોનો અંકુશ મેળવવા જાહેરમાં એક બીજા સામે લડત આપી હતી. ૨૧ એપ્રિલ ૨૦૦૫ના રોજ એક અસાધારણ ઘટના બની હતી. માત્ર રૂ. પાંચ લાખની નજીવી રકમ માટે આરઆઈએલના કાર્યક્ષેત્રમાંથી આરજીટીઆઈએલ લઈ લેવામાં આવી હતી અને મૂકેશ અંબાણી દ્વારા સંપૂર્ણપણે એક સ્વતંત્ર નિયંત્રિત કંપનીમાં તેનું રૂપાતર કરવામાં આવ્યું હતું.

વર્તમાન રાષ્ટ્રપતિ અને તત્કાલિન નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ ૨૦૦૯-૧૦ના કેન્દ્રીય બજેટમાં જુલાઈ ૬, ૨૦૦૯ના રોજ ઈન્કમટેક્સ ૧૯૬૧માં કલમ-૩૫એડી દાખલ કરી હતી અને આ કલમ હેઠળ કુદરતી કે ગેસ કે ક્રૂડ તેલની પાઈપલાઈનની સ્થાપના અને સંચાલન પર થયેલા મૂડી ખર્ચને કંપનીના પ્રથમ વર્ષના ઓપરેશનમાં જ ૧૦૦ ટકા કરમુક્તિ આપવામાં આવી હતી. આમ ભારતમાં આ પ્રકારના બિઝનેસને સંપૂર્ણ મૂડી ખર્ચ પ્રથમ વર્ષમાં જ મહેસૂલ ખર્ચમાં તરીકે ગણવામાં આવ્યું હતું. આરજીટીઆઈએલને આ કલમ દ્વારા અંદાજિત રૂ. ૨૦,૦૦૦ કરોડનો ફાયદો થયો હતો.

સમગ્ર ડીલમાં તપાસ
ચાર વર્ષ બાદ ૨૦૧૩માં ન્યૂઝ એક્સ ટેલિવિઝન ચેનલ દ્વારા નિયંત્રિત કંપનીનો કન્ટ્રોલ પ્રાપ્ત કરવામાં રિલાયન્સ ગ્રૂપની કંપનીઓએજે રીતે ભૂમિકા ભજવી હતી તેમાં તપાસ કર્યા બાદ કોર્પોરેટ બાબતોના મંત્રાલયની સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ દ્વારા એક અહેવાલનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. જાણીતા એડવોકેટ પ્રશાંત ભૂષણે દાખલ કરેલી પીઆઈએલના બિડાણ તરીકે આ મુસદ્દા અહેવાલ ૧૧ નવેમ્બર ૨૦૧૩ના રોજ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે લોબિસ્ટ નીરા રાડિયા દ્વારા નિયંત્રિત મોરેશિયસ સ્થિત મલ્ટિનેશનલ ઈન્વેસ્ટમેન્ટ કંપની ન્યૂ સિલ્ક રૂટની એસોસિયેટ કંપની અને આરજીટીઆઈએલને લગતા છેતરપિંડી ભર્યા ડીલ થયા હતા.

સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસના મુસદ્દા અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના વડાએ ચૂપચાપ કોઈ પણ જાતની જાહેર કર્યા વગર સાવ નજીવી રકમમાં આરઆઈએલમાંથી આરજીટીઆઈએલને અલગ કરીને પોતાની અંગત કંપની બનાવી દીધી હતી. કહેવાતા બાયોમેટ્રિક્સ કેસમાં પણ સંડોવાયેલી કંપનીઓમાં આરટીજીઆઈએલનું નામ છે.

૨૦૧૩માં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે (ઈડી) આઈસીઆઈસીઆઈ બેન્કની વિદેશી શાખા દ્વારા સિંગાપોર સ્થિત કંપની બાયોમેટ્રિક્સ કોર્પોરેશનને આપવામાં આવેલી રૂ. ૬૫૩૦.૩૬ કરોડની (૧.૬૫ અબજ ડોલર) લોનની કાયદેસરતા પર માહિતી મેળવવામાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને પત્ર લખ્યો હતો. બાયોમેટ્રિક્સ કોર્પોરેશનને પાછળથી આરજીટીઆઈએલ સહિત રિલાયન્સ ગ્રૂપની ચાર કંપનીઓમાં ફાઈનાન્શિયલ ઈન્સ્ટ્રૂમેન્ટ મારફતે એફડીઆઈ દ્વારા દેશમાં પરત આવી હતી.

આ કંપનીને લગતા શ્રેણીબદ્ધ ટ્રાન્ઝેકશન ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિના વિશાળ બિઝનેસ સામ્રાજ્ય માટે કેટલા મહત્ત્વના હતા અને કંઈ રીતે  તેને જંગી લાભ કરાવ્યો છે. તેનો નિર્દેશ આપો છે.

You might also like