માતૃ શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ સિદ્ધપુર

સિદ્ધપુર સરસ્વતી નદીના તટે વસેલું પ્રાચીન નગર છે. તેનું જૂનું નામ શ્રીસ્થળ હતું. જે સંસાર પરિવર્તનશીલ છે તે નિયમને અનુસરીને શ્રીસ્થળમાંથી ભારતની ત્રણ નદી કુંવારી કહેવાય છે. જેમાં સરસ્વતી નદી પ્રમુખ છે. જે સમુદ્રમાં નથી વિલિન થતી, પરંતુ કચ્છના રણમાં સમાઈ જાય છે. આવી દિવ્ય નદીને કાંઠે સિદ્ધપુર વસેલું છે. સિદ્ધપુર તો ઘણી બાબત માટે પ્રખ્યાત છે, પરંતુ માતૃગયાનું ખાસ સન્માન તે પામ્યું હોવાથી માતાનું શ્રાદ્ધ અહીં કરવાથી જે તે વ્યકિતની માતા સદ્‌ગતિ પામે છે. તેનો જીવ બીજી કોઈ યોનિમાં જતો નથી. તે વ્યકિત મોક્ષ પામે છે. પિતૃશ્રાદ્ધ માટે બિહાર પાસે આવેલ ગયાનું તીર્થ ખૂબ સન્માન પામ્યું છે.
સિદ્ધપુરના બિંદુ સરોવરને કાંઠે વર્ષના કોઈ પણ દિવસે શ્રાદ્ધ સરાવવાથી માતાના જીવ સદ્‌ગતિ પામે છે. છતાં કારતક, ચૈત્ર અને ભાદરવો પિતૃપક્ષ ગણાતો હોઈ આ મહિનામાં સિદ્ધપુરના બિંદુ સરોવરને કાંઠે પુષ્કળ શ્રદ્ધાળુ, માતૃભકતો તેમની માતાના શ્રાદ્ધ માટે અહીં આવી સિદ્ધપુરના પ્રકાંડ પંડિતો પાસે પોતાની માતાનું શ્રાદ્ધ કરાવી માતાના આત્માને મોક્ષ પ્રાપ્ત કરાવે છે.
પશ્ચિમ રેલવેની અમદાવાદ દિલ્હી લાઈન ઉપર મહેસાણાથી રપ કિ.મી. તથા આબુથી ૧૯ કિ.મી. દૂર સિદ્ધપુર વસેલું છે. સિદ્ધપુર
શહેર સ્ટેશનથી લગભગ એક કિલોમીટરના અંતરે સરસ્વતી નદીના કાંઠે વસેલું છે. સરસ્વતી નદીથી લગભગ એક કિલોમીટર દૂર બિંદુ સરોવર આવેલું છે.
ભારતમાં જે રીતે પિતૃશ્રાદ્ધ માટે ફલ્ગુ નદીને કાંઠે વસેલું ગયાજી પ્રખ્યાત છે તે રીતે માતૃશ્રાદ્ધ માટે સરસ્વતી નદીને કાંઠે સિદ્ધપુર વસેલું છે. સરસ્વતી નદીના તટેથી એક કિલોમીટર દૂરના બિંદુ સરોવરે જતાં રસ્તામાં વચ્ચે ગોવિંદ અને માધવના મંદિર આવેલાં છે. બિંદુ સરોવર લગભગ ૪૦ ફૂટમાં વ્યાપ્ત છે. જે સરોવર હોવા છતાં કુંડ તરીકે વધુ ઓળખાય છે. બિંદુ સરોવરની બાજુમાં જ એક મોટું સરોવર છે. જે અલ્પા સરોવર તરીકે પ્રખ્યાત છે. બિંદુ સરોવરમાં શ્રાદ્ધ કરીને તે શ્રાદ્ધના પિંડ અલ્પા સરોવરમાં વિસર્જિત કરાય છે. બિંદુ સરોવરના દક્ષિણ દિશાના કિનારે મહર્ષિ કર્દમ માતા દેવહુતિ, મહર્ષિ કપિલ અને ભગવાન ગદાધરનાં મંદિર આવેલાં છે. તે ઉપરાંત બાજુમાં જ ભગવાન શેષ નારાયણનું મંદિર પણ છે. વળી બાજુમાં રામ-લક્ષ્મણ, સીતાજી, સિદ્ધેશ્વર મહાદેવ તથા વલ્લભાચાર્યજીની બેઠક પણ છે.
પ્રાચીન કાળની વાત છે તે વખતના કર્દમ ઋષિ બહુ મોટા તપસ્વી હતા. તેમણે અહીં બહુ તપ કર્યું હતું. તેમનું તપ જોઈ રાજા મનુએ પોતાની પુત્રી દેવહુતિનાં લગ્ન કર્દમ ઋષિ સાથે કરાવ્યાં હતાં. આ પતિ પત્નીને ત્યાં ભગવાન વિષ્ણુએ દીકરા તરીકે અવતાર લીધો હતો.
ભગવાન વિષ્ણુનો આ અવતાર કપિલ મુનિ કહેવાય છે. જયારે કપિલ મુનિએ જાણ્યું કે પોતાને પુત્ર તરીકે મેળવવા પિતા કર્દમે તથા માતા દેવહુતિએ અપાર કષ્ટ વેઠયાં હતાં ત્યારે તેમની આંખમાંથી હર્ષાશ્રુ નીકળ્યાં હતાં. તે હર્ષાશ્રુ જે સ્થળે પડયાં હતાં તે સ્થળે એક વિશાળ સરોવર રચાયું હતું. આજે કાળની ગર્તામાં તે વિશાળ સરોવર ફકત ૪૦ ફૂટનું જ રહી ગયું છે જે ખૂબ પવિત્ર છે. ભગવાન કર્દમે માત્ર ૧૬ વર્ષની વયમાં સાંખ્ય શાસ્ત્રનો ગ્રંથ રચ્યો હતો. તે ગ્રંથ તેમણે તેમની માતાને અર્પણ કર્યો હતો.
તેમણે આ ગ્રંથ માતાને અર્પણ કરી અહીં જ માતાનું શ્રાદ્ધ કરી માતાને સદ્‌ગતિ આપી હતી. કારણ કે તેઓ ભગવાન વિષ્ણુ સ્વયં હતા. તે વખતે તેઓ એમ બોલ્યા હતા કે, “જે કોઈ મનુષ્ય પોતાની માતાનું શ્રાદ્ધ અહીં કરશે તે માતાની સદ્‌ગતિ થશે.” ખરેખર સિદ્ધપુર પૃથ્વી ઉપરનું તીર્થ છે તેમાં કોઈ મીનમેખ નથી.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like