મોર્નિંગ વોકમાં નીકળેલા સીઅેના ગળામાંથી સોનાની ચેઇન ખેંચાઈ

અમદાવાદ: શહેરના પોશ વિસ્તારોમાં ફરી એક વાર ચેઈન સ્નેચરો સક્રિય બન્યા છે. સામાન્ય રીતે મહિલાઓ સોનાના દાગીના વધુ પહેરતી હોય છે, જેથી ચોર-લૂંટારુઓ લૂંટ કરવા માટે વૃદ્ધા-મહિલાઓને ટાર્ગેટ બનાવીને સોનાના દાગીનાની લૂંટ કરતા હોય છે, પરંતુ ચેઈન સ્નેચિંગના બનાવો વધતાં મહિલાઓમાં જાગૃતિ આવતાં તેઓ હવે સાવચેત રહે છે, જેથી લૂંટારુઓએ હવે પુરુષોને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું છે. પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર મોર્નિંગ વોકમાં નીકળેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ગળામાંથી સોનાના દોરાની લૂંટનો બનાવ બન્યા અંગેની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આ અંગે ગુનો નોંધી રોડ પર લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ આનંદનગર વિસ્તારમાં મધુર હોલ પાસે આવેલા સુગમ એપાર્ટમેન્ટમાં સુશીલ જ્ઞાનચંદ શ્રીશ્રીમાલ (ઉં.વ.૪૧) પોતાના પરિવાર સાથે રહે છે. સુશીલભાઈ સેટેલાઈટના સ્ટારબજાર સામે અ‌િભશ્રી કોમ્પ્લેક્સમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની અોફિસ ધરાવે છે. ગઈ કાલે સવારે ૬-૩૦ની આસપાસ તેઓ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. ચાલતાં ચાલતાં તેઓ પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર રત્નાકર બ્યુમોન્ડ બિલ્ડિંગ પાસે પહોંચ્યા ત્યારે કાળા કલરના બાઈક પર બે હેલ્મેટધારી શખસ આવ્યા હતા. તેઓની નજીક આવી બાઈક ધીમું કરી પાછળ બેઠેલ શખસે સુશીલભાઈના ગળામાં પહેરેલી રૂ. ૫૫ હજારની સોનાની ચેઈન ખેંચી લીધી હતી.

ત્યારબાદ તેઓ બાઈક લઈ ફરાર થઈ ગયા હતા. સુશીલભાઈએ બૂમાબૂમ કરી હતી અને લોકોનાં ટોળાં ભેગાં થઈ ગયાં હતાં, પરંતુ બાઈકસવાર ટીવીએસ ચાર રસ્તા તરફ નાસી છૂટ્યા હતા. આ અંગે આનંદનગર પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સુશીલભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી રોડ પર આવેલી દુકાનો-બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

ગત ૮ મેના રોજ પણ નવરંગપુરાના લો ગાર્ડન પાસે આવેલી ગાંધીબાગ સોસાયટીમાં રહેતા અને નારણપુરા સ્વામિનારાયણ મ્યુઝિયમ ખાતે સેક્રેટરી તરીકે નોકરી કરતા સંદીપભાઈ શેઠના ગળામાંથી પણ બે સોનાના દોરાની લૂંટ થઈ હતી. વહેલી સવારે સંદીપભાઈ દૂધ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની સોસાયટીની બહાર જ બાઈક પર આવેલા બે શખસ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

શહેરમાં ચેઈન સ્નેચરોનો તરખાટ વધ્યો છે. ખાસ કરીને શહેરના આનંદનગર, સોલા, નવરંગપુરા, પાલડી, નરોડા, બાપુનગર અને ચાંદખેડા વિસ્તારોમાં ચેઈન સ્નેચરોએ મહિલા અને યુવતીઓને ટાર્ગેટ બનાવી છે. છેલ્લા એક મહિનામાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કુલ ૨૨ જેટલા ચેઈન સ્નેચિંગના બનાવો બન્યા છે, જેમાં લોકોએ આશરે પાંચ લાખથી વધુની મતા ગુમાવી છે. આ ચેઈન સ્નેચિંગના બનાવોમાં બે પુરુષના ગળામાંથી સોનાના દોરા તૂટ્યા છે. ચેઈન સ્નેચરોની હિંમત એટલી ખૂલી ગઈ છે કે હવે તેઓ સોસાયટીના ગેટમાં ઘૂસીને ચેઈન સ્નેચિંગ કરી ફરાર થઈ જાય છે.
http://sambhaavnews.com/

You might also like