ટ્રેનના શૌચાલયમાંથી પડીને બચેલી બાળકીને માતાએ તરછોડી દીધી

રામપુરઃ રેલવેના શૌચાલયમાં જન્મ્યા બાદ પાટા પર પડેલી બાળકીના સમાચાર થોડા દિવસ પહેલાં જાણવા મળ્યા હતા. આ બાળકી આવા સંજોગોમાં પણ જીવિત રહી ગઇ, પરંતુ આઠ દિવસની આ બાળકીની મા તેને એકલા છોડીને ચાલી ગઇ છે. માએ એક પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે તે બાળકીની દેખભાળનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી.

આ બાળકી રામપુરના એક અનાથાલાય શિશુસદનને આપવામાં આવી છે અને અનાથાલયના લોકો સમજી શકતા નથી કે બાળકી સાથે શું કરવું જોઇએ. તેમનું કહેવું છે કે બાળકી અનાથ નથી તેથી તેને કોઇને દત્તક પણ ન આપી શકાય તો બીજી તરફ આ બાળકીની માતાનો કોઇ અતોપતો નથી.

અધિકારીઓનું કહેવું છે કે બાળકીનો જન્મ ૨૮ ડિસેમ્બરે બરેલીથી પસાર થઇ રહેલી એક ટ્રેનના શૌચાલયમાં થયો હતો. બાળકીની માતાએ બૂમો પાડી ત્યારે સહયાત્રીઓએ ચેન ખેંચીને ટ્રેનને રોકી લીધી. બાળકીને પાટા પરથી ઉઠાવીને બરેલી જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાઇ.

ત્યાં બાળકીની માતાએ નિષ્ણાતો અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓને કહ્યું કે તે બાળકીને પાળી શકવાની સ્થિતિમાં નથી. બાળકીને અનાથાલયમાં છોડીને તેની માતા ગાયબ થઇ ગઇ.જો કોઇ બાળકની માતા જીવિત હોય તો તેને અનાથ ન કહી શકાય.

અનાથાલયના કાયદા મુજબ દત્તક આપનારી કેન્દ્રીય સંસ્થા સીએઆરએની વેબસાઇટ પર બાળકી સંબંધિત જાણકારી અપલોડ કરવી પડશે. બાળ કલ્યાણ વિભાગના સભ્ય સુનિલ શર્માએ જણાવ્યું કે અનાથાલાયને જે કાગળ મળ્યા છે તેમાં કહેવાયું છે કે માતા બાળકીનું ભરણપોષણ કરી શકે તેમ નથી. તેના કારણે તેણે બાળકીને છોડી દીધી છે. શર્માએ જણાવ્યું કે બાળકીને કોઇ દત્તક લે તે માટે જરૂરી છે કે તેની માતા સરેન્ડરના કાગળ પર સહી કરે. ત્યાર બાદ જ બાળકીને દત્તક આપી શકાય.

You might also like