ધોનીને જાણવાનો મોકો મળ્યોઃ સુશાંત

સુશાંતસિંહ રાજપૂત આગામી ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું પાત્ર ભજવ્યું છે. તે કહે છે કે ધોનીના પાત્રને રીલ લાઇફમાં ભજવીને હું ખૂબ ખુશ છું. મારા માટે આ ગર્વની બાબત છે. રીલ લાઇફમાં હું માહી બનીને તેના પ્રશંસકોનો પ્રેમ મેળવીને ખુશ છું. ધોનીના પાત્રને ભજવવામાં અમારી સામે ઘણા બધા પડકાર હતા, કેમ કે અમે એક એવી વ્યક્તિ અંગે લોકોને જણાવવા જઇ રહ્યા છીએ, જેના વિશે લોકો ઘણું બધું જાણે છે. મેં ધોનીની નાની નાની વાતોને બારીકાઇથી જોઇ અને તેને આત્મસાત્ કરી. પછી તે ચાલવાની સ્ટાઇલ હોય કે પછી બોલવાની કે ઊઠવા-બેસવાની. મેં દરેક વસ્તુ પર ગંભીરતા સાથે કામ કર્યું. આશા છે કે લોકોને મારી મહેનત ગમશે.

સુશાંતસિંહને પહેલાં ક્રિકેટની રમત ખૂબ જ પસંદ હતી. તે કહે છે કે હું એક્ટર ન બન્યો હોત તો ક્રિકેટર બની ગયો હોત. નાનો હતો ત્યારે હું સ્ટેટ લેવલની ટીમમાં ક્રિકેટ રમતો હતો. તે કહે છે કે ધોનીની લવ લાઇફને પણ પડદા પર ભજવતાં કોઇ સમસ્યા થઇ નથી. મને આ બહાને ધોનીની પ્રેમિકા અને તેની લવ લાઇફ વિશે જાણવાનો મોકો મળ્યો. ધોનીએ મને તેની લવ લાઇફ વિશે એવી વાતો જણાવી, જે તેના પ્રશંસકોને પણ ખબર ન હતી. સુશાંત કહે છે કે ધોનીને મળીને લાગ્યું કે તે ખરેખર એક સાધારણ વ્યક્તિ છે. તે ખૂબ જ ખુશમિજાજ વ્યક્તિ છે અને પોતાની ધૂનમાં વ્યસ્ત રહે છે. તેને કોઇનાથી કોઇ મતલબ નથી. તે જેટલો ગંભીર દેખાય છે તેટલો ખુશમિજાજ પણ છે. •

You might also like