એમએસકે પ્રસાદ બન્યા પસંદગી સમિતિના અધ્યક્ષ, બીસીસીઆઇની એજીએમમાં લેવાયો નિર્ણય

નવી દિલ્હી : ભારતીય ટીમના પૂર્વ વિકેટકિપેર તેમજ બેટ્સમેન મન્નાવ શ્રીકાંત પ્રસાદ ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. આજરોજ યોજાયેલ બીસીસીઆઇની 87મી વાર્ષિક એજીએમ બેઠકમાં તેના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રસાદ સિવાય સરનદીપ સિંહ, ગગન ખોડા અને જતિન પરાંજપે અને દેવાંગ ગાંધી અન્ય પસંદગી સમિતિના સભ્યો હશે.
એમએસકે પ્રસાદે ભારત વતી 6 ટેસ્ટ અને 17 વન ડે મેચ રમી છે. એમએસકે પ્રસાદની સંદિપ પાટિલની જગ્યા નિમણૂંક કરવામાં આવી છે. હાલમાં સંદિપ પાટિલ પસંદગી સમિતિના અધ્યક્ષ છે.

એમએસકે પ્રસાદનું ટૂકુ કેરિયર
24 એપ્રિલ 1975ના આંધ્ર પ્રદેશના ગુંટૂરમાં જન્મેલા એમએસકે પ્રસાદની 1999માં વર્લ્ડકપ દરમિયાન વિકેટકીપર નયન મોંગિયાના સ્થાને પ્રથમ વાર ભારતીય ટીમમાં પસંદગી થઇ હતી. નયન મોંગિયા ઇજાગ્રસ્ત થતાં વર્લ્ડકપની મેચમાંથી બહાર થયો હતો. એમએસકે પ્રસાદનું આંતરરાષ્ટ્રીય વન ડે કેરિયર માત્ર બે વર્ષ જેટલું જ ચાલ્યું હતું. તેણે અજય જાડેજાની કપ્તાની હેઠળ કેન્યામાં રમાયેલ એલજી કપની ફાઇનલમાં સૌથી વધુ 67 રનની ઇનિંગ્સ રમી હતી. પરંતુ આ મેચ ભારત હારી ગયું હતું. બે વર્ષના વન ડે કેરિયરમાં પ્રસાદે 17 વન ડેમાં 14.56ની સરેરાશથી 131 રન બનાવ્યા. જ્યારે સ્ટમ્પ પાછળ તેણે 21 શિકાર ઝડપ્યાં.

પ્રસાદને તેના ટૂંકા કેરિયરમાં 17 વન ડે સિવાય છ ટેસ્ટ મેચ રમવાની તક પણ મળી હતી. ટેસ્ટમાં પ્રસાદે 11.78ની સરેરાશથી 106 રન બનાવ્યા. એમએસકે પ્રસાદે તેની ટેસ્ટ કારકિર્દીમાં જ્યાં સૌથી વધારે રન બનાવ્યા તે જ ગ્રીન પાર્ક મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડીયા 500મી ટેસ્ટ મેચ રમવા જઇ રહ્યું છે. 1999માં સચિન તેંડૂલકરની સુકાનીમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલ મેચમાં 19 રન બનાવ્યા હતા જે તેના ટેસ્ટની ઇનિંગ્સમાં બનાવેલ સૌથી વધુ રન હતા.

You might also like