માતા-પિતા જોબ પર ગયા ત્યારે ૧૨ વર્ષના પુત્રની ગળું ટૂંપી હત્યા

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધોળકા ટાઉનમાં ૧ર વર્ષના બાળકની તેના ઘરમાં જ બાથરૂમમાં ગળે દુપટ્ટો બાંધી હત્યા કરી દેવાતાં ચકચાર મચી ગઇ છે. વહેલી સવારે છ વાગ્યે તેનાં માતા-પિતા નોકરીએ ગયા બાદ બાળક તેના ઘરમાં એકલો હતો ત્યારે અજાણી વ્યક્તિએ ઘરમાં ઘૂસી હત્યા કરી નાખી હતી. ધોળકા ટાઉન પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ પરેશકુમાર પન્નાલાલ રાઠોડ (વણકર) ધોળકા ટાઉનમાં બાલાજી સ્કવેરમાં પત્ની અને ૧ર વર્ષીય પુત્ર પ્રિન્સ સાથે રહે છે. પરેશકુમાર ઇન્ટાસ કંપનીમાં નોકરી કરે છે, જ્યારે તેમનાં પત્ની પણ એક કંપનીમાં નોકરી કરે છે. પુત્ર પ્રિન્સ ધોળકાના કાસિન્દ્રા ખાતે સ્કૂલમાં ધો.૬માં અભ્યાસ કરે છે.

ગઇ કાલે વહેલી સવારે છ વાગ્યે પરેશકુમાર તેમની પત્ની સાથે નોકરીએ જવા નીકળી ગયા હતા. ૬-૩૦ વાગ્યે પ્રિન્સની સ્કૂલનો સમય હોવાથી તે ઘરે હાજર હતો. દરમ્યાનમાં સાંજે માતા-પિતા ઘરે આવતાં ઘરનો દરવાજો અંદરથી ખુલ્લો હતો. ઘરમાં પ્રિન્સ ન દેખાતાં તેઓએ શોધખોળ કરી હતી.

બાથરૂમમાં તપાસ કરતાં પ્રિન્સની ગળે દુપટ્ટો બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. કોઇ અજાણી વ્યક્તિએ ઘરમાં ઘૂસી પ્રિન્સને ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી. ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ. વી.એમ. દાફડાએ જણાવ્યું હતું કે અંગત અદાવતમાં બાળકની હત્યા કરાઇ હોવાની શંકા છે. સોસાયટીની જ કોઇ વ્યક્તિએ હત્યા કરી હોવાની મજબૂત આશંકા છે. હાલમાં આરોપીઓ અને શંકાસ્પદોની તપાસ ચાલુ છે.

http://sambhaavnews.com/

You might also like