મ.પ્ર. સરકારે પત્રકારોની વેબસાઈટ્સને ૧૪ કરોડની જાહેરખબરોની લહાણી કરી

ભોપાલ: મધ્ય પ્રદેશ સરકારે ચાર વર્ષમાં ૨૩૪ જેટલી વેબસાઈટ્સને જાહેરાતના સ્વરૂપે ઓછામાં ઓછા રૂ. ૧૪ કરોડની લહાણી કરી છે. તેમાં ચોંકાવનારી વાત એ છે કે આમાની મોટાભાગની વેબસાઈટ મધ્ય પ્રદેશના પત્રકારો કે તેમનાં સગાં સંબંધીઓ દ્વારા સંચાલિત છે, એવું અંગ્રેજી અખબાર ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ના એક સંશોધનાત્મક હેવાલમાં પર્દાફાશ થયો છે.

કોંગ્રેસના ધારાસભ્ય બાલા બચ્ચન દ્વારા રાજ્ય વિધાનસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૨થી ૨૦૧૫ દરમિયાન જાહેરખબર મારફતે રૂ. ૧૦,૦૦૦થી રૂ. ૨૧.૭ લાખ સુધીની જંગી રકમ મેળવનારી વેબસાઈટની એક યાદી તૈયાર કરી છે.

૨૬ વેબસાઈટને રૂ. ૧૦ લાખ કે તેથી વધુ કિંમતની જાહેરખબરો પ્રાપ્ત થઈ છે જેમાંથી ૧૮ જેટલી વેબસાઈટ પત્રકારો કે તેમનાં સગાં સંબંધીઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આમાં ૮૧ વેબસાઈટ એવી છે કે જેને રૂ. ૫થી રૂ. ૧૦ લાખની જાહેરખબરો સરકાર દ્વારા મળી છે અને આમાંની મોટા ભાગની વેબસાઈટ પત્રકારોનાં સગાં સંબંધીઓ દ્વારા ચલાવવમાં આવે છે. આમાંની ૩૩ વેબસાઈટ ભોપાલમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જગ્યાઓ ઉપરથી ચલાવવામાં આવે છે.

આમાંની ઘણી વેબસાઈટ જેવી કે www.failaan.com (રૂ. ૧૮.૭૦ લાખ), www.deshbhakti.com (રૂ. ૮.૭૫ લાખ), www.rashtrawad.com (રૂ. ૮.૨૫ લાખ), www.citychowk.com (રૂ. ૧૧.૯૦ લાખ) અને www.prakalp.com (રૂ. ૧૦.૬૦ લાખ) વગેરે જુદાં જુદાં નામ હેઠળ લિસ્ટ થયેલી છે, પરંતુ ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા જ્યારે તેમની પ્રતિક્રિયા જાણવા માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે આ વેબસાઈટના કન્ટેન્ટ એક સરખાં જ હતાં.

www.failaan.comનું (પ્રભાકર અગ્નિહોત્રી) અને www.indiannews&view.com (રૂ. ૮.૭૫ લાખ- રાજેશ અગ્નિહોત્રી)ના સરનામાં એક સરખાં જ છે.પત્રકાર રાકેશ અગ્નિહોત્રી સ્થાનિક ન્યૂઝ ચેનલ સ્વરાજ એક્સપ્રેસ સાથે કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે પ્રભાકર અને રાજેશ મારા સંબંધીઓ છે. આ અંગે ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા કેટલાક પત્રકારોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે અંગ્રેજી દૈનિક ફ્રી પ્રેસના તંત્રી નીતેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે મારી પત્નીને વેબસાઈટ ચલાવવાનો સંપૂર્ણ અધિકાર છે તેમની પત્ની સુમન શર્મા www.burningnews.org વેબસાઈટ ચલાવે છે, જેને રૂ. ૨૦.૭૦ લાખની એડવર્ટાઈઝમેન્ટ મળી છે.

કેટલીક વેબસાઈટમાં ધુપ્પલ ચલાવવામાં આવે છે. જેમ કે વેબસાઈટ www.bharatseva.com ને પણ મધ્ય પ્રદેશ સરકારની જાહેરાત મળી છે. આ વેબસાઈટના પેજની તારીખ ૮ મે ૨૦૧૬ હોવા છતાં તેના આ પેજ પર વડા પ્રધાન તરીકે મનમોહનસિંહના નામના નામનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.

You might also like