VIDEO: વડોદરાની MS યુનિ.માં વિદ્યાર્થી સંઘની ચૂંટણીને લઈ હોબાળો, પોલીસનો હળવો લાઠીચાર્જ

વડોદરાઃ શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીને લઈને હોબાળો થયો હોવાંની ઘટના સામે આવી હતી. વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં સાયન્સ ફેકલ્ટીનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ કરવા મુદ્દે ભારે હોબાળો મચી ગયો હતો.

ખોટી રીતે ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હોવાનાં આક્ષેપો સાથે ફેકલ્ટી બહાર વિદ્યાર્થીઓ દ્વારા ધરણાં ધરવામાં આવી રહ્યાં હતાં. તેવામાં એ જ સમય દરમ્યાન પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. જેને લઈને વિદ્યાર્થીઓ ઉગ્ર રોષે ભરાયાં હતાં. જો કે સત્તાધીશોનો એવો આક્ષેપ છે કે, વિદ્યાર્થીઓ દ્વારા ખોટી રીતે હોબાળો કરવામાં આવ્યો હોવાંથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

મહત્વનું છે કે સાયન્સ ફેકલ્ટીનાં ઉમેદવારનું ફોર્મ રદ થતાં ઉમેદવારોનાં સમર્થકોએ હોબાળો મચાવતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પોલીસે વિદ્યાર્થીઓ પર હળવો લાઠીચાર્જ કર્યો હતો.

પોલીસ દ્વારા કરવામાં આવેલ હળવા લાઠીચાર્જની ઘટનાને પગલે કેમ્પસમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જો કે, પોલીસ દ્વારા કરવામાં આવેલ લાઠીચાર્જને લઇને ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યાં હતાં અને પોલીસ દ્વારા ભરવામાં આવેલ આ પગલાંને લઇને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ જોવાં મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી 24 ઓગષ્ટનાં રોજ વડોદરાની M.S. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવા જઇ રહી છે.

You might also like