મમ્મીઅે કાકાને હથોડી અાપી અને કાકાઅે સૂતેલા પપ્પાને મારી દીધી

અમદાવાદ: ‘મમ્મીએ કાકાને હથોડી આપી અને પછી કાકાએ તે હથોડી પપ્પાના માથા પર મારી દીધી… મમ્મીએ મને કહ્યું કે કોઇ ને કહેવાનું નથી… જો કોઇને કહીશ તો તને પર્સ લાવવા માટે રૂપિયા નહીં આપું…!’ આ શબ્દો છે પાંચ વર્ષની માસૂમ બાળકી પ્રતિજ્ઞાના કે જેની નજર સામે તેના પિતાની કરપીણ હત્યા કરવામાં આવી છે. નારોલ વિસ્તારમાં ગઇ કાલે લેબર કોન્ટ્રાક્ટરની થયેલી રહસ્યમય હત્યામાં માસૂમ બાળકીએ પોલીસ સમક્ષ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. લેબર કોન્ટ્રાક્ટરની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી હોવાની પોલીસને અાશંકા છે.

વટવા વિસ્તારમાં આવેલ રંગોલીનગરમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર સત્યેન્દ્રકુમાર તેની પત્ની ગાયત્રી અને પાંચ વર્ષની પુત્રી પ્રતિજ્ઞા સાથે રહેતા હતા. ગાયત્રી ગઈ કાલે સાંજે શાક લેવા માટે તેની પુત્રી પ્રતિજ્ઞા સાથે બજારમાં ગઈ હતી. દરમિયાનમાં પરત ફરતાં ઘરમાં તેના પતિ સત્યેન્દ્રકુમારની લોહીલુહાણ હાલતમાં લાશ જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમાબૂમ થતાં અાસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.

સત્યેન્દ્રકુમાર ઘરમાં એકલો હતો ત્યારે કોઈ અજાણી વ્યક્તિઅે ઘરમાં ઘૂસી તેની માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી નાંખી હતી. ઘટના અંગેની જાણ વટવા પોલીસને કરાતાં પીઅાઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. સત્યેન્દ્રકુમારને માથામાં દસ્તા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસની પ્રાથ‌િમક તપાસમાં સામે આવ્યું હતું. આ હત્યા કેસમાં ચોંકાવનારી વાત એ છે કે સત્યેન્દ્રકુમાર પર હુમલો થયો ત્યારે તેનો બૂમો પાડવાનો અવાજ અડોશપડોશમાં કોઇને આવ્યો હતો નહીં. સત્યેન્દ્રની હત્યા પાછળ કોઇ જાણભેદુ હોવાની શંકા રાખતાં સૌપ્રથમ પોલીસે તેની પત્ની ગાયત્રીની પૂછપરછ કરી હતી, જેમાં તેણે યોગ્ય જવાબ નહીં આપતાં પોલીસ તેની પુત્રી પ્રતિજ્ઞાને પૂછ્યું હતું.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ વર્ષની માસૂમ પ્રતિજ્ઞાએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે ગઇ કાલે સાંજે બીજેન્દ્ર સાક ઉર્ફે ચાચુ ઘરે આવ્યા હતા. મમ્મીએ દરવાજો ખોલ્યો હતો અને ત્યારબાદ રસોડામાં જઇને મા‌િળયામાંથી હથોડી ચાચુને આપી હતી. પપ્પા સૂતા હતા ત્યારે ચાચુએ હથોડી પપ્પાના માથા પર મારી દીધી હતી, ત્યારબાદ તેઓ જતા રહ્યા હતા. મમ્મીએ મને કહ્યું હતું કે જો તું કોઇને કહીશ તો પર્સ નહીં લાવી અાપું. પ્રતિજ્ઞાએ કરેલો ખુલાસો સાંભળતાં પોલીસ ચોંકી ઊઠી હતી. બાળકીએ હિન્દીમાં અા ઘટસ્ફોટ કર્યો હતો. વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે. સરવૈયાએ જણાવ્યું છે કે સત્યેન્દ્રની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

જે ડિવિઝન અેસીપી વી. એમ. જાડેજાઅે જણાવ્યું હતું કે હત્યા મામલે દરેક દિશામાં તપાસ ચાલી રહી છે. મૃતકની પત્ની અને અન્ય લોકો પણ શંકાના દાયરામાં છે. ટૂંક સમયમાં અારોપીઅોની શોધખોળ કરી તેની ધરપકડ કરવામાં અાવશે. હત્યા મામલે હજુ સુધી કોઈપણ કારણ જાણવા મળ્યું નથી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં શહેરમાં કુલ અાઠ હત્યાની ઘટના ઘટી છે, જેમાં ત્રણ હત્યા વટવા વિસ્તારમાં થઇ છે. અાઠ હત્યા પૈકી બે હત્યા યુવતીઓની થઇ છે. દરિયાપુરમાં બુટલેગરની હત્યાના હજુ ૪૮ કલાક પૂરા પણ નથી થયા કે વટવામાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે.
http://sambhaavnews.com/

You might also like