Movie Review: સની દેઓલની મુખ્ય ભૂમિકામાં ચમકાવતી વ્યંગાત્મક કોમેડી ફિલ્મ ‘મોહલ્લા અસ્સી’

૯૦ના દાયકામાં ‘ચાણક્ય’ જેવી યાદગાર અને સફળ ટીવી સિરિયલ આપનારા લેખક-દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદી સની દેઓલને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી વ્યંગાત્મક કોમેડી ફિલ્મ ‘મોહલ્લા અસ્સી’ લઈને આવ્યા છે. ફિલ્મના શીર્ષકનો અર્થ ‘અમારા ઘાટનો પાડોશ’ એવો થાય છે.

લાંબા વિલંબ બાદ આખરે આ વિવાદાસ્પદ ફિલ્મની રિલીઝનો માર્ગ મોકળો થયો છે. આ ફિલ્મ કાશીનાથસિંહના લોકપ્રિય હિન્દી ઉપન્યાસ ‘કાશી કા અસ્સી’, તીર્થયાત્રા શહેરના વ્યવસાયીકરણ પર એક વ્યંગ અને વિદેશી પર્યટકોને લલચાવતા નકલી ધર્મગુરુઓ પર આધારિત છે.

અસ્સી ઘાટ ગંગા નદીના તટ પર વારાણસી (બનારસ)માં આવેલો છે અને આ ફિલ્મની કહાણી પણ બનારસના દક્ષિણ છેડા પરના ઘાટ દ્વારા પ્રસિદ્ધ અને ઐતિહાસિક મોહલ્લા (વિસ્તાર)માં આકાર લે છે.

ધર્મનાથ પાંડે (સની દેઓલ) સંસ્કૃતના અધ્યાપક અને રૂઢિવાદી પંડિત છે. સવારે તે ઘાટ પર બેસીને તીર્થયાત્રીનાં કામ કરે છે અને બપોરે સંસ્કૃત ભણાવે છે. તેઓ ધર્મ રક્ષા પરિષદના અધ્યક્ષ પણ છે.

ધર્મનાથ તેના સિદ્ધાંતને વળગી રહેનારો માણસ છે. ગ્લોબલાઈઝેશનની અસર બનારસ અને અસ્સી પર પણ જોવા મળે છે. ઘણા વિદેશી લોકો અસ્સીમાં રહેવાનું ઠેકાણું શોધે છે, પરંતુ મોહલ્લા અસ્સીમાં કોઈ પણ વિદેશી પેઈંગ ગેસ્ટ બની શકતા નથી.

ધર્મનાથ વિદેશી લોકો અહીં રહે તેની વિરુદ્ધમાં છે. તેનું માનવું છે કે બ્રાહ્મણોના ઘરે વિદેશી લોકોનું શું કામ હોય. બીજા પંડા પૈસાની લાલચમાં વિદેશીઓને રહેવાની જગ્યા આપવા ઈચ્છે છે, પરંતુ ધર્મનાથ સામે કોઈ અવાજ ઉઠાવી શકતું નથી. આખરે એવો સમય આવે છે જ્યારે ધર્મનાથે તેના સિદ્ધાંત સાથે સમાધાન કરવું પડે છે.

તેની સંસ્કૃત શિક્ષકની નોકરી હાથમાંથી જાય છે અને પરિવારના ગુજરાન માટે નાછૂટકે તેણે પોતાના ઘરમાં વિદેશી પેઈંગ ગેસ્ટને રાખવાની મંજૂરી આપવી પડે છે. મોહલ્લામાં કન્ની ગુરુ (રવિ કિશન) પણ રહે છે, જેની જિંદગીમાં કોઈ નિયમ કે સિદ્ધાંત નથી.

ફિલ્મમાં ૧૯૮૯-૯૦માં રામજન્મભૂમિ આંદોલન અને મંડલ આયોગ સહિતની ઘટનાઓ પણ વણી લેવામાં આવી છે. ૩૦ જૂન, ર૦૧પના રોજ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ‘મોહલ્લા અસ્સી’ ફિલ્મની રિલીઝ દિલ્હીની કોર્ટ દ્વારા રોકવામાં આવી હતી.

આ ફિલ્મ ઓગસ્ટ-ર૦૧પમાં ઓનલાઈન લીક થઈ જતાં વિવાદ પણ થયો હતો. ફિલ્મના મુખ્ય પાત્ર દ્વારા અભદ્ર શબ્દોનો ઉપયોગ છૂટથી કરવામાં આવ્યો છે અને ઘણાં વાંધાજનક દૃશ્ય પણ હોવાથી કેટલાંક સંગઠન દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. •

You might also like