બિહારમાં મોદીના વાણી વિલાસથી ભાજપનો રકાસ થયોઃ ભોલાસિંહ

પટણા: બિહાર ચૂંટણીમાં ભાજપના પરાજય બાદ પક્ષની અંદરથી સતત વિરોધના સૂર ઉઠી રહ્યા છે. પક્ષના સાંસદ ભોલાસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા પક્ષના ટોચના નેતૃત્વ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે આ ભાજપનો પરાજય નહીં પરંતુ આપઘાત છે. આ અગાઉ શત્રુઘ્ન સિંહા અને આર કે સિંહ પણ પક્ષ વિરુધ્ધ બોલી ચૂક્યા છે.

ભોલાસિંહે કહ્યું હતું કે વડાપ્રધાનથી માંડીને રાજ્યના તમામ નેતાઓએ હંમેશા બેફામ ભાષાનો ઉપયોગ કર્યો હતો. વડાપ્રધાનનું ટોચકાવાળું નિવેદન ખોટું હતું. તેઓ લાલુપ્રસાદની ગુગલીમાં ભરાઈ ગયા. જો તેમણે તે અંગે ધ્યાન ન આપ્યું હોત તો સારું થાત. મોદીએ તેમની અવગણના કરવાની જરૃર હતી. તેઓ કોઈની પુત્રી વિશે બોલતા હતા, કોઈના પુત્ર વિશે બોલતા હતા. તેમણે પ્રશ્ર કર્યો હતો, ‘વડાપ્રધાનનું આ સ્તર છે ?’ સામાન્ય નેતા આવું બોલી શકે, વડાપ્રધાન બોલી શકે નહીં.તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન પોતાના હોદ્દાને છાજે તેમ બોલ્યા નહોતા.

પક્ષના દેખાવથી નારાજ બેગુસરાયના ભાજપના સાંસદ ભોલાસિંહે કહ્યુંકે નીતીશકુમારે સમગ્ર ચૂંટણી દરમ્યાન પોતાની મર્યાદા ઓળંગી નહોતી જ્યારે પીએમથી માંડીને તમામ નેતાઓએ મર્યાદા તોડી હતી. રોજગારને બદલે ગાય અને પાકિસ્તાનને ચૂંટણી મુદ્દો બનાવવાામાં આવ્યો. તેને લીધે પક્ષનો કારમો પરાજય થયો. તેમણે ઉમેર્યું કે ભાજપ સતત શબ્દોથી હુમલો કરતો રહ્યો પરંતુ નીતીશકુમારે શાત થઈને તેનો જવાબ આપ્યો જેનો ફાયદો મહાગઠબંધનને થયો અને ભવ્ય વિજય મેળવ્યો. તેમણે કહ્યું હતું કે બિહારમાં પરાજય માટે કેપ્ટન જ જવાબદાર છે. કેપ્ટન હેલિકોપ્ટરમાં ફરતા હતા પરંતુ બિહારના નેતાઓનું કોઈએ ધ્યાન રાખ્યું નહોતું.

You might also like