માતૃભાષા મૃતઃપ્રાય બને તે પહેલાં બચાવો

કોઈએ સાચું જ કહ્યું છે કે બાળક માના ખોળામાં જેટલું ખીલે તેટલું આયાના ખોળામાં નથી ખીલતું. એટલે જ જન્મ અને ઉછેર જે ભાષાના વાતાવરણ વચ્ચે થયો હોય તે ભાષાને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. માતૃભાષા જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે પણ આ સીધી અને સરળ વાત આજે સ્પર્ધાના સમયમાં સમજવી અઘરી છે. માતૃભાષા પ્રત્યેના લગાવનો મતલબ એ નથી કે બીજી ભાષા ન શીખવી, પણ માતૃભાષાને જાળવી રાખવી જોઈએ, કારણ કે માતૃભાષા સાથે સંસ્કૃતિ જોડાયેલી છે. જો માતૃભાષા જશે તો સાથે સંસ્કૃતિ અને સંસ્કારો પણ જતા રહેશે. ફાધર વાલેસ પણ કહે છે કે બીજાનું સારું અપનાવો પણ પોતાનું છોડીને નહીં. અંગ્રેજી શીખો પણ ગુજરાતી છોડીને નહીં. આજે ગુજરાતી ભાષા પર અંગ્રેજી ભાષાનો દબદબો એટલી હદે વધી રહ્યો છે કે એક શિક્ષિત ગુજરાતી પરિવારમાં ગુજરાતી કરતાં અંગ્રેજીનો ઉપયોગ વધુ થાય છે.

વિશ્વભરમાં ર૧ ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઊજવવામાં આવે છે ત્યારે અહીં વાત કરવી છે ગુજરાતી ભાષાના વરવા વર્તમાનની. ગુજરાતી ભાષાની સ્થિતિ એટલી હદે કથળી  છે કે બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. ધો.૧૦ અને ધો. ૧રમાં ગુજરાતી વિષયમાં બે લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ એક વર્ષમાં નાપાસ થયા છે. ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ આંકડો સાંભળીને ચોંકી ગયા હતા. રાજ્યના શિક્ષણ વિભાગમાં આ મુદ્દો હાલ ચર્ચા અને ચિંતાનો વિષય બન્યો છે.

માતૃભાષાને જીવતી રાખવા મથતા લોકો કહે છે ગુજરાતી ભાષા પ્રત્યે આજની પેઢીનો લગાવ ઘટી રહ્યો છે તે કડવી વાસ્તવિકતા જરૂર છે પણ તેનો મતલબ એ પણ નથી કે ગુજરાતી ભાષા હવે લુપ્ત થવાના આરે આવી ગઈ છે કે તેને ચાહનારો વર્ગ હવે રહ્યો નથી પણ હાલ જે હાલત છે તેમાં જો સુધારો થાય અને ભાષા પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહે તેવું કંઈક કરવાનો સમય હવે આવી ગયો છે. ‘ગુજરાત મોરી મોરી રે…’નાં માત્ર ગાણાં ગાવાથી હવે ગુજરાતીને જિવાડી નહીં શકાય. ખતરાની ઘંટડી વાગી ચૂકી છે. વિશ્વમાં એક અંદાજ મુજબ આશરે ૭ કરોડ જેટલો ગુજરાતી બોલનારો વર્ગ છે. વિદેશોમાં વસતા ગુજરાતી પરિવારો તેમનાં સંતાનોને શનિ-રવિની રજાઓમાં ગુજરાતી શીખવવા ખાસ સમય ફાળવી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં ઘરઆંગણે ગુજરાતીની અવદશા થઈ રહી છે. ગુજરાતનાં મોટાં શહેરો જ નહીં હવે તો નાનાં શહેરોમાં ભણતા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાના બદલે અન્ય ભાષાઓને વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યાં છે. અરે, હવે તો કેટલીક શાળાઓને ગુજરાતીના શિક્ષકો મળતા નથી તેવી કરુણ હાલત છે. ગુજરાતી વિષય સાથે ભણવું એ કોઈ નાનું કામ હોય તેટલી હદે માનસિકતા આજના વિદ્યાર્થીઓમાં ઘર કરી રહી છે તે સમાજ અને સરકાર માટે ચિંતાનો વિષય છે.

માતૃભાષાની તાકાતથી રાષ્ટ્રનિર્માણ

ઇતિહાસ સાક્ષી છે કે માતૃભાષાની તાકાત એટલી છે કે તે રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. યુનેસ્કોએ વર્ષ ૧૯૯૯માં જાહેર કર્યું કે ર૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવી. ત્યારથી દુનિયામાં માતૃભાષા દિન તરીકે આ દિવસ ઊજવાય છે. માતૃભાષાનંુ ગૌરવ વધે તેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. ર૧ ફેબ્રુઆરીને જ કેમ માતૃભાષા દિન તરીકે પસંદ કરવામાં આવ્યો તેના મૂળમાં બાંગ્લાદેશની આઝાદીની લડાઈનો ઐતિહાસિક કિસ્સો છે. બાંગ્લાદેશ એ એક સમયે પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું. પાકિસ્તાને બંગાળી ભાષાને રાજભાષા તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરી દેતા બંગાળીઓમાં માતૃભાષાને લઈને બળવાનાં બીજ રોપાયાં અને આઝાદી માટે લડત શરૂ થઈ. આ લડતમાં ર૧ ફેબ્રુઆરી, ૧૯પરના દિવસે ત્રણ બંગાળી યુવાનો શહીદ થયા હતા એટલે આ દિવસની સ્મૃતિમાં ર૧ ફેબ્રુઆરીને માતૃભાષા દિન તરીકે ઊજવવાનું યુનેસ્કોએ જાહેર કર્યું હતું.

ભાષાઓને લઈને જેમ રાષ્ટ્રનિર્માણ થયું છે તેવી રીતે કોઈ દેશમાં રાજ્યો કે પ્રાંતની રચનાઓ થઈ છે. ગુજરાતની સ્થાપના ૧૯૬૦માં થઈ તેના મૂળમાં ભાષાવાદ જ હતો. આવા તો અનેક દાખલા ઇતિહાસનાં પાને પડ્યા છે.

બોર્ડમાં અનેક વખત રજૂઆતો કરાઈ

માતૃભાષાની મૂળ વાત પર આવીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના સિનિયર મેમ્બર અને જેતપુરમાં એક શાળાનું સંચાલન કરનાર પ્રિયવદનભાઈ કોરાટ ગુજરાતી ભાષાની કથળેલી હાલત અંગે ચિંતા વ્યક્ત કરતાં કહે છે કે, “ધો.૧૦ બોર્ડના છેલ્લા એક દસકાના આંકડા જોઈએ તો આપણા વિદ્યાર્થીઓમાં માતૃભાષાનું જ્ઞાન કેટલું નબળંુ છે તેનો અંદાજ આવી જાય છે. સરેરાશ ર૦ ટકા વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં જ નાપાસ થઈ રહ્યા છે. આશરે ૧૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે બેઠા હોય છે તેમાંથી ર લાખ જેટલા ગુજરાતીમાં નાપાસ થાય છે. એક બોર્ડ મેમ્બર તરીકે અનેક મિટિંગોમાં આ મુદ્દો મેં ઉઠાવ્યો હતો અને ગુજરાતી ભાષાને નબળી પડતી અટકાવવા નક્કર પગલાં લેવા રજૂઆતો કરી હતી પણ કોઈ પગલાં લેવાતાં નથી. ગુજરાતી ભાષાના સારા શિક્ષકો મળતા નથી ને તેની ઘટ પણ પુરાતી નથી.”

ગુજરાતી ભાષાના વિષય સાથે પીએચ.ડી કરનાર પ્રિયવદનભાઈ કહે છે  કે, “ગુજરાતી ભાષાને જિવાડવાની જવાબદારી માત્ર સરકાર કે શાળા સંચાલકોની નથી સમાજની પણ છે. દરેકે આ બાબતે હાથ મિલાવી કામ કરવું જોઈએ તો જ પરિણામો મળી શકે. સરકારે માતૃભાષાના માધ્યમથી શાળા અને સમાજને નજીક લાવવાં જોઈએ. આજે મોટા ભાગના લોકો ખોટું ગુજરાતી લખે છે. જોડણીની તો કોઈને પડી જ નથી. હું વ્યક્તિગત રીતે લોકોનું ગુજરાતી સુધરે તે માટે પ્રયાસ કરું છુ. મારા ધ્યાનમાં કોઈ સ્થળે બોર્ડમાં ખોટો ગુજરાતી શબ્દ લખ્યો હોય તો હું તરત જ તેમાં જે સરનામું લખ્યું હોય તેને સાચો શબ્દ લખીને કાગળ મોકલાવું છું. મારા ઘરે કોઈ કંકોત્રી કે ટપાલ આવી હોય અને તેમાં ગુજરાતી ભાષામાં ભૂલ હોય તો તેને પણ વળતો જવાબ લખીને સાચું જણાવું છું. સોશિયલ મીડિયાના આક્રમણથી પણ ગુજરાતી ભાષા પ્રત્યેનો લગાવ ઘટતો જાય છે છે. ખાસ કરીને યુવાપેઢી પર તેની વધુ અસર જોવા મળી રહી છે. એક જમાનામાં ટપાલો લખવામાં આવતી હતી હવે બધું ઓનલાઈન થઈ ગયું છે. લખવાનો મહાવરો જ રહ્યો નથી. શુદ્ધ ગુજરાતી લખવાનું તો એક બાજુ હવે તો શુદ્ધ ગુજરાતી ભાષા બોલાતી પણ નથી.

ગુણોત્સવની ગુણવત્તા કેટલી ?

સવાલ એ થાય છે રાજ્ય સરકાર છેલ્લાં કેટલાંક વર્ષોથી સરકારી શાળાઓમાં ગુણોત્સવ ઊજવે છે પણ તેની ગુણવત્તા શું ? મુખ્યપ્રધાન – પ્રધાનો અને આઈપીએસ અને આઈએએસ કક્ષાના અધિકારીઓ અલગઅલગ શાળાઓમાં જઈ આખો દિવસ રોકાઈને શાળા, બાળકો ને શિક્ષકોને મળી ગુણવત્તા ચકાસી અને જરૂરી માર્ગદર્શન આપતા હોય છે પણ એક મોટો વર્ગ એવું માને છે કે ગુણોત્સવના કાર્યક્રમો માત્ર સરકારી કાર્યક્રમો જ બની રહે છે. અધિકારીઓ – પ્રધાનો તસવીરો પડાવીને નીકળી જાય છે કોઈ નક્કર ફળશ્રુતિ મળતી નથી. ગુણોત્સવ વખતે ક્યારેક પ્રધાનો અને અધિકારીઓ ચોંકી જાય તેવો વિદ્યાર્થીઓનાં ભણતરનો સ્તર જોવા મળે છે. આ વર્ષની જ વાત કરીએ તો ચોટીલા તાલુકાના એક ગામની શાળામાં ગુણોત્સવ વખતે એક વિદ્યાર્થીને મેલબોર્ન કે સ્ટેડિયમ શબ્દ વાંચતા આવડ્યો ન હતો. પાંચમા કે છઠ્ઠા ધોરણમાં ભણતાં વિદ્યાર્થીઓ આવું વાંચી શકતા નથી તેવી હાલત છે. આના પરથી માતૃભાષાની સ્થિતિ વિશેનો અંદાજ લગાવી શકાય છે.

માતૃભાષાને સમૃદ્ધ કરવી જરૂરી

સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના ગુજરાતી ભાષાના અધ્યક્ષ પ્રો. નીતિન વડગામા પણ કહે છે કે, ” વિદ્યાર્થીઓમાં ગુજરાતી ભાષાનો સ્તર  જે રીતે નબળો પડી રહ્યો છે તે ચિંતા અને ચિંતનનો વિષય છે અને તેની જવાબદારી માત્ર સરકારની નથી પણ વાલી અને વિદ્યાર્થીઓ પણ એટલા જ જવાબદાર છે. જો માતૃભાષા ટકશે તો સંસ્કૃતિ અને સાહિત્ય ટકશે. આ બંનેને ટકાવવા પણ માતૃભાષાને સમૃદ્ધ કરવી જરૂરી છે. ખાસ કરીને શાળા-કૉલેજોમાં ગુજરાતી ભાષાનંુ મહત્ત્વ વિદ્યાર્થીઓને સમજાવવાનું કામ થતંુ નથી પરિણામે આગળ જતા વિદ્યાર્થીઓને ગુજરાતી પ્રત્યેનો રસ ઓછો થતો જાય છે. કેટલાંક ઘરોમાં ગુજરાતી વાક્યોમાં અંગ્રેજી શબ્દોનો એવો ખોટો ઉપયોગ કરાય છે જેનાથી ભાષા ભેળસેળવાળી થઈ જાય છે. અંગ્રેજી સામે કોઈ વિરોધ નથી પણ સાચું ગુજરાતી બોલવાની ટેવ પરિવારના સભ્યોમાં પડે તે જરૂરી છે. વોટ્સ ઍપ. જેવા સોશિયલ મીડિયાના આક્રમણથી પત્રલેખન તો હવે ભાગ્યે જ જોવા મળે છે.”

અકાદમી અને પરિષદ વચ્ચે ઝઘડા

ગુજરાતના શિક્ષણ વિભાગની મહત્ત્વની સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (જીસીઈઆરટી) ના લગભગ એક દસકા સુધી નિયામક પદે રહેલા નલિનભાઈ પંડિત પણ માતૃભાષાની કથળતી હાલત અંગે ચિંતા વ્યક્ત કરતાં કહે છે કે, “શાળાઓમાં સુપરવિઝન અને ઉપરી અધિકારીઓનંુ ઈન્સ્પેક્શન ઘટી રહ્યું છે તેના પરિણામ સ્વરૂપ ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થઈ રહ્યા છે. જ્યાં સુધી માતૃભાષાને પ્રોત્સાહન આપવાની વાત તો એક બાજુએ રહી ગુજરાતમાં તો સાહિત્ય અકાદમી અને પરિષદ વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે તે એક શરમજનક બાબત છે.

શું કહે છે શિક્ષણપ્રધાન ?
રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ખુદ એ બાબતનો સ્વીકાર કરી કહી રહ્યા છે કે બોર્ડની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થઈ રહ્યા છે અને આ સ્થિતિ સરકાર જ નહીં સમાજ માટે પણ ચિંતાનો વિષય છે. ગુજરાતી માતૃભાષા સમૃદ્ધ થાય અને વિદ્યાર્થીઓની તેમાં રુચિ વધે તે માટે સરકાર ગંભીર બની છે એટલે જ અમે પણ આ મુદ્દો જાહેર ચર્ચા માટે લાવીએ છીએ. માત્ર સરકારની જ નહીં વાલીઓ-વિદ્યાર્થીઓની પણ આ જવાબદારી છે. આ મુદ્દે સહિયારા પ્રયાસો થશે તો તેનાં પરિણામો મળશે. ગુજરાતી ભાષા માટે શું થઈ શકે તેના માટે શિક્ષણવિદો અને સાહિત્યકારો સાથે પણ સરકાર વિચારવિમર્શ કરશે તો બીજી બાજુ શિક્ષણ વિભાગની શિબિરોમાં પણ આ વિષય ગંભીરતાથી લેવામાં આવ્યો છે. કેટલીક નીતિઓનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. અન્ય રાજ્યોની માતૃભાષાના વિષયોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આમ, ગુજરાતી ભાષા પ્રત્યેનો લગાવ વધે તે માટે જે કંઈ કરી શકાતું હશે તે કરવા સરકાર કટિબદ્ધ છે.
http://sambhaavnews.com/

You might also like