સમસ્યાઓની વચ્ચે પણ જિંદગી જીવવાની આશા…

મૂળ વાત તો માણસની અંદરના મિજાજની છે.

  • ભૂપત વડોદરિયા

અચાનક બે મિત્રો ભેગા થઈ ગયા. એક મિત્રે બીજા મિત્રને પૂછ્યું, ‘કેમ છો!’ બીજા મિત્રે જવાબ આપ્યો, ‘મજામાં!’ પેલા મિત્રે પૂછ્યું, ‘ખરેખર, એમ!’ બીજા મિત્રે જવાબ આપ્યો, ‘ખરેખર મજામાં એવું કહેવાય કે નહીં તેની મને ખબર નથી, કેમકે દરેક માણસને બહારના સંજોગોમાં અનેક મૂંઝવણો હોય છે અને આ બધી મૂંઝવણો એક યા બીજા સ્વરૂપે માણસની સાથે ને સાથે જ ચાલે છે. કોઈક પ્રશ્ન કરે કે ‘કેમ છો’ તો આપણે કહીએ છીએ કે ‘મજામાં’, કેમકે હું મજામાં નથી મૂંઝવણમાં છું એમ કહેવાથી કશું વળતું નથી, કારણ કે દરેક માણસને મૂંઝવણ તો હોય જ છે. એટલે તમે જ્યારે તમારી વાત કરો અને કંઈક મૂંઝવણ છે એવું કહો ત્યારે તમારી એક મૂંઝવણ સામે એ બે કે ચાર પોતાની મૂંઝવણો રજૂ કરશે. તમે જ્યારે એમ કહ્યું કે હું મજામાં છું ત્યારે તે પણ કહેશે કે હું પણ મજામાં છું.

ખરેખર મજા શું છે? બહારના સારા સંજોગો? કોઈ પણ વ્યક્તિના બહારના બધા સંજોગો સાનુકૂળ હોતા જ નથી. મૂળ વાત તો માણસની અંદરના મિજાજની છે. કેટલાક માણસો બહુ નાનકડી મૂંઝવણમાં પણ હચમચી જાય છે. જ્યારે બીજા કેટલાક લોકો પહાડ જેવી મુશ્કેલી પણ હસતે ચહેરે ઉપાડી લે છે. કેટલીક વાર એવું બને છે કે માણસને પોતાનું દુઃખ ગાવું ગમે છે, કેમકે તેને સહાનુભૂતિ જોઈએ છે. એવા પણ ઘણા માણસો હોય છે જેમને બીજાઓની સહાનુભૂતિની એટલી ભૂખ નથી. એ લોકો જાણે છે કે જિંદગીની આ બાજીમાં સુખ અને દુખનાં પાનાં છે અને ચીપીને સુખનું પાનું ઉપર લાવવું પડે છે અને દુખનું પાનું એ અંદર ક્યાંક ગોઠવી દે છે.

આપણે ખાસ કરીને જોઈએ છીએ કે ઘણા બધા માણસોની તકલીફોને શરીરની પીડારૂપે  પ્રગટ કરે છે. તમે કોઈને મૂંઝવણમાં મૂકો ત્યારે પ્રશ્ન કરો છો ‘કેમ ભાઈ શું થયું?’ પેલો માણસ જવાબ આપે છે. ‘ખાસ કંઈ નહીં. મારું માથું બહુ દુઃખે છે. દુઃખાવાની બે-ચાર ગોળીઓ પણ ખાઈ ગયો પણ કંઈ ફરક પડ્યો હોય એવું લાગતું નથી. મને લાગે છે કે મારા ફેમિલી ડૉક્ટર પાસે જવું પડશે.’ ફેમિલી ડૉક્ટર પાસે એ દવા લેવા જતો નથી, કેમકે માથાના દુઃખાવાની બધી દવા તો એની પાસે છે જ. તેને તો પોતાના ડૉક્ટર પાસેથી એવી હૈયાધારણ જોઈએ છીએ. ડૉક્ટર જ્યારે કહે કે તમારો સ્વભાવ ચિંતાવાળો લાગે છે, કાં તો પછી કામનું ભારણ છે. બાકી બીજું કંઈ નથી.’ એ ભાઈ ડૉક્ટરને પૂછે છેઃ ‘મગજમાં કંઈક ક્લોટ કે ગાંઠ જેવું તો નથી ને?’ આપણે જોઈએ છીએ કે નાનામાં નાની વ્યાધિની પાછળ માણસને મૃત્યુનો અગર અસાધ્ય રોગનો અજ્ઞાત ભય સતાવી રહ્યો છે. મોંએથી તો એ કહે છે કે મને આવી પીડા ગમતી નથી. આના કરતાં તો ભલે મોત આવે અને ભલે પડદો પડી જાય.’ માણસ ગમે તે બોલે પણ કોઈ પણ માણસને જિંદગીના આ નાટકના ત્રણ કે ચાર અંક પૂરા કરવા છે અને નાટક નાનું હોય કે લાંબું હોય તેને નાટકનો સુખાંત જોવો છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણે કબૂલ કરીએ કે ના કરીએ દરેક માણસમાં જીવવાની ઇચ્છા-જિજીવિષા પ્રબળ હોય છે. પાંચમા માળેથી આપઘાત કરવાના ઇરાદે નીચે પડતું મૂકનારને એક ઉમેદ હોય છે કે ભલે એનાં હાડકાં ભાંગે પણ પોતે મરી તો નહીં જ જાય.

આમ જુઓ તો ઘણા બધા માણસો ફિલસૂફની અદાથી કહે છે કે જીવન એ તો ખાલી પાત્ર છે. ખરેખર એમાં દૂધ પણ નથી અને અમૃત પણ નથી. ભગવાને જન્મ આપ્યો તો સુખ કે દુખમાં જીવવું પડે છે. છેવટના અંતની ખબર તો છે પણ ગમે તેવાં દુખો અને ગમે તેવી સમસ્યાઓ વચ્ચે પણ એમ થાય છે કે અંત જેટલો મોડો આવે એમ સારું. દીકરો પરણાવ્યો, દીકરીને સાસરે વળાવી, બંને મંગલ પ્રસંગો, પણ એમ થાય છે કે મારા દીકરાને ત્યાં એક સંતાન થાય, દીકરો કે દીકરી જે મને દાદા ટહુકો કરે! આ તૃષ્ણા માણસને ગમે તેટલી કઠિન પણ લાંબી સફર કરાવે છે. એક વૃદ્ધ મરણ પથારીએ હતા, જીવ જતો ન હતો. સંબંધીઓએ પૂછ્યું કે તમારા મનમાં ક્યાંક કશોક કાંટો છે. કહો એ કાંટો શું છે અમે કાઢી આપીએ.’ વૃદ્ધે કહ્યું, ‘આમ જુઓ તો બીજો કોઈ કાંટો નથી. મારી પુત્રવધૂને નવમો મહિનો જાય છે. એ જે બાળકને જન્મ આપે – દીકરો કે દીકરી – એનું પ્રથમ રૂદન સાંભળીને જવું છે! એ પ્રથમ રૂદન હું સાંભળીશ અને હસતા ચહેરે દુનિયા છોડ દઈશ. બસ આટલી જ ઇચ્છા છે અને મને એમ થાય છે કે આજ સુધીના જીવનમાં બધું મળ્યું અને ઘણું બધું ના મળ્યું. એ બધા હિસાબનો સરવાળો મારાં પૌત્ર કે પૌત્રીના પ્રથમ રૂદનને હું સાંભળીશ ત્યાં જ મારી જીવનકથાની સમાપ્તી.’

કોઈ પ્રશ્ન કરે કે આવું કેમ? એનો જવાબ એ છે કે પૌત્ર કે પૌત્રીની ઝંખના કરનાર એવું માને છે કે મારે ત્યાં બીજી પેઢી અવતરે તો મને એમ લાગે કે હું એમના થકી જીવતો છું. મારી જિંદગીનું કોડિયું ભલે બુઝાય પણ એ કોડિયાની વાટ સળગાવીને જાય.

———————-.

You might also like