ચોમાસામાં મોર્નિંગ વૉકના આ રહ્યા વિકલ્પો

શિયાળાની સવાર હોય કે ઉનાળાની, વહેલી સવારે રસ્તા પર નીકળો ત્યારે આસપાસના રસ્તા અને ગાર્ડન્સ મોર્નિંગ વૉકર્સથી ઉભરાતા હોય, પરંતુ આ જ રસ્તાઓ ચોમાસાની સવારે સાવ સૂમસામ લાગે. ખાસ કરીને જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે. ચોમાસાની સિઝનમાં સિનિયર સિટીઝન્સ તો ઘરમાં જ રહેવાનું પસંદ કરે અને મોટાભાગે તમામ મોર્નિંગ વૉકર્સને કાદવકીચડવાળા રસ્તાઓ પર ચાલવાનો કંટાળો તો આવે. જે લોકો ફિટ રહેવા માટે માત્ર મોર્નિંગ વૉકનો સહારો લેતા હોય તેને તકલીફ થઇ પડે. તો આ સમય દરમિયાન ફિટનેસ જાળવવા માટે શું કરી શકય?

અમદાવાદના જાણીતા સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. હર્ષિલ મહેતા જણાવે છે કે, “સિનિયર સિટીઝન જો વરસાદનું બહાનું કરીને ઘરમાં બેસી રહે તો પણ તેમને ની મૂવમેન્ટમાં પ્રોબ્લેમ થઇ શકે છે. તેમણે ફિઝિકલી એક્ટિવ રહેવું ખૂબ જરૃરી છે.”

લિફ્ટ છોડો, સીડી ચઢો
સીડી ચઢઊતર કરવાની કસરત બેસ્ટ કાર્ડિયો એક્સરસાઇઝ છે. જે લોકોને ઘૂંટણમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય તેમણે આ એક્સરસાઇઝ કરવાની જરૃર નથી. વૉકિંગની સરખામણીમાં ત્રણ ગણી અને જોગિંગની સરખામણીમાં બે ગણી ફેટ્સ સીડી ચઢવા ઊતરવાથી બાળી શકાય છે. આ એક્સરસાઇઝથી સ્ટ્રેન્થ પણ વધે છે.

પેડલિંગ કરો
ઘરેબેઠાં સાઇકલનું પેડલિંગ ખૂબ જ સરસ એક્સરસાઇઝ છે. પહેલાંના સમયમાં લોકો ક્યાંય પણ જવા માટે સાઇકલ વાપરતા હતા. તેથી લોકો સ્વસ્થ રહી શકતા હતા. જે વ્યક્તિ જિમમાં હોય તે સાઇકલ ઘરે વસાવી શકતી હોય તો તે બેસ્ટ છે અથવા તો માત્ર પેડલ મારવાનું સાધન પણ બજારમાં ઉપલબ્ધ છે. તમે ખુરશી પર બેસીને આરામથી પેડલિંગ કરી શકો છો.

ઇસ્ટ ઓર વેસ્ટ, દોરડાં ઇઝ બેસ્ટ
નાના હતા ત્યારે રમતા રમતા ૧૦૦-૨૦૦ દોરડાં આરામથી કૂદી જતા હતા. ચોમાસામાં એ જૂના દિવસોને યાદ કરી ઓછામાં ઓછાં ૧૦૦ દોરડાં કૂદો. દોરડાં કૂદવા એક સારી કાર્ડિયાક એક્સરસાઇઝ પણ છે જે શરીરને સ્ટ્રેન્થ પણ આપે છે. દોરડાં કૂદતી વખતે આપણે આપણા શરીરનું વજન ઊંચકીને કૂદીએ છીએ જે વેઇટલોસ માટે બેસ્ટ એક્સરસાઇઝ ગણાય છે. ડૉ. મહેતા કહે છે કે જેમને ઘૂંટણની તકલીફ હોય તેમણે આ એક્સરસાઇઝ ન કરવી. દોરડાં કૂદવાથી જર્ક આવે છે અને તેના કારણે ઘૂંટણમાં દુખાવો વધી શકે છે.

આટલું ધ્યાન રાખો
* બે-ત્રણ દિવસ ચાલવા ન જાવ પછી ચાલવા જવાનો કંટાળો આવી શકે છે. તો પ્લીઝ આવી આળસથી બચો.
* વરસાદના કારણે રોડ ચીકણા હોય છે તેથી વરસાદ બંધ થયા બાદ પણ મોટી ઉંમરના લોકોએ ચાલવા જવામાં થોડું ધ્યાન રાખવું.
* સિનિયર સિટીઝન જો પાર્કમાં ચાલવા ન જઇ શકતા હોય તો ઘરની આસપાસની કોઇ સ્પેસ શોધી કાઢવી.
* વરસાદ ખૂબ પડતો હોય ત્યારે ઘરમાં ને ઘરમાં પણ ચાલી શકાય છે, પરંતુ સિનિયર સિટીઝન્સ નિષ્ક્રિય ન બને.

ભૂમિકા ત્રિવેદી

You might also like