ઈમરાનખાને PM મોદીને લખ્યો પત્ર : ફરીથી શાંતિ મંત્રણા શરૂ કરવાની અપીલ કરી

728_90

નવી દિલ્હી: પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાનખાને ફરીથી શાંતિ મંત્રણા શરૂ કરવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સૌથી અગત્યની વાત એ છે કે તેમણે યુનાઈટેડ નેશન્સ (યુએન)ની જનરલ એસેમ્બલીની મિટિંગ દરમિયાન ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી વચ્ચે બેઠક યોજવાનો પણ આગ્રહ કર્યો છે.

આ મહિનાના અંતમાં ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએનજીએ)ની મિટિંગ મળવાની છે. ઈમરાનખાનનો આ પત્ર પીએમ મોદીના એ સંદેશનો જવાબ છે, જેમાં તેમણે બંને દેશો વચ્ચે ‘સાર્થક, ફળદાયી અને રચનાત્મક’ સંબંધો-વાતચીતનો સંકેત આપ્યો હતો.

ઈમરાનખાને પણ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ જણાવ્યું હતું કે જો સંબંધો સુધારવાની દિશામાં ભારત એક કદમ આગળ વધશે તો પાકિસ્તાન બે કદમ આગળ વધશે.

છેલ્લાં થોડાં સપ્તાહથી એવી અટકળો ચાલી રહી છે કે યુએન જનરલ એસેમ્બલીમાં સુષમા સ્વરાજ અને કુરેશી વચ્ચે બેઠક યોજાશે કે નહીં. ઈમરાનખાનનો પત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચેના મજબૂત સંબંધ ફરીથી એક વખત શરૂ કરવા માટેનો પહેલો ઔપચારિક પ્રસ્તાવ પણ છે.

રાજનૈતિક સૂત્રોના જણાવ્યા અનુસાર ઈમરાનખાને તેમના પત્રમાં વ્યાપક દ્વિપક્ષીય મંત્રણા પ્રક્રિયા ફરીથી શરૂ કરવાનો આગ્રહ કર્યો છે, જે ડિસેમ્બર-ર૦૧પમાં શરૂ થઈ હતી. પઠાણકોટ એરબેઝ પર આતંકી હુમલો થયો ત્યારબાદ આ મંત્રણાની પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી હતી. પાકિસ્તાનના વડા પ્રધાને તેમના પત્રમાં કહ્યું છે કે ભારત અને પાકિસ્તાને આતંકવાદ અને કાશ્મીર સંબંધિત તમામ મોટા મુદ્દાઓ પર મંત્રણાના માધ્યમથી ફેરવિચાર કરવો જોઈએ.

ડિસેમ્બર-ર૦૧પમાં સુષમા સ્વરાજ હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ઈસ્લામાબાદ ગયાં હતાં. એ સમયે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો (એનએસએ)ના સ્તર પર પાકિસ્તાન સાથે છેલ્લો સંવાદ કે મંત્રણા થઈ હતી. એ સમયે જારી કરવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે બંને દેશોના વિદેશ સચિવ ઘણા મુદ્દા પર વ્યાપક ચર્ચા કરવા માટે બેઠકની સંભાવનાઓ અને શેડ્યૂલ તૈયાર કરવા પર કામ કરશે.

જે મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી તેમાં શાંતિ અને સુરક્ષા, સીબીએમ, જમ્મુ-કાશ્મીર, સિયાચીન, સરક્રિક, વુલર બેરાજ-તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ, આર્થિક અને વાણિજ્યિક સહયોગ, આતંકવાદ વિરોધી પગલાં, નાર્કોટિક્સ કંટ્રોલ, આદાન-પ્રદાન અને ધાર્મિક પર્યટન સહિતની વાતોનો સમાવેશ થાય છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સંકેત આપ્યો હતો કે પાકિસ્તાનની ધરતી પરથી સંચાલિત અને ભારતને નિશાન બનાવતાં આતંકી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવા માટે ફળદાયી વાતચીત કરવા પાકિસ્તાન અનુકૂળ માહોલ તૈયાર કરે.

ઈમરાનખાનને લખેલા પત્રમાં પીએમ મોદીએ તેમની સાથે અગાઉ ફોન પર થયેલી વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો. ફોન પર બંને નેતાઓની વચ્ચે ઉપમહાદ્વીપને હિંસા અને આતંકથી મુક્ત કરાવવા અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ લાવવા માટે વાતચીત થઈ હતી.

You might also like
728_90