મુગલસરાઈ જંકશન હવે પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંકશન તરીકે ઓળખાશે

લખનૌ: કોંગ્રસ રાજ બાદ હવે મોદી રાજમાં પણ નામ બદલવાનો ખેલ જારી છે. ૨૦૧૪માં કેન્દ્રની સત્તા પર આરુઢ થયા બાદ મોદી સરકારે કેટલાંય સ્થળો અને યોજનાના નામ બદલી નાખ્યાં છે. જેમાંની મોટા ભાગની યોજનાનાં નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામે રાખવામાં આવી છે.

નામ બદલવાના સિલસિલામાં આગળ વધીને હવે મોદી સરકારે ચંદૌલી જિલ્લાના મુગલસરાઈ રેલવે સ્ટેશનનું નામ બદલીને હવે પંડિત દીનદયાળ ઉપાધ્યાય રેલવે સ્ટેશન કર્યું છે. આમ હવે મુગલસરાઈ જંકશન હવે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશનના નામે ઓળખાશે.

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી તો બીજી બાજુ ઉત્તર પ્રદેશ સરકારે પણ નોટિફિકેશન જારી કર્યું છે. પીયૂષ ગોયલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે નાગરિકોની માગણીને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશમાં મોગલસરાઈ જંકશનનું નામ બદલીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન કરવામાં આવ્યું છે. મને આનંદ છે કે અંત્યોદય જેવા મહાન વિચાર આપનાર પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામથી આ જંકશન હવે ઓળખાશે.

૧૮૬૨માં બનેલા મુગલસરાઈ સ્ટેશનનું નામ બદલવાની કવાયત છેલ્લાં કેટલાંક વર્ષોથી શરૂ થઈ ગઈ હતી. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જ મુગલસરાઈ સ્ટેશનનું નામ બદલવાનું સૂચન કેન્દ્રને મોકલ્યું હતું જેને પાછળથી કેન્દ્રએ બહાલી આપી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૬૮માં મુગલસરાઈ સ્ટેશન પર જ પંડિત દીનદયાળ ઉપાધ્યાય મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. જોકે નામ બદલવાને લઈને ત્યારે ઘણો વિરોધ થયો હતો. મુગલસરાઈ ભારતના પૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું જન્મસ્થળ પણ છે.

કેટલાક લોકોએ મુગલસરાઈ રેલવે સ્ટેશનનું નામ બદલીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય રેલવે સ્ટેશન કરવાના પ્રસ્તાવનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે એવી માગણી કરી હતી કે વાસ્તવમાં મુગલસરાઈ ભારતના પૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું જન્મસ્થળ હોવાથી તેનું નામ લાલબહાદુર શાસ્ત્રી રેલવે સ્ટેશન રાખવું જોઈએ.

You might also like