ધોની સે નહીં સા’બ, અબ કોહલી સે ડર લગતા હૈ…

અમદાવાદઃ એક જમાનામાં જે રીતે ભારતીય ટીમ સચીન તેંડુલકર પર નિર્ભર હતી, એવી જ હવે ટીમની નિર્ભરતા વિરાટ કોહલી પર થઈ રહી છે. આ નિર્ભરતાને જો ઓછી કરવામાં નહીં આવે તો ભ‍િવષ્યમાં ટીમ ઇન્ડિયાને ભારે પડશે. પાછલાં વર્ષોમાં જ્યારે જ્યારે કોહલીએ રન બનાવ્યા છે, ત્યારે ત્યરે ભારતની જીતની ટકાવારી વધી જાય છે. ધરમશાલામાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પહેલી વન ડેમાં વિરાટે અણનમ અર્ધસદી ફટકારીને એક છેડો સાચવી રાખ્યો હતો, જેના કારણે ભારતને આસાન જીત મળી હતી, પરંતુ ફિરોજશાહ કોટલા ખાતેની બીજી વન ડેમાં િવરાટ સસ્તામાં આઉટ થઈ જતાં જ ભારતે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ગત રવિવારે મોહાલીમાં વિરાટે તોફાની બેટિંગ કરીને ૧૫૪ રન ઝૂડી કાઢ્યા ને વિજય ટીમ ઇન્ડિયાનો થયો. બીજી વન ડે બાદ ભારતીય વન ડે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું હતું કે, ”અમને નિયમિત અંતરે વિકેટ ગુમાવવી મોંઘી પડી.”

ઓપનર્સે દમ દેખાડવો પડશે
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ વન ડેની શ્રેણીમાંથી ત્રણ વન ડે રમાઈ ચૂકી છે. ભારત હાલ શ્રેણીમાં ૨-૧ની સરસાઈ ધરાવે છે. ચોથી વન ડે આવતી કાલે બુધવારે રાંચીમાં રમાવાની છે. અત્યાર સુધી રમાયેલી ત્રણેય વન ડેમાં ભારતીય ઓપનર્સ સદંતર નિષ્ફળ રહ્યા છે. રોહિત અને રહાણે ટીમને સારી શરૂઆત અપાવી શકતા નથી. ભારતના મુખ્ય ઓપનર શિખર ધવન અને કે. એલ. રાહુલ ઈજાગ્રસ્ત હોવાથી હાલ રોહિત-રહાણે ઓપનરની ભૂમિકા નિભાવી રહ્યા છે, પરંતુ તેઓ ટીમને મજબૂત શરૂઆત અપાવવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. તેઓએ સમજવું રહ્યું કે ટીમ ઇન્ડિયામાં તેમને ખુદને સાબિત કરવાનો સારો મોકો મળ્યો છે, જે ભવિષ્યમાં કદાચ ના પણ મળે. ઓપનરોએ જો ટીમમાં પોતાનું સ્થાન ટકાવી રાખવું હશે તો દમ તો દેખાડવો જ પડશે.

મિડલ ઓર્ડરનું પણ કંગાળ ફોર્મ
ભારતના મિડલ ઓર્ડર બેટ્સમેન પણ કંગાળ ફોર્મમાંથી પસાર થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું. એક જમાનામાં સચીન મિડલ ઓર્ડરમાં આવતો હતો, જોકે પાછળથી તેણે ઓપનિંગ કરવાનું શરૂ કર્યું હતું. હાલ મનીષ પાંડે અને કેદાર જાધવ આ ભારતીય ટીમમાં આ ભૂમિકા ભજવી રહ્યા છે. અનુભવની ઊણપને કારણે તેઓ મોટી ઇનિંગ્સ રમી શક્યા નથી, જોકે કેદાર જાધવે બોલિંગમાં પોતાની ઉપયોગિતા સાબિત કરી છે ખરી, પરંતુ બેટિંગમાં કેદાર કે મનીષ પાંડે બહુ રન બનાવી શક્યા નથી.

ગત રવિવારે રમાયેલી મોહાલીની મેચ પહેલાં કેપ્ટન ધોની પણ કંગાળ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ મોહાલીમાં તેણે જબરદસ્ત ૮૦ રનની ઇનિંગ્સ રમી. ધોનીની ગણના શ્રેષ્ઠ ફિનિશર તરીકે થાય છે. તેની આક્રમકતા, દબાણમાં ઊંચા શોટ રમવાની ક્ષમતા તેને દુનિયામાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સ્થાન અપાવે છે. દુનિયાની દરેક ટીમ ધોની કંગાળ ફોર્મમાં રમતો હોવા છતાં ડરે છે. જોકે મોહાલીમાં ધોની જબરદસ્ત રમ્યો હતો. ટીમ ઇન્ડિયાના ઓપનર્સ અને મિડલ ઓર્ડર બેટ્સમેનનું પ્રદર્શન કંગાળ રહેવાને કારણે આખી ટીમનો બોજ વિરાટ કોહલીના ખભા પર ઉપર આવી જાય છે. જોકે વિરાટ એ બોજ ઉઠાવવામાં જરાય પાછળ પડતો નથી. મોહાલી ખાતેની વિરાટની આક્રમક ઇનિંગ્સ જોઈને આજેય કોઈ પણ ટીમનો કેપ્ટન મનમાં તો બોલતો જ હશે કે, ”ધોની સે નહીં, અબ કોહલી સે ડર લગતા હૈ…”

You might also like