એમપી ટ્રેન બ્લાસ્ટઃ દેશમાં આઇએસનો પ્રથમ હુમલો

લખનૌ: હવે દેશમાં ખોફનાક આતંકી સંગઠન આઇએસઆઇએસનો ખતરો વધી ગયો છે. લખનૌના કાકોરીમાં થયેલી અથડામણથી હવે સ્પષ્ટ થઇ ગયું છે કે આઇએસએ ભારતમાં પગપેસારો કરીને હુમલા શરૂ કરી દીધા છે. લખનૌમાં આઇએસના આતંકી સામે ચાલેલી ૧૧ કલાક સુધીની અથડામણ બાદ એટીએસનું ઓપરેશન સંપન્ન થઇ ગયું છે અને યુપી એટીએસએ આઇએસના આતંકી સૈફુલ્લાને ઠાર માર્યો છે. દરમિયાન ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં બ્લાસ્ટ દ્વારા આઇએસના મોડયુલેે દેશમાં આ પ્રથમ આતંકી હુમલો કર્યો હતો જેમાં ઓછી તીવ્રતાવાળા બ્લાસ્ટમાં દસ લોકો ઘાયલ થયા હતા અને હુમલાનો માસ્ટર માઇન્ડ સૈફુલ્લા લખનૌની અથડામણમાં ઠાર મરાયો હતો.

આ ગેંગના તમામ આઠ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં તેમણે કેટલાક નામો જણાવ્યા હતા અને પુછપરછ પરથી જાહેર થયું હતું કે આ આરોપીઓ સિરિયા સ્થિત આઇએસ સાથે કનેકશન ધરાવે છે.
એડીજી કાયદો અને વ્યવસ્થા દલજીત ચૌધરીએ આ અહેવાલને સમર્થન આપ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ આતંકીને જીવતો પકડવા માટે તમામ પ્રયાસો કરાયા હતા. એટીએસના આઇજીએ જણાવ્યું હતું કે પહેલાં કેમેરાથી જોતાં એવું લાગી રહ્યું હતું કે ત્યાં બે આતંકવાદીઓ છુપાયેલા છે, પરંતુ અંદર એક જ આતંકી છુપાયો હતો.

પોલીસે આ એન્કાઉન્ટર બાદ હવે જે જગ્યાએ આતંકી છુપાયો હતો તે ઘરમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. યુપી એટીએસના જણાવ્યા અનુુસાર આતંકી સૈફુલ્લા આઇએસનો મોડયુલ હતો. લખનૌના ઠાકુરગંજ વિસ્તારના એક ઘરમાં આતંકી છુપાયાના અહેવાલથી ખળભળાટ મચી ગયો હતો. યુપી એટીએસ દ્વારા છેલ્લા ૧૧ કલાકથી આતંકી વિરુદ્ધ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રારંભિક અહેવાલો અનુસાર એક આતંકી લખનૌના ઠાકુરગંજમાં હાજી કોલોનીના એક ઘરમાં છુપાયો છે. આ આતંકીના તાર ભોપાલ-ઉજ્જૈન ટ્રેનમાં થયેલા બ્લાસ્ટ સાથે જોડાયેલા હોવાનો શક છે.

પોલીસ આતંકીને જીવતો પકડવા માગતી હતી અને બંને બાજુથી ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે આતંકીને સરેન્ડર થવા જણાવાયું ત્યારે તેણે ઇન્કાર કરી દીધો હતો, પરંતુ એટીએસ તેને જીવતો પકડવા માગતી હતી. તેથી તેને બેભાન કરીને પકડવા માટે તે જે રૂમમાં છુપાયો હતો ત્યાં અશ્રુવાયુના શેલ છોડવામાં આવ્યા હતા. આ માટે ચીલી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને વચ્ચે અટકી અટકીને ફાયરિંગ કરવામાં આવતું હતું તેની પાસે શસ્ત્રોનો મોટો જથ્થો હતો, પરંતુ તેને જીવતો પકડવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. એટીએસ દ્વારા ફાયરિંગના ૯૦ રાઉન્ડ છોડવામાં આવ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like