ગિરનાર ચઢવામાં હવે રાહત થશે!

જૂનાગઢ નજીક આવેલા ગઢ ગિરનારના લાંબા સમયથી ઘોંચમાં પડેલા રોપ-વે પ્રોજેક્ટને હાલમાં જ નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડની મંજૂરી મળી જતાં આ પ્રોજેક્ટ એક વાર ફરીથી ચર્ચામાં આવ્યો છે. આ મંજૂરીથી પ્રોજેક્ટ આડેની એક અડચણ ચોક્કસ દૂર થઈ છે, પરંતુ પર્યાવરણીય મંજૂરી મળવાની હજુ પણ બાકી જ છે. ગિરનાર ક્ષેત્રના વિકાસ માટે રોપ-વેની સુવિધા ઊભી કરવાની વાત આમ તો ચાર દાયકાથી ચર્ચાઈ રહી છે, પરંતુ કોઈ ને કોઈ અવરોધથી આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે.

ગુજરાતનો ત્રીજો પ્રોજેક્ટ બનશે
ગુજરાતમાં હાલ બે તીર્થધામ અંબાજી(ગબ્બર) અને પાવાગઢમાં યાત્રાળુઓની સુવિધા માટે રોપ-વેની સુવિધા છે. ગિરનારમાં ભવનાથ તળેટીથી ૧૦૩૧ મીટર (૩૩૮૩ ફૂટ)ની ઊંચાઈએ અંબાજી મંદિરના શિખર સુધી રોપ-વેની યોજના છે. આ યોજના સાકાર થશે તો તે રાજ્યનો ત્રીજો પ્રોજેક્ટ હશે. આ માટે વર્ષોથી પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાત પ્રવાસન વિભાગે ૧૯૮૩માં સૌ પ્રથમ આ માટે સરકારમાં દરખાસ્ત કરી હતી. જે અનુસંધાને લગભગ દસ વર્ષના વિલંબ બાદ જંગલખાતાની ૯.૯૧ હેકટર જમીન પ્રવાસન વિભાગને સોંપવા નિર્ણય લેવાયો હતો. આમ, આ પ્રોજેક્ટને પહેલેથી જ વિલંબનું ગ્રહણ લાગેલું છે. આ પ્રોજેક્ટ માટેની કાનૂની અને વહીવટી પ્રક્રિયા પણ જટિલ હોવાથી તેમાં વધુ સમય વેડફાઈ રહ્યો છે. આ પ્રોજેક્ટનો ખર્ચ રૃપિયા રપ૦ કરોડ સુધી પહોંચી ગયો છે.

ગિરનારનું શિખર સર કરવા ઇચ્છતા યાત્રાળુઓને સુવિધા મળી રહે તે માટે લગભગ ચાર દાયકા અગાઉ ઉદ્યોગપતિ અને દાનવીર સ્વ. નાનજી કાલીદાસ મહેતાએ ગિરનાર પર રોપ-વેની સુવિધા ઊભી કરવાનો વિચાર મૂક્યો હતો અને તે વખતે લગભગ ૧૮ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો, તે ખર્ચ આપવા સુધીની તૈયારી પણ તેમણે દર્શાવી હતી. ૧૯૬૮માં આ પ્રોજેક્ટ નક્કી કરાયો હતો, પરંતુ તે સમયે ટેકનિકલ કારણસર યોજના અમલી બની શકી ન હતી અને તંત્ર દ્વારા પણ આ યોજના અંગે ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો ન હતો. બાદમાં રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આ અંગે દરખાસ્ત કરવામાં આવી હતી.

પર્યાવરણવાદીઓએ કર્યો હતો વિરોધ
ગિરનાર પર આવેલાં જિનાલયોમાં જૈનો આસ્થા ધરાવતાં હોઈ મોટાભાગના જૈનો પગપાળા ચઢીને ત્યાં જાય છે. રોપ-વે શરૃ થવાથી પગપાળા ચઢીને જનારાઓની સંખ્યામાં મોટો ફેર પડી જશે તેવી વકીથી શરૃઆતમાં જૈનોએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. ઉપરાંત રોપ-વે પ્રોજેક્ટથી સૌથી વધુ નુકસાન લુપ્ત થઈ રહેલાં ગિરનારી-ગીધને થતું હોવાને કારણે પર્યાવરણવાદીઓએ પણ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો.

રોપ-વે સેવાથી ગિરનાર ક્ષેત્રના વિકાસ સાથે શિખર પરના અંબાજી મંદિર, દત્તાત્રેય મંદિર સાથે જિનાલયોમાં પણ દર્શનાર્થીઓની સંખ્યા વધવાની શક્યતાથી જૈન આગેવાનો પછીથી આ પ્રોજેક્ટ માટે સંમત થયા હતા. રોપ-વેનું ખરું કામ હજુ શરૃ થયું જ નથી. કામ શરૃ થયા પછી પણ રોપ-વે શરૃ થતાં બે-ત્રણ વર્ષ જેટલો સમય લાગશે એટલો આ પ્રોજેક્ટ ખરેખર પૂરો થશે ત્યારે કુલ ખર્ચનો આંકડો કેટલે પહોંચશે તે કહેવું મુશ્કેલ છે. વળી આ પ્રોજેક્ટ માટે પાંચ ઓક્ટોબર, ર૦૧પના રોજ નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડની મંજૂરીનો પત્ર છેક ડિસેમ્બરમાં જૂનાગઢ વનવિભાગને મળ્યો એટલે હાલના ડિજિટલ યુગમાં પણ સરકારી તંત્ર આ યોજનામાં કેવી રીતે આગળ વધી રહ્યું છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે! જોકે આ મંજૂરીથી હવે રોપ-વેનું કામ ઝડપથી શરૃ થાય તેવી શક્યતા પ્રબળ બની છે.

ર૦૦૭માં ખાતમુહૂર્ત થયું હતું
૧ મે, ર૦૦૭ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ રોપ-વે યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગને પણ નવ વર્ષ થવા આવ્યાં હોવા છતાં રોપ-વેની કામગીરી શરૃ થઈ શકી નથી. નરેન્દ્ર મોદી માટે ગિરનાર રોપ-વે એક ડ્રીમ પ્રોજેક્ટ છે અને કેન્દ્રમાં મોદી સરકાર હોવાથી આ કામગીરી હવે ઝડપી બનશે તેમ સાધુ સમાજ અને સ્થાનિક આગેવાનો માની રહ્યાં છે.

આ અંગે ભારતીઆશ્રમ ગિરનારના ભારતીબાપુ કહે છે, “નરેન્દ્ર મોદીએ ખાતમુહૂર્ત વખતે આ યોજના ઝડપથી પૂર્ણ થાય એવો રસ દાખવ્યો હતો. હાલ નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડની મંજૂરી મળી ગઈ છે એટલે હવે યોજના ઝડપથી પૂર્ણ થવાની આશા બંધાઈ છે. આ રોપ-વે પ્રોજેક્ટથી ગિરનાર ક્ષેત્રનો વિકાસ થશે. ધંધા-રોજગાર વધશે સાથે વધુમાં વધુ શ્રદ્ધાળુઓ પણ ગઢ ગિરનાર ચઢવાનો લાભ લઈ શકશે.”

યુપીએ સરકારે મંજૂરી આપી હતી, પરંતુ…
સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર મશરૃ કહે છે, “જૂનાગઢ-ગિરનારના વિકાસ માટે આ એક મહત્ત્વની યોજના છે. જેથી યુપીએ સરકાર હતી તે સમયે પર્યાવરણ પ્રધાન જયરામ રમેશ સમક્ષ એક લાખ લોકોની સહી સાથેનું આવેદનપત્ર આપ્યું હતું. યોજનાનું મહત્ત્વ સમજી જયરામ રમેશે જાતે જૂનાગઢ આવીને ગિરનાર ક્ષેત્રનું નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં આ પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી પણ આપી દીધી હતી. જોકે આ દરમિયાન ર૦૦૮માં ગિરનારને ફોરેસ્ટ રિઝર્વ (અભયારણ્ય) જાહેર કરી દેવાતાં આ પ્રોજેક્ટમાં ફરીથી જુદાંજુદાં વિભાગોની મંજૂરી લેવી પડે તેવી નોબત આવી પડી હતી.

સુપ્રીમે પર્યાવરણ મુદ્દે ટકોર કરી
આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને કોર્ટના નિર્દેશથી એમ્પાવર્ડ કમિટી બનાવવામાં આવી, જેમાં સમીક્ષા માટે વાઈલ્ડ લાઈફ અને પર્યાવરણના તજજ્ઞોનો સમાવેશ કરાયો. આ સમિતિએ રોપ-વેની ડિઝાઈન વખતે ગિરનારી ગીધોના વસવાટને ઓછામાં ઓછું નુકસાન થાય તે ધ્યાને લેવાની તાકીદ કરી હતી. આ માટે રોપ-વે માટે ઊભા થનારા દસ ટાવરમાંથી છેલ્લા બે ટાવરોની ઊંચાઈ વધુ રાખવાનું પણ નક્કી કરાયું છે. નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડની મંજૂરી મળતાં હવે પર્યાવરણ વિભાગની મંજૂરી પણ મળવાની આશા બંધાઈ છે.”

જૂનાગઢ મહાનગરપાલિકાના સિનિયર કોર્પોરેટર ગિરીશ કોટેચા કહે છે, “ગિરનાર રોપ-વે શરૃ થાય તો સ્થાનિક પ્રવાસનને વેગ મળશે. જૂનાગઢ એક ઐતિહાસિક શહેર છે, ઉપરાંત ગિરનારમાં ધાર્મિક જગ્યાઓ હોઈ રોપ-વેની શરૃઆતથી નવું આકર્ષણ ઉમેરાય અને પ્રવાસીઓની સંખ્યા વધશે. આ યોજના ઝડપથી શરૃ થાય તે માટે માત્ર જૂનાગઢના જ નહીં, સૌરાષ્ટ્રના રાજકીય આગેવાનોએ રસ લેવો જોઈએ.”

જોકે ગિરનાર ગઢ પર આવેલા અંબાજી મંદિર, દત્તાત્રેય મંદિર તથા જૈન મંદિર સુધી કપરું કષ્ટ વેઠીને પગથિયાં ચઢીને જવું પડે છે, જેના કારણે મોટાભાગના યાત્રાળુ ઉપર સુધી જવા ગઢ પરની મુલાકાત ટાળે છે. રાષ્ટ્રીય વાઈલ્ડ લાઈફ બોર્ડની મંજૂરી મળતાં હવે રોપ-વે પ્રોજેક્ટ માટે ફરીથી આશાનાં કિરણો દેખાયાં છે. ભવનાથ તળેટીથી અંબાજી મંંદિર સુધીની આ રોપ-વે સેવા ઝડપથી શરૃ થાય તો યાત્રિકોને તેનો મહત્તમ લાભ મળી શકે અને તેમની યાત્રા સફળ થઈ ગણાય.

દેવેન્દ્ર જાની

You might also like