જાહેરજીવનની નૈતિકતાની પ્રથમ શરત અંગત સ્વાર્થને તિલાંજલિ…

જાહેરજીવનની સાચી શોભા

જાહેરજીવનની નૈતિકતાની પ્રથમ શરત અંગત સ્વાર્થને તિલાંજલિ…

વિખ્યાત અમેરિકન હાસ્યલેખક માર્ક ટ્વેઈન એક મુફલિસમાંથી માલદાર બન્યા ત્યારે તેમના દૂરનાં ને નજીકનાં સગાંઓ દોડી આવ્યાં. માર્ક ટ્વેઈન જે હોટલમાં હતા તેના મૅનેજરને બોલાવીને કહ્યું કે, ‘ફોટોગ્રાફરનો જલદી બંદોબસ્ત કરો.’ ફોટોગ્રાફરે સમૂહ તસવીર ખેંચી. તસવીરમાં વચ્ચે માર્ક ટ્વેઈન અને તેમની આસપાસ તેમનાં સગાંવહાલાં. માર્ક ટ્વેઈને તેમની સાથે ફોટો પડાવ્યો એટલે સગાંઓ ખુશ ખુશ થઈ ગયાં. સગાંવહાલાંને પછી ટ્વેઈને સમજાવી-ફોસલાવીને વિદાય કરી દીધા. સમૂહ તસવીરની એક કોપી આવી, એટલે માર્ક ટ્વેઈને મૅનેજરને આપી કહ્યું – ‘લ્યો, આ તસવીર રાખો. તેમાંના બધા ચહેરામહોરા ઓળખી લેજો. એમાંથી એક પણ જણને ફરીવાર આ હોટેલમાં પેસવા દેશો નહીં. કોઈ મારી પાસે આવી ના પહોંચે તે જોજો. આ બધાં સગાંવહાલાં જ માણસની પડતીનાં પગથિયાં બનતાં હોય છે!’

માર્ક ટ્વેઈનની આ શીખ આપણા દેશમાં જ નહીં, દુનિયાભરના રાજપુરુષો, સામાજિક આગેવાનો, લોકસેવકો, જાહેર જીવનમાં કોઈ ને કોઈ ઊંચું સ્થાન શોભાવનારા ટોચના અમલદારો ધ્યાનમાં રાખતા હોત તો? પ્રમુખ કેનેડી તેમનાં સગાંવહાલાંને સારાં સ્થાન પર ગોઠવી દેવાની નબળાઈથી બદનામ બન્યા હતા. અમેરિકાના વિદેશમંત્રી જ્હોન ફોસ્ટર ડલેસે તેમના ભાઈ એલાન ડલેસને સી.આઈ.એ.ના વડા બનાવી દીધા હતા, તેનો અપયશ પડછાયાની જેમ તેમનો પીછો કરતો રહ્યો. બ્રિટનના વડા પ્રધાન કાલાઘને તેમના જમાઈ પીટર જેને અમેરિકાના એલચી તરીકે નીમ્યા ત્યારે બ્રિટનમાં ઊહાપોહ મચી ગયો હતો. લંકાનાં શ્રીમતી બંડારનાયકે પોતાનાં કુટુંબીઓ-કૃપાપાત્રોને સરકારમાં ઉચ્ચ સ્થાનો પર ગોઠવી દીધાં હતાં.

માણસ ઉચ્ચ સ્થાને પહોંચે એટલે તેમનાં આપ્તજનો અને સગાંવહાલાંને તેની તરફ આશાભરી મીટ માંડે તે સ્વાભાવિક છે, પણ આવા માણસોએ વિચારવું જોઈએ કે, લોહીની સગાઈ એ જ જો કોઈ પણ સ્થાન માટેની લાયકાત બની જતી હોય તો રાજાશાહીમાં ખોટું શું હતું? કેટલાક રાજાઓ પણ રાજનીતિનો વિવેક ઓળખતા હતા. અકબર શહેનશાહ હતા, પણ તેમની બેગમની ગમે તેટલી સિફારસ છતાં ઉચ્ચ સ્થાન માટેની પોતાના સાળા સાહેબની લાયકાત ગળે ઉતારવા તૈયાર નહોતા. બેગમને ખુશ રાખવા તે તેમને કંઈક કામગીરી આપતા રહ્યા, પણ સાળા સાહેબને કોઈ ચાવીરૂપ જગા સોંપવાની હિંમત કરી શક્યા નહોતા. લોકશાહીમાં આપણે આજે આટલો વિવેક કે તકેદારી રાખી શકતા નથી. પછી તેઓ પોતાના આ સગાંવાદ માટેની શિક્ષા ભોગવે છે.

લોકનજરમાં નીચા પડે છે અને વિરોધ પક્ષના પ્રહારોનું એકદમ સુંવાળું નિશાન બની જાય છે. રાજકારણમાં આ ‘મામકાવાદ’ ચાલે છે, કેમકે રાજકારણમાં અસરગ્રસ્તોને પોતાના માણસોમાં ઉત્તમતા જ દેખાય છે. આ સગાંવાદ અને પક્ષપાત અનૈતિક છે અને વધારામાં તેની શિક્ષા વહેલીમોડી મળે જ છે. પણ કરુણતા એ છે કે, પક્ષપાત આચરનારા દરેકને લાગે છે કે તે જે કંઈક કરી રહ્યો છે એ બરાબર કરી રહ્યો છે. કંઈ ખોટું કરી રહ્યો નથી.

મહાત્મા ગાંધીજીએ પોતાના પુત્રને જાહેર જીવનમાં આગળ કર્યા નહોતા. તેમને કશું પણ મેળવી આપવામાં મદદરૂપ બન્યા નહોતા. જવાહરલાલ નેહરુએ પોતાનાં દૂરદૂરનાં સગાંવહાલાંઓ અહીંતહીં ગોઠવી દીધાં હતાં, પણ નહેરુ માટે કહેવું જોઈએ કે, એ પોતે સંન્યાસી હતા અને તેમની નબળાઈ સગાંવાદ નહીં તેમની વધુ પડતી ભલમનસાઈ હતી. રાજાજી આવા સગાંવાદથી બચી શક્યા નહોતા. માણસમાં નબળાઈ કેવી બળવાન હોય છે તેનું આ દૃષ્ટાંત છે. રાજાજી મહાચિંતક હતા. મહાભારતના જટિલ કથાનકને સરળ ભાષામાં ઉતારનાર આ માણસ જીવનની આંટીઘૂંટી બરાબર સમજતા હતા છતાં સગાંવાદ માણસની આંખે પાટા બાંધી દે છે. ડૉ. રાધાકૃષ્ણન્ જેવા ફિલસૂફ પણ ભલામણચિઠ્ઠીઓ લખી આપવાની નબળાઈમાંથી પોતાની જાતને બચાવી શક્યા નહોતા.

આ સગાંવાદ સર્વોચ્ચ સત્તાધીશથી માંડીને નાની પાયરીના અધિકારી સુધી પોતાની માયાજાળ બિછાવીને બેઠો હોય છે. કેટલાક તેમાંથી બચી જાય છે, કેટલાક ખરેખર મૈંમ રહે છે. આવા માણસોને ધન્યવાદ ઘટે છે. ઘણા લોકો આમાંથી બચી શકતા નથી. તેમણે વિચારવા થોભવું જોઈએ કે, આ અનૈતિકતા તેમનાં ચારિત્ર્યનું કલંક બન્યા વગર રહેવાની નથી ઞ્ પછી ભલે આ સગાંવાદને તમે ગમે તેવું રૂપાળું નામ આપો. સગાંવાદ જાણ્યે-અજાણ્યે નહીં પોષું તેવો સંકલ્પ જાહેરજીવનમાં પડેલા સૌએ કરવો જોઈએ.

સત્તાધારીના પુત્ર, દીકરી, જમાઈ કે ભાઈ, આ કે તે જગા માટે કે કામગીરી માટે કાબેલ છે કે નહીં તે સવાલ જ નથી. સવાલ એ છે કે, તેમને જે લાભ આપવામાં આવે છે તે તેમની માત્ર કાબેલિયતથી તેઓ મેળવી શક્યા હોત ખરાં ?

કિશનસિંહ ચાવડાએ એક પ્રસંગકથા આલેખી છે. તેમાં એક માણસ એક ધાર્મિક સ્થળનો કારોબાર હાથ કેમકે, આ ધાર્મિક સ્થાન તેના પિતાએ છોડેલી સંપત્તિની નીપજ હોય છે. એ માણસનો અંતરાત્મા કહે છે કે, હું આ મહંતગીરી કઈ રીતે લઈ શકું ? દુનિયા શું માનશે ? દુનિયા તો કહેશે કે પિતાની જે મિલકત સંસારી તરીકે ના ભોગવી તે સંન્યાસી બનીને હું ભોગવી રહ્યો છું ! આનું નામ સૂક્ષ્મવિવેક. આવો સૂક્ષ્મવિવેક સંજય ગાંધી કે સુરેશ જગજીવનને કદાય ના સમજાયો હોય તો પણ તેમનાં માતા-પિતાને તો સમજાવો જોઈતો હતો.

જેઓ જાહેરજીવનમાં પડ્યા હોય છે, લોકસેવામાં જેમણે જિંદગી વિતાવી હોય છે તેઓએ ઘદ્ઘંબધું છોડી દીધું હોય છે, પણ તેઓ કેટલીક વાર લોહીની સગાઈનું બંધન તોડી શકતા નથી. જમીન-જાગીર, મકાન, મિલકત, વૈભવ છોડવાનું આસાન હશે, લોહીનું બંધન છોડવાનું મુશ્કેલ હોય છે. એમાંથી મોટું મહાભારત રચાય છે. લોકસેવકને સાચો સંન્યાસી થતાં રોકનારું બળ આ લોહીની સગાઈનો પોકાર હોય છે. પછી તે પોતાની આ નબળાઈને ઢાંકે છે. તે આત્મવંચના કરે છે. તે માને છે અને કહે છે કે, ‘ભાઈ, હું કંઈ ખોટું કરી રહ્યો નથી. મારો દીકરો, દીકરી કે ભાઈ કે જમાઈ ખૂબ હોશિયાર હોય તો હું શું કરું ? તેમને કઈ રીતે અન્યાય કરી શકું? શું મારું સ્થાન તેમની આવડત છતાં મોટી ગેરલાયકાત બની જવું જોઇએ? આ સવાલનો સાચો જવાબ એ છે કે, હા, તે ગેરલાયકાત જ ગણાવી જોઈએ. જીવન નૈતિકતા તે માગે છે. જાહેરજીવનની નૈતિકતા એ શરત છે. નિઃસ્પૃહ અને નિઃસ્વાર્થ સેવાની એ શોભા છે. સગાંવાદના સાફ ઇનકારનો ચીપિયો તમે ખખડાવી ના શકો ત્યાં સુધી તમે સાચા ભેખધારી નથી. ભેખધારીનાં બાકીનાં બધાં તમારાં ટીલાંટપકાં છતાં તમે શુદ્ધ ભેખધારી નથી. દેશસેવા માટે પિતા-માતા અને પત્ની છોડીને તમે અટકી ગયા છો.

સંતાનના હિતની ચિંતા પણ છોડો. લોકસેવકનું એ સર્વોચ્ચ બલિદાન છે. સંતાનો અને લોહીના રિશ્તેદારો સૌને વહાલાં હોય છે, પણ સામાન્ય સંસારીઓ તેના ખેંચાણને વશ થાય તો તે ક્ષમ્ય છે. લોકોના પ્રસાદ ઉપર જેઓ જીવે છે, તેમનાથી આ ખેંચાણને વશ ના થવાય. આ સવાલ માત્ર તેમની રાજકીય કારકિર્દીની કલંકરહિતતાનો જ નથી, જાહેરજીવનની શોભાનો પણ છે. સંજય ગાંધીના કારોબારથી ઇન્દિરા ગાંધીનું પતન થયું ના હોત તો પણ આ ખોટું જ હતું. તમે સત્તા ઉપર હો, કંઈક આપવાની સ્થિતિમાં હો ત્યારે તમારાં સાત પેઢીનાં સગાં તમારૂં સગપણ તમને દાખલાદલીલ અને પુરાવા સાથે સમજાવી દેતા હોય છે. આવાં સગાંઓના હુમલાના જવાબમાં લિંકનનો બચાવ એક જ હતો – ‘તમારી લાયકાત તો બેનમૂન છે, પણ હું તમારો સગો મૂઓ છું, એટલે તમારી લાયકાતની કદર મારાથી ના થઈ શકે. આનો રસ્તો એક જ છે. તમારી લાયકાતને યોગ્ય દાદ મળે તે માટે ભગવાનને તમે સાચા દિલથી પ્રાર્થના કરો કે અબ્રાહમ લિંકન પ્રમુખસ્થાને ટકી ના રહે ! પછી જ તમારી શક્તિની કદર કરવાનું મારે માટે શક્ય બનશે !’

સગાંવહાલાં વીલું મોં કરીને રવાના થઈ જતાં! આવાં ‘નકામા’ માણસો જ કોઈ પણ રાષ્ટ્રની, તેના જાહેરજીવનની સાચી શોભા હોય છે.

————————–.

ભૂપત વડોદરિયાના પ્રકાશિત થયેલા લેખોમાંથી પસંદ કરેલો લેખ….

You might also like