દેલવાડાનાં દેરાં

દેલવાડાના વિશાળ આગણામાં જે છ જૈન મંદિરો છે તે આ પ્રમાણે છે. વિમલસિંહ, લુણવસિંહ, ઋષભદેવજી, પાર્શ્વનાથજી, મહાવીર સ્વામી અને કુન્થુનાથ સ્વામી, વિમલસિંહજીએ વિમલ શાહે બંધાવ્યું છે. વિમલસિંહનું નિર્માણ કાર્ય ઈ.સ ૧૦૩૧માં થયું હતું. દસ્તાવેજો પ્રમાણે િવમલ શાહે બંધાવેલા દેરાંઓમાં એ સમયે અઢાર કરોડ ત્રેપન લાખ રૂપિયા વપરાયા હતા. કાળક્રમે આરસપહાણ પીળો પડે, ભાગ તૂટે એવી શક્યતા રહેલી છે. ચૌદ વર્ષની અથાગ મહેનત પછી આ બેનમૂન મંદિર અસ્તિત્વમાં આવ્યું હતું. ૧૫૦૦ શિલ્પીઓ અને ૫૨૦૦ મજૂરોએ રાતદિવસ સતત આ મંદિરોના નિર્માણકાર્ય માટે કાર્ય કર્યું હતંુ. હાથીઓની પલટન મંદિરો માટેના પથ્થર અને આરસપહાણ તળેટીમાંથી ઉપર લઈને આવતી હતી. દેરાંઓ માટેની જમીન પર જે સુવર્ણ પાથરવામાં આવ્યું હતું. તેની કિંમત એ સમયના ભાવ પ્રમાણે ચાર કરોડ ત્રેપન જેટલી છે.
વિમલસિંહ મંદિરમાં આદિનાથ સ્વામીની પ્રતિમા છે. આ મંદિરને રંગમંચ અજોડ છે. બાર કલાક થાંભલા ઉપર નકશીકામથી સજાવેલો ઘુમ્મટ છે. આ રંગમંડપ ચારે તરફથી ખુલ્લો છે. અને દરેક બે થાંભલાને જોડતાં તોરણોની રચના અદ્ભુત છે. મંડપની વચ્ચોવચ જે આરસનું લટકતું ઝુમ્મર છે એના દર્શન કરીને કલાપ્રેમી તૃપ્તિ અનુભવી શકે છે. ઉપરાંત આ મંદિરમાં જે દેવદેવીઓની મૂર્તિઓ, કથાચિત્રોનાં શિલ્પો વગેરેની રચના કરવામાં આવી છે. તે અપ્રતીમ છે. આ મંદિરને ફરતે ૫૯ નાનાં મંદિરો છે. જેમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ બિરાજે છે. આ મંદિરની પરિક્રમા કરવા જે વરંડો છે એની છત પર અદ્ભૂત મૂર્તિકામ છે. આ શિલ્પોમાં હિન્દુ પુરાણોની અનેક કથાઓનાં ચિત્રો છે. એક ખૂણામાં અંબામાતાની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી છે. આ મંદિરમાં કુલ ૨૧૧ થાંભલા છે. જેમાંથી ૩૦ થાંભલા અલંકારિત રીતે શણગારાયેલા છે. મંદિરમાં વિમલ શાહની ઘોડા ઉપર બિરાજમાન પૂર્ણ કદની મૂર્તિ છે.
લુણવસિંહનું નિર્માણ ઈ.સ. ૧૨૦૩માં થયું હતું. આ મંિદરના નિર્માણમાં ૧૨ કરોડ ત્રેપન લાખ રૂપિયા ખર્ચાયા હતા. તેજપાલના પુત્રનું નામ લુણસિંહ હોવાથી આ મંદિરો લુણવસિંહના નામે ઓળખાય છે. આ મંદિરમાં બાવીસમા તીર્થંકર નેમિનાથજીની સુંદર પ્રતિમા બિરાજે છે. આ મંદિરનું નિર્માણ એ સમયના વિખ્યાત શિલ્પકાર શોભનદેવે સાત વર્ષમાં પૂર્ણ કર્યું હતું. શબ્દોમાં આ મંદિરોની શિલ્પકળાનું વર્ણન અશક્ય છે. શિલ્પકાર શોભનદેવે આરસના પથ્થરમાંથી કુલ કોતર્યાં હતાં. આરસના પથ્થરમાં એણે કવિતા બની છે. શોભનદેવ સૌંદર્યનો આરાધક હતો.
લુણવસિંહમાં દેરાણીજેઠાણીના ગોખલાના નામે પ્રસિદ્ધ રચનાઓ છે ફક્ત આ બે ગોખલાના નિર્માણમાં જ અઢાર લાખ રૂપિયા ખર્ચાયા હતા. શિલ્પી શોભનદેવ અને આ મંદિર સાથે સંકળાયેલી લોકકથા માણવા જેવી છે. કહે છે કે મંદિરના નિર્માણનું કાર્ય શોભનદેવને સોંપી વસ્તુપાળ અને તેજપાળ તીર્થોની યાત્રા કરવા ઉપડી ગયા હતા. વસ્તુપાળ અને તેજપાળની પત્નીઓ સગી બહનો હતી. આ બહેનોની કેટલાક વિઘ્નસંતોષીઓએ કાન ભંભેરણી કરી. તમે ધ્યાન નહીં આપો તો આ તમારો શિલ્પી આરસના બદલે મીણ વાપરશે અને શેઠના પૈસા પાણીમાં જશે.
બંને બહેનો દેરાણી જેઠાણીના દેરાનું કામ જોવાના બહાને આરસમાં નખ ભરાવી ચકાસણી કરવા લાગી આરસમાં કામગીરી પણ એવી હતી કે મીણ કોતર્યું હોય એમ જ લાગે. હોશિયાર શોભનદેવ બંને બહેનોના વિચાર પામી ગયો હતો એણે વિચાર્યું કે આ બંને બહેનોને અન્ય કોઈ સમસ્યા રોકી રાખવામાં નહીં આવે તો તેઓ મંદિરના નિર્માણકાર્યમાં સતત દખલ કર્યા કરશે.
વસ્તુપાળ અને તેજપાળ બંને ભાઈઓની જેમ તમારે તમારું નામ પણ અમર કરવા કંઈક કરવું જોઈએ. શોભને બંને બહેનો સામે પ્રસ્તાવ મૂકવો બંનેએ કહ્યું, શું કરીએ? આ મંદિરમાં તમારા નામના બે ગોખલા બનાવડાવો શોભને સૂચન કર્યું. બંને બહેનો માની ગઈ. શોભન ચાલાક હતો. એ નાની બહેનનો ગોખલો બનાવતો ત્યાર બાદ મોટી બહેનનો ગોખલો એનીથી સહેજ ચઢિયાતો બનાવતો. આ જોઈ નાની બહેન પોતેનો ગોખલો તોડાવી મોટી બહેન કરતાં ચઢિયાતો ગોખલો બનાવડવાતી આમ ચડસા ચડસીમાં સમય પસાર થવા લાગ્યો અને બંને બહેનો મંદિરના કામમાં દખલ કરવાનું ભૂલી ગઈ. મંદિર પૂરું થવા આવ્યું ત્યારે બંને બેનો વચ્ચે સમાધાન કરાવી એક સરખા ગોખલા બનાવવાનું સૂચન કર્યું. એ સ્વીકારાયું. આમ છતાં શોભને દેરાણી-જેઠાણીના ગોખલાઓ વચ્ચે થોડો ફરક રાખ્યો જ દેરાણીની પ્રતિમા ટોચ ઉપર બનાવી છે અને તેની ગરદન સહેજ ઝૂકેલી રાખી છે. જ્યારે જેઠાણી ગરદન ટટ્ટાર રાખીને બેઠી છે. આબુના આ મંદિરો ગુજરાતની કલાદૃષ્ટિ અને કલા સમૃદ્ધિનો ભવ્ય ખ્યાલ આપે છે. પાષાણોને પહાડો ઉપર ઘસડીને જૈન કારીગરીને કારીગરોએ પાષાણના કાવ્યો સર્જાવ્યાં છે. આ મંદિરોમાં આરસને સજીવ થયેલો જોઈ શકાય છે.•
http://sambhaavnews.com/

You might also like