ખરાબ મોસમથી પાક બગડશે પણ ખેડૂતનું જીવન નહી: મોદી

સિહોર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી હતી કે ખરાબ હવામાનને લીધે પાકને નુક્સાન થશે તો પણ તે ખેડૂત પાક વીમા યોજના હેઠળ વળ તર મેળવવા માટે હક્કદાર બનશે. મોદીએ અત્રે કિસાન સંમેલનને સંબોધન કરતાં વધુમાં જણાવ્યું હતું કે પોતાની ખેત પેદાશોને દેશભરમાં કોઈ પણ સ્થળે સારા ભાવે વેચી શકે તેવી સુવિધા ખેડૂતોને  ઊપલબ્ધ કરાવવા માટે આગામી ૧૪મી એપ્રિલે ડો.આંબેડકર જયંતીએ એક ડિજિટલ એગ્રીકલ્ચર માર્કેટિંગ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે.

તે સાથે જ મોદીએ જણાવ્યું કે તેઓ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવા માટે પ્રતિબધ્ધ છે. મોદીએ તાજેતરમાં જ રજૂ થયેલી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની મુખ્ય બાબતો રજૂ કરી હતી.  તેમણે કહ્યું કે આ તેમની સરકારની અનેક પહેલોમાંની એક પહેલ છે.  તે અંતર્ગત સરકાર હવામાનની અનિશ્ચિતતાને લીધે સંકટમાં ફસાયેલા ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માગે છે. તેમણે કહ્યું કે ખરાબ હવામાનને લીધે પાકને નુક્સાન થશે તો પણ તે ખેડૂત પાક વીમા યોજના હેઠળ વળ તર મેળવવા માટે હક્કદાર બનશે.

મોદીએ ખેતીની પરંપરાગત પધ્ધતિ ઉપરાંત આધુનિક ટેકનોલાજી અને સાધનોના ઉપયોગ પર ભાર મૂક્યો હતો જેને લીધે કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન વધારી શકાય.તેને લીધે સ્થાનિક જરૂરિયાત પૂરી કરી શકાશે એટલું જ નહીં પરંતુ વિદેશની માંગને પણ પૂરી કરવામાં મદદરૂપ થઈ શકાશે. તેમણે પ્રધાનમંત્રી સિંચાઈ યોજના, ઓર્ગેનિક ખેતી ઉપરાંત યુરિયાનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવો, શેરડી પકવતા ખેડૂતો માટે એથેનોલ મિશ્રણ કાર્યક્રમ તથા કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટ અપ પહેલનો ઉલ્લેખ કર્યો હતો.

મોદીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે ખેડૂતોને ભારે મહેનત કરવા છતાં તેમની ઉપજનો યોગ્ય ભાવ મળતો નથી, કારણ કે તેમને તેમની કૃષિ ઉપજ આસપાસના બજારોમાં જ વેચવી પડે છે. તેમણે ઉમેર્યું કે સરકારે આ સમસ્યાને ડિજિટલ વ્યવસ્થા દ્વારા દૂર કરવાનો નિર્ણય લીધો છે.મોદીએ કહ્યું કે ડો.બાબાસાહેબ આંબેડકરની જયંતીએ રાષ્ટ્રીય કૃષિ બજાર, વર્ચુઅલ એન્ડ ડિજિટલ પ્લેટફોર્મનો આરંભ કરવામાં આવશે. ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કરાશે.

આ પ્લેટફોર્મ દ્વારા ખેડૂત પોતાના મોબાઈલ ફોનથી પોતાની ખેતપેદાશને જે સ્થળે તેને વધુ ભાવ મળે તેવા દેશના કોઈ પણ સ્થળે વેચી શકશે. મોદીએ એમ પણ કહ્યું હતું કે તમામ રાજ્યો ઉપરાંત કૃષિ સમાજે પણ દેશની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ એટલે કે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની પ્રતિબધ્ધતા લેવી જોઈએ અને તેને પૂરી કરવા માટે આપણે જરૂરી જે હોય તે બધું કરીશું.  કાર્યક્રમમાં મોદી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ સુષ્મા સ્વરાજ, રાધા મોહન સિંહ તથા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હાજર રહ્યા હતા.

You might also like