દિગ્ગજોની છુટ્ટી કરી MS ધોનીએ વધુ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો

પુણેઃ ભારતીય ક્રિકેટ ટીમનાે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ હાલના દિવસોમાં દરેક મેચમાં કોઈ ને કોઈ રેકોર્ડ બનાવી રહ્યો છે. આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ સંભાળી રહેલા આ સ્ટાર ખેલાડીએ હવે ટી-૨૦ ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. કિંગ્સ ઈલેવન પંજાબ સામે ગઈ કાલે રમાયેલી દરમિયાન આર. અશ્વિનનો કેચ ઝડપીને તે ટી-૨૦ ક્રિકેટનો સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. આ વિકેટ પાછળ તેનો ૨૧૬મો શિકાર હતો.

ત્યાર બાદ ધોનીએ વધુ બે કેચ ઝડપ્યા. આ સાથે તેના કુલ ૨૧૮ શિકાર થઈ ગયા છે. ધોનીએ પાકિસ્તાનના કામરાન અકમલને પાછળ છોડી દીધો છે. તેણે ૨૧૫ શિકાર કર્યા હતા. ત્યાર બાદ નંબર આવે છે શ્રીલંકાના મહાન ક્રિકેટર કુમાર સંગાકારાનો, જેણે ૨૦૨ શિકાર કર્યા હતા.

પંજાબ સામેની મેચમાં ધોનીએ કુલ ત્રણ શિકાર કર્યા. પહેલા તેણે ગેલનો કેચ ઝડપ્યો. ત્યાર બાદ રવીન્દ્ર જાડેજાની બોલિંગમાં મનોજ તિવારીનો કેચ ઝડપ્યો. આઇપીએલ ૨૦૧૮માં તેણે અત્યાર સુધીમાં કુલ નવ કેચ અને બે સ્ટમ્પિંગ કર્યા છે, જ્યારે આઇપીએલના ૧૧ વર્ષમાં તેણે કુલ ૮૫ કેચ અને ૩૨ સ્ટમ્પિંગ કર્યા છે એટલે કે વિકેટ પાછળ તેણે કુલ ૧૧૭ શિકાર કર્યા છે. ધોનીએ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મુકાબલામાં ૪૯ કેચ અને ૨૯ સ્ટમ્પિંગ કર્યા છે.

આઇપીએલ ૨૦૧૮માં ધોનીની ટીમ પ્લે ઓફમાં સ્થાન મેળવી ચૂકી છે. ચેન્નઈ સુપર કિંગ્સ નવમી વાર પ્લે ઓફમાં પહોંચી છે, જે એક રેકોર્ડ છે. તે એકમાત્ર એવી ટીમ છે, જે જ્યારે પણ આઇપીએલમાં રમી છે ત્યારે તે પ્લે ઓફમાં પહોંચવામાં સફળ રહી છે. આ ટીમ કુલ છ વાર ફાઇનલમાં રમી છે અને બે વાર આઇપીએલનો ખિતાબ જીતી ચૂકી છે. આ સિઝનમાં સીએસકે બે વર્ષના પ્રતિબંધ બાદ પાછી ફરી હતી.

You might also like