આંદોલનમાં થતાં નુકસાન માટે જવાબદારી નક્કી થવી જ જોઈએ

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કોઇ પણ આંદોલન દરમિયાન જાહેર અને ખાનગી મિલકતોને નુકસાનનો મામલો ખરેખર ગંભીર છે. સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું છે કે આંદોલનકારીઓ દેશને બાનમાં લઇ શકે નહીં અને અદાલત આવા નુકસાનની જવાબદારી નક્કી કરવા માટે ટૂંક સમયમાં ગાઇડ લાઇન જારી કરશે. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી ગુજરાતના પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની અરજી પરની સુનાવણી દરમિયાન કરી છે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી આજકાલ છાશવારે થતા આંદોલનમાં જે હિંસા અને માલ-મિલકતને નુકસાન પહોંચે છે તેના સંદર્ભમાં ઘણી મહત્ત્વની છે.
સાથે સાથે તાજેેતરમાં આંદોલનમાં જાટ આંદોલન દરમિયાન હરિયાણામાં થયેલ રૂ.પ૦,૦૦૦ કરોડના જંગી નુકસાનના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી ખરેખર પ્રાસંગિક છે. જાટ આંદોલનની આગ હજુ સંપૂર્ણપણે બુઝાઇ નથી. જાટ આંદોલન સામે સરકારે કુણું વલણ અપનાવ્યું છે જે યોગ્ય નથી. કાયદો અને વ્યવસ્થાનું પાલન કરીને લોકોના જાનમાલનું રક્ષણ કરવું તે સરકારની ફરજ છે અને સરકાર પાસે હંમેશાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બંધારણ અને કાયદાના દિશાનિર્દેશો પ્રમાણે કામ કરશે, પરંતુ અત્યાર સુધીના દરેક આંદોલનમાં જોવા મળ્યું છે તેમ સરકારની કાર્યવાહી પાછળ રાજકીય નફા-નુકસાનનું ગણિત હોય છે. જે મામલો ખરેખર વખોડવા યોગ્ય છે.
જો આંદોલન કરનાર સમુદાય રાજકીય રીતે શકિતશાળી અને મહત્ત્વપૂર્ણ ન હોય અને વર્તમાન સરકારને અનુકૂળ ન હોય તો ઘણી વાર સરકાર શાંતિપૂર્ણ આંદોલનને પણ સખતાઇથી કચડી નાખે છે. જો આંદોલનકારી સમુદાય શકિતશાળી હોય અને રાજકીય રીતે વગદાર હોય તો ભલે આંદોલનકારીઓ ગમે તેટલી હિંસા કરે તેમજ જાહેર કે ખાનગી માલ મિલકતને નુકસાન પહોંચાડે તો પણ સરકાર તેમની સામે સખ્તાઇથી વર્તતી નથી અથવા તો મજબૂરીમાં મર્યાદિત બળપ્રયોગ કરે છે.
જાટ સમુદાયનું તાજેતરનું આંદોલન આવું જ હિંસક હતું અને તેમાં ભારે નુકસાન થવા છતાં સરકારે જરૂરી સખ્તાઇ દાખવી નથી. આમ આંદોલનને રાજકીય રીતે મુલવવાની સરકારની નીતિ કોઇ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. આ અગાઉ રાજસ્થાનમાં પણ ગુર્જરોનું આંદોલન પણ ખૂબ જ હિંસક રહ્યું હતું અને આ આંદોલનમાં પણ જાન માલને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. વર્ષ ર૦૦૮ના ગુર્જર આંદોલન દરમિયાન પણ અદાલતે આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાજસ્થાન હાઇકોર્ટે રાજસ્થાન સરકારને આ આંદોલન સાથે સખ્તાઇથી કામ લેવા આદેશ કર્યો હતો. અદાલતનો આવો આદેશ હોવા છતાં વિધ્વંસક આંદોલન ચલાવનાર ગુર્જર નેતાઓ સામે સરકારે ભાગ્યે જ કોઇ કાર્યવાહી કરી હતી.
એ જ રીતે વર્ષ ર૦૧૧માં જાટ-ખાપના આંદોલનમાં પણ જાનમાલને થયેલા નુકસાનને લઇને હરિયાણા સરકારને સુપ્રીમ કોર્ટે આ આંદોલન માટે જવાબદારી નકકી કરવા આદેશ આપ્યા હતા. પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારોમાં ગુરખા આંદોલનકારીઓને આંદોલન ચલાવવા સામે કોલકાતા હાઇકોર્ટે રોક લગાવી હતી. આમ અત્યાર સુધી થયેલા અનેક આંદોલનોમાં અદાલતી દરમિયાનગીરીનાં અનેક ઉદાહરણો જોવાં મળ્યાં હતાં, પરંતુ સંબંધિત સરકારો આ પ્રકારનાં આંદોલન વખતે અદાલતના આદેશોને પણ ઘોળીને પી જાય છે. હાલમાં છાશવારે આંદોલનો થઇ રહ્યા છે ત્યારે સુપ્રીમે જણાવ્યા મુજબ આંદોલનકારીઓ તેમજ સરકાર બંનેની જવાબદારી નક્કી થવી જોઇએ. ખેદજનક વાત એ છે કે પ્રજાની સુવિધા અને સંપત્તિની દરકાર નથી આંદોલનકારીઓને કે સરકારને.

You might also like