મધ્યપ્રદેશમાં વીજળી પડતાં ૨૪નાં મોતઃ મુંબઈ અને દિલ્હીમાં વરસાદ

ગ્વાલિયર: દેશનાં વિવિધ રાજ્યમાં હવે ધીમે ધીમે ચોમાસું સક્રિય બની રહ્યું છે ત્યારે મુંબઈ, દિલ્હી અને મધ્યપ્રદેશ સહિત દેશનાં અન્ય રાજ્યમાં વરસાદ થયાના અહેવાલ છે, જેમાં મધ્યપ્રદેશમાં વીજળી પડતાં વિવિધ વિસ્તારમાં ૨૪ લોકોનાં મોત થયાં છે, જ્યારે પાંચથી વધુ લોકો દાઝી ગયા છે. આ ઉપરાંત યુપી અને રાજ્સ્થાનમાં પણ વરસાદથી કુલ ૨૮ લોકોનાં મોત થયાં છે, જેમાં રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મુંબઈમાં સતત વરસાદથી ટ્રેન સેવા પર અસર પડી છે, કેટલીક લોકલ ટ્રેન મોડી ચાલી રહી છે.

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ સાથે વીજળી પડતાં વિવિધ વિસ્તારમાં કુલ ૨૪ લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય પાંચ લોકો દાઝી ગયા છે, જેમાં ગ્વાલિયરમાં વીજળી પડતાં ૧૧ લોકોનાં મોત થયાં છે, જ્યારે મહાકોશલ-વિંધ્ય અને ડિંડોરીમાં વીજળી પડતાં એકસાથે પાંચ લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત સતનામાં ત્રણ, કટની અને દમોહમાં બે-બે અને સિવનીમાં એક વ્યકિતનું મોત થયું છે. સિવનીના ગોટેગાંવ નરસિંહપુરના રહીશ બડ્ડુ ઉર્ફે હરિકૃષ્ણ તેના પિતા પ્રેમનારાયણ મિશ્રા બજારમાં જઈ રહ્યા હતા ત્યારે એકાએક ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં તેમના પર વીજળી પડતાં તેમના મોત થયાં હતાં, જ્યારે બીજી તરફ સતના જિલ્લાના અલગ અલગ ચાર સ્થળે વીજળી પડતાં બે બાળક સહિત ત્રણ લોકોનાં મોત થયાં હતાં. આ ઉપરાંત મધ્ય પ્રદેશના ત્રિકમગઢમાં વીજળી પડતાં સાત લોકોનાં મોત થયાં છે. જ્યારે શ્યોરપુર, છતરપુર, પન્ના અને ભીંડમાં પણ વીજળી પડતાં એક-એક વ્યકિતનાં મોત થયાં છે.

દરમિયાન મુંબઈમાં ગઈ કાલ રાતથી સતત વરસાદ થતાં તેના કારણે રેલવે સેવા પર તેની અસર જોવા મળી રહી છે. સતત વરસાદથી અંધેરી, ગોરેગાંવ, કુર્લા, ઘાટકોપર, કલ્યાણ અને ડોંબિવલીમાં પાણી ભરાઈ જતાં આ વિસ્તારમાં લોકલ ટ્રેન ધીમી ગતિએ ચાલી રહી છે, જેમાં મોટા ભાગની ટ્રેનો ૧૫ થી ૩૦મિનિટ મોડી ચાલી રહી છે. ભારે વરસાદથી મુંબઈ-ગોવા હાઈવે પર અનેક જગ્યાએ ઝાડ પડી જતાં હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. મુંબઈમાં ભારે વરસાદ સાથે ગઈ કાલે બપોરના ૩ થી ૪ દરમિયાન ૪.૫ મીટરનો હાઈટાઈડ આવતાં દરિયામાં મોજાં ઊછળ્યાં હતાં. નાગપુરમાં પણ ગઈ કાલે મોસમનો પહેલો વરસાદ થયો હતો. સતત ચાર કલાક વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાઈ ગયાં હતાં.

રાજસ્થાન-પંજાબમાં વરસાદથી રાહત
દેશનાં વિવિધ રાજ્યમાં ચોમાસું સક્રિય બન્યું છે ત્યારે રાજસ્થાન, પંજાબ અને હરિયાણા સહિત અન્ય મેદાની વિસ્તારમાં પણ વરસાદ થતાં આ વિસ્તારના લોકોએ ગરમીથી રાહત અનુભવી છે. બપોર બાદ આ રાજ્યમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગની આગાહી છે કે આગામી ૪૮ કલાકમાં દિલ્હી, પંજાબ, યુપીના પૂર્વ વિસ્તાર, બિહાર, ઉત્તરાખંડ સહિત અન્ય વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે.

ઉત્તરાખંડમાં પણ વરસાદ ચાલુ
દરમિયાન ગઈ કાલે ઉત્તરાખંડના વિવિધ વિસ્તારમાં વરસાદ પડતાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં, જેના કારણે મેદાની વિસ્તારમાં જનજીવન ખોરવાઈ ગયું હતું. વરસાદથી ચારધામની યાત્રા પર અસર પડી છે. યાત્રાના માર્ગ વારંવાર બંધ થઈ જતાં અનેક યાત્રિકોને ભારે હાલાકી પડી રહી છે, જ્યારે બીજી તરફ રાજસ્થાનમાં સતત વરસાદથી આજે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિ‌િતનું નિર્માણ થતાં તંત્રને એલર્ટ કરાયું છે.
http://sambhaavnews.com/#myCarousel

You might also like