ડીડીસીએમાં થયેલા ગોટાળાના ‘આપ’ના આક્ષેપોમાં કેટલું તથ્ય?

કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી સામે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિકટ ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ)માં રૂ.પ૭ કરોડના કહેવાતા ગોટાળા અને કરોડો રૂપિયાના દુરુપયોગની કહાણી તૈયાર કરીને આમ આદમી પાર્ટીએ જેટલી સામે નિશાન તાક્યું હતું. જેટલી ૧૪ વર્ષ સુધી ડીડીસીએના અધ્યક્ષ હતા. આમ આદમી પાર્ટીએ એવું પુરવાર કરવાનો પ્રયાસ કર્યો છે કે દિલ્હીમાં ફિરોઝશાહ કોટલા‌ ક્રિકેટ સ્ટેડિયમને નવેસરથી બનાવવા દરમિયાન જેટલીની દેખરેખ હેઠળ ગોટાળા થયા હતા. આ આરોપ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે એ જ દિવસે ઉછાળ્યો હતો, જે દિવસે તેમના મુખ્ય સચિવ રાજેન્દ્રકુમારના કાર્યાલય અને નિવાસસ્થાન પર તેમના ભ્રષ્ટાચાર અંગે સીબીઆઇએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા દિવસે તેમાં કોંગ્રેસ પણ કૂદી પડી હતી અને બાકી હતું તે ભાજપના સાંસદ કીર્તિ આઝાદે પણ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને જેટલી વિરુદ્ધના ગોટાળાનો પર્દાફાશ કર્યો હતો. આમ આદમી પાર્ટીના કેજરીવાલ સહિતના ‘આપ’ના નેતાઓના તેમજ કીર્તિ આઝાદના આક્ષેપો વિરુદ્ધ નાણાપ્રધાન અરુણ જેટલીએ બદનક્ષીનો કેસ કરવાની ચીમકી આપતાં કીર્તિ આઝાદ વિફર્યા હતા અને તેમણે જેટલી વિરુદ્ધ ટ્વિટ કરીને બોમ્બ છોડ્યો હતો.

દિલ્હી ક્રિકેટ એસોસિયેશનમાં કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીના ભ્રષ્ટાચાર અને નાણાકીય ગોટાળાનો પર્દાફાશ કરનાર ભાજપના સાંસદ કીર્તિ આઝાદે ફરી જેટલીને પડકાર ફેંકતાં ટ્વિટ કરીને જણાવ્યું હતું કે જેટલીજી મારા સામે બદનક્ષીનો કેસ કેમ કરતા નથી? કીર્તિ આઝાદે ટ્વિટમાં જણાવ્યું હતું કે અરુણ જેટલીએ મારું નામ કેમ હટાવી દીધું છે? તમે તો મારા પત્રો પણ જોયા હતા તો પછી કરો ને મારી સામે કેસ. આ પત્રો મેં રજિસ્ટર પોસ્ટથી મોકલ્યા હતા.

જેટલીએ ‘આપ’ના અનેક નેતાઓ સામે બદનક્ષીનો કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. જેટલીએ આ માટે ‘આપ’ના નેતાઓ સામે એફઆઈઆર દાખલ કરવાની પણ તૈયારી કરી દીધી હતી અને જણાવ્યું છે કે તેઓ ‘આપ’ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે.

કીર્તિ આઝાદે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, “હેલો ડિયર અરુણ જેટલી, અમારા પર બદનક્ષીનો કેસ કરી રહ્યા છો ને? પ્લીઝ, બદનક્ષીનો કેસ કરો ને, રોકાશો નહીં, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ ન મૂકો.” બીજા ટ્વિટમાં કીર્તિએ લખ્યું છે કે, “મારું નામ કેમ હટાવી દીધું, અરુણ જેટલી?” આમ આદમી પાર્ટીએ તો મારા જ પત્રો બતાવ્યા હતા. કરો ને મારા પર કેસ. રજિસ્ટર્ડ પોસ્ટથી મેં આ પત્રો લખ્યા હતા. ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે અગાઉ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ડીડીસીએ અનેક નકલી કંપનીઓ સાથે કરારો કરીને કરોડો રૂપિયા આપ્યા હતા.

જોકે નાણાપ્રધાન જેટલીએ કેજરીવાલ સહિત ‘આપ’ના છ જેટલા નેતાઅો સામે બદનક્ષીનાે કેસ દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં દાખલ પણ કરી દીધો છે. ‘આપ’ના આ નેતાઓ સામે ૧૦ કરોડનો દાવો દાખલ કરી દીધો છે. ‘આપ’ના નેતા અરવિંદ કેજરીવાલ સહિત કુમાર વિશ્વાસ, આશુતોષ, સંજયસિંહ, રાઘવ ચઢ્ઢા, દીપક બાજપેયી વિરુદ્ધ કેસ દાખલ કરી દીધા છે. કેજરીવાલ અને અન્ય લોકોએ તેમની અને તેમના પરિવાર વિરુદ્ધ જુઠ્ઠા આરોપો મૂકીને તેમની છબી અને પ્રતિભા ખરડી છે.

દરમિયાન ડીડીસીએ કેસમાં એક ભાજપના સાંસદના કહેવા પર સોનિયા ગાંધીએ પોતાને ફસાવવાની કોશિશ કરી છે એવા નાણાપ્રધાન અરુણ જેટલીના નિવેદન પર કોંગ્રેસ પણ વિફરી હતી અને આ કેસમાં સોનિયા ગાંધીનું નામ લેવા બદલ નારાજ કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને નેતાઓ રોષે ભરાયા હતા.

હવે અહમ પ્રશ્ન એ છે કે આમ આદમી પાર્ટી દ્વારા અરુણ જેટલી સામે ડીડીસીએમાં ગોટાળાના જે આક્ષેપ કરવામાં આવ્યા છે અને તેમના પગલે ભાજપના જ સાંસદ કીર્તિ આઝાદે જે આક્ષેપો કર્યા છે તેમાં સત્ય કેટલું છે? ભાજપનું કહેવું છે કે જ્યારે પ્રથમ વાર આ આક્ષેપો થયા હતા ત્યારે યુપીએ સરકારનું શાસન હતું અને યુપીએ સરકારે કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરાવી હતી અને આ એજન્સી એવા નિષ્કર્ષ પર પહોંચી હતી કે ડીડીસીએમાં કોઇ ગોટાળા થયા નથી તો પ્રશ્ન એ છે કે શું કેજરીવાલે પોતાના જ ભ્રષ્ટાચારી અધિકારી રાજેન્દ્રકુમારને બચાવવા માટે જ આ દાવ ખેલ્યો છે? આ બાબતે ખરેખર સત્ય બહાર આવવું જોઇએ કે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય.

You might also like