માનવતાની મિશાલે જિંદગી સંવારી

આ આખી ઘટના સિત્તેરના દાયકાની અમિતાભ બચ્ચનની ફિલ્મો જેવી છે. ફેબ્રુઆરી ૨૦૦૫ની એક પરોઢના ચારેક વાગ્યે ધંધુકાની રાણપુર ચોકડી પાસે એક ચાની લારી સામે એક મહિલા, માંડ એક માસ અગાઉ જન્મેલા પોતાના દીકરાને લઈને રોડસાઈડમાં પડેલા વાહન નીચે લઈ જઈને ઊંઘવા પ્રયત્ન કરી રહી હતી. પણ મચ્છરોની પરેશાની, નજીવાં કપડાં અને ઠંડીનું સામ્રાજ્ય માતા-બાળકને ઊંઘવા નહોતું દેતું. ઠંડી સામે રક્ષણ આપે તેવું કોઈ કપડું ન હોવાથી મહિલાનું આખું શરીર ઠંડીથી ધ્રૂજતું હતું. તેનું બાળક તો સાવ નિસ્તેજ બનીને પડ્યું હતું.

લાચાર મહિલાની આ મુશ્કેલી જોઈ રોડની સામી તરફ આવેલા બુખારી ટી સ્ટોલના માલિક બાબુભાઈ મોદનનો અંતરઆત્મા કકળી ઊઠ્યો. ખાસ તો એક માસના કુમળા બાળકની દયનીય સ્થિતિ જોઈ તે ખળભળી ઊઠ્યો. તરત આજુબાજુના લોકોની મદદથી મા-દીકરાને પોતાની લારી પર લઈ આવ્યો. જ્યાં ખ્યાલ આવ્યો કે મહિલા તો માનસિક અસ્થિર છે તો પણ જરૂરી કપડાં અને અન્ય સારવાર આપી બંનેને આશરો આપ્યો. બસ, એ ઘડી ને આજનો દિવસ. છેલ્લાં ૧૧ વર્ષથી એ બાળક બાબુભાઈ મોદનની ચાની લારી પર ઉછરી રહ્યું છે. તેની માતા અસ્થિર મગજની હોવાથી ચાની લારીના માલિક બાબુભાઈ મોદન જ એ બાળકના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે.

એ પરોઢે બાબુભાઈને ખ્યાલ નહોતો કે દયાથી પ્રેરાઈને તેઓ જે બાળકને આશરો આપી રહ્યા છે તેની માતાનું મગજ અસ્થિર છે અને તેના પિતાની પણ કોઈ જાણકારી નથી. આવી સ્થિતિમાં બાળકનું કોઈ ભવિષ્ય નહોતું, સિવાય કે ભીખ માગવી. પણ બાબુભાઈ તેના માટે જાણે ફરિશ્તા બનીને આવ્યા હતા. અહીં નોંધનીય બાબત એ છે કે પોતે મુસ્લિમ હોવા છતાં બાબુભાઈએ બાળકને ‘આશિષ’ જેવું હિંદુ નામ આપ્યું છે. તેના પિતાનો ખ્યાલ ન હોવાથી નામ લગાવ્યું ‘ભગવાનભાઈ’. આશિષ સહેજ મોટો થઈને બંગાળીઓ જેવી લઢણમાં બોલતો હોવાથી અટક આપી ‘બંગાળી’. આમ એક મુસ્લિમ બિરાદરની ખુદાઈથી એક રસ્તે રઝળતા બાળકમાંથી ‘આશિષ ભગવાનભાઈ બંગાળી’ અસ્તિત્વમાં આવ્યો !

આજે પણ આશિષની તમામ જવાબદારી બાબુભાઈ ઉપાડે છે. હવે તો આસપાસના લારી-ગલ્લાવાળા પણ મદદરૂપ થાય છે. અગાઉ આશિષ પાસે ઓળખના કોઈ પુરાવા ન હોવાથી તેમણે સ્થાનિક અગ્રણીઓને મળીને જરૂરી દસ્તાવેજો કરાવ્યા. બાદમાં સારામાં સારી ખાનગી સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો. પાંચ વર્ષ કરતાં વધુ સમયથી આશિષના ભણતરનો તમામ ખર્ચ બાબુભાઈ અને તેમની આસપાસના લારી-ગલ્લાવાળા લોકો ઉઠાવે છે. બાબુભાઈ મોદન કહે છે, “તે ભણીગણીને સારો માણસ બને તે માટે અમે ઊંચી ફી ભરીને તેને ખાનગી શાળામાં દાખલ કર્યો છે. તેના ટ્યૂશનનો ખર્ચ પણ અમે ઉઠાવીએ છીએ. તે ભણીગણીને પોતાના પગ પર ઊભો રહે એવું અમે ઇચ્છીએ છીએ. તે પોતાના જીવનમાં સારી રીતે ગોઠવાઈ જાય તો અમારી મહેનત સાર્થક થઈ ગણાશે.”

હાલ જ્યાં કેટલાંક સ્થાપિત હિતો અંગત સ્વાર્થ માટે બે કોમ-ધર્મના લોકોને લડાવી રહ્યાં છે ત્યારે બાબુભાઈ જેવા માણસાઈના દીવા જ સમાજને જાણે સધિયારો આપે છે કે માણસાઈ હજુ સાવ મરી નથી પરવારી.

You might also like