મોટેરા-સાબરમતી વોર્ડમાં મેયરનો સ્વચ્છતા રાઉન્ડ યોજાશે

અમદાવાદ: શહેરમાં આગામી રવિવારે સવારે મેયર ગૌતમ શાહ દ્વારા નવતર પ્રયોગ હેઠળ મોટેરા સાબરમતી વોર્ડ ખાતે સ્વચ્છતા રાઉન્ડ લેવામાં આવશે. જેમાં દ્વિચક્રી વાહનોનો ઉપયોગ કરી લોકોને તેમના નિવાસે જઈ સ્વચ્છતા રાખવા જન જાગૃતિ લાવવા સમજાવવામાં આવશે. આ અંગે મેયરે જણાવ્યુ હતુ કે આ કાર્યક્રમમાં પ્રથમ સ્ટેડિયમ પ્લાઝા મોટેરા રોડ ખાતે તમામ એકત્ર થઈ સ્વચ્છતા માટે સંકલ્પ લેશે.ત્યારબાદ દ્વિચક્રી વાહનો પર મોટેરા વિસ્તારમાં જશે.

આ સમૂહમાં સૌ પ્રથમ સ્વચ્છતા રથ રહેશે.ત્યારબાદ રથ પાછળ સાઈકલ સવાર પેડલ ફોર ફન ગ્રૂપના સભ્યો રહેશે. બાદમાં અમદાવાદ એવેન્જર્સ ગ્રૂપના  બાઈક સવાર જોડાશે. અને મેયર,ધારાસભ્ય,પદાધિકારીઓ,કોર્પાેરેટરો ,સામાજિક,ધાર્મિક અને શૈક્ષિણક સંસ્થાના પ્રતિનિધિઓ અને એએમસીના અધિકારીઓ વગેરે દ્વિચક્રી વાહનો પર ભાગ લેશે. તેઓ આ વોર્ડની ૩૦ થી વધુ સોસાયટીઓમાં રૃબરૃ જઈ રહીશો સાથે સ્વચ્છતા રાખવા અંગે ચર્ચા કરશે. આવો કાર્યક્રમ દર મહિનાના બે અથવા ચાર રવિવાર તબક્કાવાર વિવિધ ૪૮ વોર્ડમાં રાઉન્ડ લેશે. લગભગ આઠ થી નવ માસ આ કાર્યક્રમ ચાલશે.

આ કાર્યક્રમના આયોજનમાં મેરા સ્વચ્છ મોટેરાના સ્વંયસેવી ગ્રૂપ દ્વારા સક્રિય ભાગ ભજવવામાં આવ્યો છે. તે સિવાય જૈન સોશિયલ ગ્રૂપ, માય ઓન સ્ટ્રીટ, સાબરમતી, પેડલ ફોર ફન સાઈકલ ગ્રૂપ, ડોકટર એસોસીએસન, સાબરમતી, કોલેજના વિદ્યાર્થીઓ, એએમસી, અમદાવાદ એવેન્જર ગ્રૂપ અને ચાંદખેડા સાઈકલીંગ કલબ(રન બાય ડોકટર્સ) વગેરેએ ભાગ લીધો છે. આ અભિયાનમાં ૭૫ થી વધુ સોસાયટીને આવરી લેવામાં આવશે. આ દરમિયાન સોસાયટીઓમાં ડસ્ટબિન વિતરણ પણ કરવામાં આવશે. આ સમગ્ર રાઉન્ડ દરમિયાન સ્વચ્છતા માટે પત્રિકા વિતરણ તથા સ્વચ્છતા પેટીનું વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમની સરણ શેફાયર ખાતે પૂર્ણાહૂતિ કરવામાં આવશે.

You might also like