વર્કિંગ વુમન માટે ‘મોર્નિંગ–ઇવનીંગ કોર્ટ’ નો નવતર પ્રયોગ

ગાંધીનગર: રાજ્ય વિધાનસભામાં કાયદો અને ન્યાયતંત્રની માંગણીનો જવાબ આપતા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અગાઉ વર્ષ-૨૦૦૩-૨૦૦૪માં કાયદા વિભાગનું બજેટ રૂ.૧૪૦.૧૯ કરોડ હતું તે હવે આગામી નાણાંકીય વર્ષમાં રૂ.૧૭૨૩.૭૫ કરોડનું એટલે કે ૧૨૨૯ ટકાનો વધારો થયો છે તે જ દર્શાવે છે કે, ગતિશીલ ગુજરાતના પ્રણેતા મુખ્યમંત્રી આનંપટેલના નેતૃત્વની આ રાજ્ય સરકાર કાયદા વિભાગ પરત્વે કેટલા સંવેદનશીલ છે.

પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ રાજ્ય સરકારનો મંત્ર છે – ઝડપી ન્યાય, સસ્તો ન્યાય અને ઘર આંગણે ન્યાય. આ સંકલ્પને સિદ્ધ કરવા રાજ્ય સરકારે વિક્રમી આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરવા, નવી અદાલતો ઉભી કરવા, નવું મહેકમ ઉભું કરી ઝડપથી ભરતી કરવા જેવા ઝડપી પગલાં દ્વારા ઘનિષ્ઠ આયોજન કર્યું છે. જેના કારણે આગામી બે વર્ષમાં રાજ્યનો એક પણ જિલ્લો કે તાલુકો કોર્ટ સુવિધાથી વંચિત રહેશે નહીં.

પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, આગામી સમયમાં રાજ્યનો એક પણ જિલ્લો કે તાલુકો ન્યાયીક પ્રક્રિયાથી વંચિત ન રહે તેવો રાજ્ય સરકારનો નિર્ધાર છે. જે મુજબ બોટાદ ખાતે રૂ. ૩૧.૧૭ કરોડ, અરવલ્લી-મોડાસા ખાતે રૂ.૪૦.૭૫ કરોડા, મહિસાગર-લુણાવાડા ખાતે જિલ્લા અદાલતો ઉભી કરવા મંજુરી અપાઇ છે. દેવભૂમિ દ્વારકા માટે રૂ. ૩૮.૯૬ કરોડના ખર્ચે નવા ડિસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગના આયોજન માટે હાઇકોર્ટમાં દરખાસ્ત કરી છે અને છોટાઉદેપુર માટે આ વર્ષે રૂ.૨.૭૫ કરોડની જોગવાઇ તથા ગીર સોમનાથ અને મોરબી જિલ્લા માટે આગામી વર્ષે જોગવાઇ સૂચવેલ છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં લોકાભિમુખ વહીવટના ભાગરૂપે નવા તાલુકાઓની રચના થતાં રાજ્યના ૨૫૦ તાલુકાઓ પૈકી ૨૨૨ તાલુકાઓમાં કોર્ટો કાર્યરત છે. જ્યારે, ૨૫ તાલુકાઓમાં વડી અદાલત દ્વારા દરખાસ્ત મળ્યેથી કોર્ટો શરૂ કરાશે. ૩ નવરચિત તાલુકાઓ માટે આગામી વર્ષમાં આયોજન કરાશે. રાજ્યનો એક પણ તાલુકો કે જિલ્લો અદાલતની સુવિધાથી વંચિત ન રહે અને ભારતના બંધારણના મેન્ડેન્ટ મુજબ રાજ્યના તમામ લિટીગન્ટસને ઘર આંગણે સરળ, સુલભ અને સસ્તો ન્યાય સમાન રીતે પ્રાપ્ત થઇ શકશે અને રાજ્ય સરકારની જસ્ટીસ એટ ડોર-સ્ટેપની પરીકલ્પના પૂર્ણ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યની અદાલતોમાં દર વર્ષે અંદાજે ૧૦.૦૦ લાખ નવા કેસો દાખલ થાય છે. અને આ નવા કેસો દાખલ થાય (ઇન્સ્ટીટ્યુશન) તેની સાથે સાથે જુના પડતર કેસો પણ સામેલ થવાથી દર વર્ષે કેસોની સંખ્યા વધતી જાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોના આ સરકારના સતત પ્રયત્નોથી નીચલી અદાલતોમાં કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે.

પ્રદિપસિંહ જાડેજાએ એમ પણ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની રાહબરી હેઠળ ગુજરાતમાં પ્રથમ વાર જ એક નવતર પ્રયોગ તરીકે રાજ્યની ફેમિલી કોર્ટ્સમાં વર્કિંગ વૂમન તેના કચેરી સમય સિવાયના સમયમાં પણ કેસની મુદતમાં કોર્ટમાં હાજરી આપી શકે તે માટે ‘ગુજરાત મોર્નિંગ / ઇવનિંગ ફેમિલી કોર્ટ’ ની યોજનાનું ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં આયોજન કરેલ હતું જેને મંજુરી આપવામાં આવ્યું છે.

You might also like