માતાએ સાડા ત્રણ વર્ષની બાળકીની હત્યા કરી ફાંસો ખાધો

અમદાવાદ: અમદાવાદ નજીક આવેલાં ગોધાવી ગામમાં ગઇ કાલે સાંજે માતાએ તેની સાડા ત્રણ વર્ષની બાળકીની હત્યા કરી અને પોતે ગળાફાંસો ખાઇ લીધો હતો. અગમ્ય કારણોસર પરિણીતાએ આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બોપલ પોલીસે માતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે તેમજ અકસ્માત મોત નોંધી આત્મહત્યા અંગેનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદની નજીક આવેલા ગોધાવી ગામમાં વિજયસિંહ અજીતસિંહ વાઘેલા તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં તેમની પત્ની આશાબા (ઉ.વ.૩૦) અને પુત્રી માહી (ઉ.વ.૩.પ વર્ષ) હતાં. વિજયસિંહ ખેતીવાડી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

વર્ષ ર૦૦૯માં વિજયસિંહનાં લગ્ન ઘનશ્યામસિંહની પુત્રી આશાબા સાથે થયાં હતાં. લગ્ન જીવન દરમ્યાન માહી નામની પુત્રીનો જન્મ થયો હતો. દરમિયાનમાં ગઇ કાલે આશાબા માહી સાથે બપોરના સમયે ઉપરના માળે સૂવા ગયાં હતાં. સાંજ પડી ગઇ હોવા છતાં નીચે ન આવતાં વિજયસિંહ ઉપરના માળે ગયા હતા.

દરવાજો ખખડાવવા છતાં તેઓએ દરવાજો ન ખોલતાં કંઇક અજુગતું થયું હોવાની શંકાને પગલે વિજયસિંહે તેમના સાળા પ્રદ્યુમ્નસિંહને ફોન કરી બોલાવ્યા હતા. તેમજ પોલીસને જાણ કરી હતી. પોલીસ અને પ્રદ્યુમનસિંહ ગોધાવી ખાતે દોડી જતાં દરવાજો તોડીને જોતાં આશાબા પંખે લટકેલી હાલતમાં જોવા મળ્યાં હતાં. જ્યારે પુત્રી માહી પલંગમાં સૂતેલી હાલતમાં હતી. માહીની હત્યા કરી અને આશાબાએ ગળાફાંસો ખાઇ લીધો હતો. બોપલ પોલીસે વિજયસિંહની ફરિયાદને આધારે આશાબા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. તેમજ અકસ્માત મોત નોંધી પરિવાજનોનાં નિવેદન નોંધી આત્મહત્યાનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like