રિષભની વન ડે ટીમમાં એન્ટ્રી થતાં જ ધોની ડોમેસ્ટિક ક્રિકેટના મેદાનમાં ઊતરશે

નવી દિલ્હીઃ વિન્ડીઝ સામેની વન ડે શ્રેણી પહેલાં એક મોટા ન્યૂઝ મળી રહ્યા છે. વિકેટકીપર એમ. એસ. ધોની વિજય હઝારે ટ્રોફીની મેચ રમવા માટે મેદાનમાં ઊરવાનો છે. ધોની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઝારખંડ તરફથી મેદાનમાં ઊતરી શકે છે. વિજય હઝારે ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ આવતી કાલ ૧૪ ઓક્ટોબરે અને સેમિફાઈનલ ૧૭ ઓક્ટોબરે રમાવાની છે.

અહેવાલ અનુસાર ધોનીએ આ નિર્ણય ખરાબ ફોર્મમાંથી બહાર આવવા માટે કર્યો છે. ઓછી મેચોના કારણે ધોનીનું પ્રદર્શન સતત કથળી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ધોનીએ ૨૧ મેચમાં એક પણ સદી ફટકારી નથી. ૫૦થી વધારે એવરેજ ધરાવનાર ધોની હાલ ૩૦.૪૧ની એવરેજથી જ રન બનાવી રહ્યો છે.

આ જ કારણે ધોની હવે ઘરેલું ક્રિકેટમાં પણ રમતો જોવા મળી શકે છે. વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ બે વન-ડે માટે જાહેર થયેલી ભારતીય ટીમમાં રિષભ પંતને સ્થાન આપવામાં આવ્યું છે. તેને ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. હાલમાં પંતે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે.

You might also like