‘તને અને તારી મમ્મીને ઓળખીએ છીએ’ કહી જયને અપહરણકારો ઉઠાવી ગયા હતા

અમદાવાદ: અમેરિકાના બોસ્ટન શહેરમાં નોકરી કરતા વિષ્ણુભાઈ પટેલ નામના યુવકના ૧૨ વર્ષીય પુત્ર જય પટેલનું સોમવારે સવારે કેટલાક અજાણ્યા શખસોએ અપહરણ કર્યું હતું. આ બાબતે પોલીસને જાણ કરાતાં સોલા પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમે અપહરણકારોનાં મોબાઈલ લોકેશન મેળવ્યાં હતાં અને જય નડિયાદ તરફ હોવાનું બહાર આવતાં તેની શોધખોળ હાથ ધરી હતી. નડિયાદ રેલવે સ્ટેશનથી જય હેમખેમ મળી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં જય સવારે સ્કૂલે જવા નીકળ્યો ત્યારે બે શખસો ઈકો કારમાં આવ્યા હતા અને તને અને તારી મમ્મીને ઓળખીએ છીએ કહી તેને વિશ્વાસમાં લઈ ગાડીમાં બેસાડી દીધો હતો. બાદમાં સોનલબહેનને ફોન કરી રૂ. ૧૫ લાખની માગ કરી હતી.

ચાંદલોડિયાના સિલ્વર સ્ટાર ફ્લેટ નજીક માધવ ફ્લેટમાં સોનલબહેન તેમના પુત્ર જય પટેલ (ઉં.વ. ૧૨) સાથે રહે છે. સોનલબહેનના પતિ વિષ્ણુભાઈ અમેરિકાના બોસ્ટન શહેરમાં સ્ટોરમાં નોકરી કરે છે. જય નાલંદા સ્કૂલમાં ધો. ૫માં અભ્યાસ કરે છે. સોમવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ જય સ્કૂલ જવા નીકળ્યો ત્યારે ઈકો કારમાં બે શખસો આવ્યા હતા. તેઓએ જયને કહ્યું હતું કે, ‘તને અને તારી માતાને ઓળખીએ છીએ, તું નાનો હતો ત્યારથી ઓળખીએ છીએ’ અને તેને વિશ્વાસમાં લઈ ગાડીમાં બેસાડી દીધો હતો. બંને શખસોએ ગાડીમાં તેને અલગ અલગ આણંદ, નડિયાદ જેવા શહેરોમાં ફેરવ્યો હતો.

બપોરે એક વાગ્યે અપહરણકર્તાઓએ સોનલબહેનને ફોન કરી જો દીકરો જોઈતો હોય તો ૧૫ લાખ આપવા પડશે કહી પૈસાની માગણી કરી હતી. સોનલબહેને આ બાબતે પોલીસને જાણ કરતાં સોલા પોલીસ અને ક્રાઈમ બ્રાંચે અપરણકર્તાના મોબાઈલ ફોન ટ્રેસ કર્યા હતા.

મોબાઈલ ફોનનું લોકેશન નડિયાદ તરફ મળતાં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી અને નડિયાદ પોલીસને જાણ કરી હતી. દરમિયાનમાં અપહરણકર્તાઓને પોલીસને જાણ થઈ હોવાનું ધ્યાને આવતાં તેઓ જયને નડિયાદ રેલવે સ્ટેશન છોડી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ પોલીસને જય નડિયાદ રેલવે સ્ટેશન નજીક રિક્ષામાં મળી આવતાં પોલીસ તેને લઈ અમદાવાદ આવી પહોંચી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી સોનલબહેનના કોઇ ઓળખીતા-પરિચિત દ્વારા જ અપહરણ કરવામાં આવ્યું છે. હાલમાં પોલીસ તેઓની પણ પૂછપરછ કરી રહી છે.

You might also like