મ.પ્ર.માં પ્રચંડ પૂરથી ભારે તારાજીઃ ૧૦૦થી વધુ મોત

ઇન્દોરઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને પૂરથી ખાનાખરાબી સર્જાઈ છે, જેમાં પૂરના કારણે ૧૦૦ કરતાં વધુ લોકોનાં મોત થયાં છે જ્યારે હજુ પણ સાત વ્યકિત લાપતા છે. બીજી તરફ બિહારમાં પણ ભારે વરસાદ અને પૂરથી ૧ર જિલ્લામાં ચારેકોર પાણી પાણી જોવા મળે છે અને મોટા ભાગના વિસ્તાર પાણીમાં ડૂબી ગયા છે. ગંગામાં ૪૦ વર્ષમાં સૌથી ભયાનક પૂર આવ્યું છે. મધ્યપ્રદેશમાં એક જૂનથી ર૧ ઓગસ્ટની મુદતમાં પ૧માંથી ૩૧ જિલ્લામાં સામાન્યથી વધુ અને ૧૯ જિલ્લામાં સામાન્ય તેમજ બે જિલ્લામાં ઓછો વરસાદ થયો છે.

દરમિયાન આ મુદતમાં પૂર અને અતિભારે વરસાદથી ૩,૭૯,પ૪ર લોકોને અસર થઈ છે જ્યારે ૧૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે. જબલપુર જિલ્લામાં સર્પદંશથી ૧૪ લોકોનાં મોત આ મોતમાં સામેલ છે જ્યારે ૧પ લોકોને ઈજા થઈ છે અને અન્ય સાત લોકો લાપતા છે. આ ઉપરાંત ર૬૩૮ મકાન સંપૂર્ણપણે ધ્વંસ થઈ ગયાં છે જ્યારે ૩૮,૬૪૧ મકાનને આંશિક રીતે અસર થઈ છે. પૂરના કારણે વિવિધ ક્ષેત્રમાં ૧૩પ રાહત કેમ્પની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ કેમ્પમાં ૧૯,૦૦૬ લોકો આશરો લઈ રહ્યા છે. ચાલુ સિઝનમાં સૌથી વધુ સતનામાં ૩૦ અને રીવામાં ર૭ કેમ્પ ચલાવાઈ રહ્યા છે. ભારે વરસાદથી ર૬ જિલ્લામાં ર૮૧ પશુહાનિ થઈ છે. પન્ના જિલ્લામાં બે ડેમ તૂટી ગયા છે અને છત્તરપુર જિલ્લામાં બે પુલને નુકસાન થયું છે. રાજ્યમાં પૂરથી ઊભી થયેલી સ્થિતિમાં રાહત અને બચાવકાર્ય માટે એનડીઆરએફની ૧૧૭ અને એસડીઆરએફની પ,૦૦૦ અને પોલીસની ૮૦૦ ટીમ કાર્યરત છે.

બિહારમાં ભારે પૂરથી સ્થિતિ વણસી
બિહારમાં પણ ભારે અને સતત વરસાદથી ગંગા અને સોન નદી ભયજનક સપાટીએ વહી રહી છે. પટણામાં ગંગા નદી ભયજનક સપાટીથી બે મીટર ઉપર વહી રહી છે જ્યારે બકસર, આરા, પટણા, સમ‌િસ્તપુર, બેગુસરાય, કટિહાર સહિત ૧ર જિલ્લા પાણીમાં ડૂબી ગયા છે.

મધ્યપ્રદેશમાં સેના બોલાવાઈ
મધ્યપ્રદેશમાં વિંધ્ય અને બુદેલખંડમાં વરસાદે ભારે હાહાકાર મચાવ્યા બાદ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રતલામના સૈલાનામાં એક જ દિવસમાં મહિનાભરનો વરસાદ થઈ ગયો છે. ર૪ કલાકમાં ૩૦ સેમી વરસાદ થયો છે જ્યારે રતલામમાં ર૦ સેમી, ઉજજૈન અને ગૌતમપુરામાં ૧૭, જાવરા અને નીમચમાં ૧૬ સેમી વરસાદ થયો છે.

મંગળવારથી જબલપુર, શહડોલ અને છીંદવાડા તરફ ફરી ભારે વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગના ડો. અનુપમ કાશ્યપીએ જણાવ્યું કે બાંગ્લાદેશ નજીક સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ છત્તીસગઢ થઈને ફરીથી વરસાદ લાવી શકે તેમ છે. ગત રવિવારે થયેલા ભારે વરસાદના કારણે અનેક મકાન જમીનદોસ્ત થઈ ગયાં છે અને ૧૦થી વધુ લોકોનાં મોત થયાં છે. ત્રણ દિવસથી થતા વરસાદના કારણે રીવા જિલ્લો ટાપુમાં ફેરવાઈ ગયો છે અને આ જિલ્લાના અનેક વિસ્તાર પાણીમાં ડૂબી ગયા છે અને રેસ્ક્યૂ માટે સેનાને બોલાવવામાં આવી છે, જેમાં સેનાના ૬૦ જવાન અને બે હેલિકોપ્ટર સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યા છે, જોકે છત્તરપુર, પન્ના, દમોહ, ઈટારસી, બેતુલ, હોશંગાબાદ, રાયસેન અને ટીકમગઢ જિલ્લામાં ભારે વરસાદથી અનેક લોકો ફસાઈ ગયા છે.

રાજસ્થાનમાં બસમાં પ૦ મુસાફર ફસાયા
રાજસ્થાનમાં ૧૪ દિવસ બાદ ચિત્તોડગઢમાં રવિવારે ફરી ભારે વરસાદ થતાં પૂરની સ્થિ‌તિના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયાં છે. દરમિયાન રાજસ્થાનના લસાડિયા-ઉદયપુર રોડ પર એક ખાનગી બસ પુલ પસાર કરતી વખતે ગોમતી નદીના પાણીમાં ફસાઈ જતાં બસમાં બેઠેલા પ૦ મુસાફર પાણીમાં ફસાઈ ગયા હતા, જોકે બાદમાં આ તમામ મુસાફર અને ડ્રાઈવર કંડકટરને ભારે જહેમતથી બહાર કાઢવામાં આવ્યા હતા.

You might also like