ધોનીએ આફ્રિકામાં ભારતીય ટીમના કંગાળ પ્રદર્શનનો કર્યો બચાવ

ચેન્નઈઃ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમના કંગાળ પ્રદર્શનનો બચાવ કરતાં કહ્યું કે ટીમ માટે ઘણાં હકારાત્મક પાસાં છે, જેમાં બોલર્સનું શાનદાર પ્રદર્શન મુખ્ય છે. વિરાટના નેતૃત્વમાં વિશ્વ રેન્કિંગમાં પહેલા સ્થાને બિરાજતી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ૦-૨થી પાછળ છે.

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ વન ડે ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખનારા ધોનીએ કહ્યું, ”હું કહીશ કે હકારાત્મક પાસાં જુઓ. ટેસ્ટ મેચ જીતવા માટે તમારે ૨૦ વિકેટ લેવાની હોય છે અને આપણા બોલરે ૨૦ વિકેટ લીધી છે. જો તમે ૨૦ વિકેટ ના ઝડપી શકો તો તમે ટેસ્ટ મેચ ડ્રો કરવાનું વિચારો. ટેસ્ટ મેચ ડ્રો કરવા માટે તમારે ઘણા રન બનાવવા પડશે અને વિપક્ષી ટીમને રન બનાવતાં રોકવી પડશે.”

ધોનીએ કહ્યું, ”તથ્ય એ છે કે ભારતીય બોલર્સ મેચમાં ૨૦ વિકેટ ઝડપી રહ્યા છે એ સાબિત કરે છે કે આપણે જીતથી બહુ દૂર નથી. તમે ભારતમાં રમો કે વિદેશમાં, જો તમે ૨૦ વિકેટ ના ઝડપી શકો તો તમે જીતી શકો નહીં. સૌથી મોટું સકારાત્મક પાસું એ છે કે આપણે ૨૦ વિકેટ લઈ રહ્યા છીએ. એનો અર્થ એ થયો કે આપણે હંમેશાં મેચ જીતવાની સ્થિતિમાં રહીશું. બસ, એક વાર રન બનાવવાના શરૂ થઈ જવા જોઈએ.”

તા. ૧ ફેબ્રુઆરીથી દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે વન ડે શ્રેણી શરૂ થઈ રહી છે. ધોની આ વન ડે ટીમનો સભ્ય છે. આ પ્રવાસમાં ટીમ ઇન્ડિયા છ વન રમવાની છે. એ ઉપરાંત ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી પણ રમવાની છે. આ બંને શ્રેણી દરમિયાન વિકેટકીપિંગની જવાબદારી ધોની પર રહેશે.

You might also like