કોટલા ટેસ્ટઃ આજે ભારતીય બેટ્સમેનોએ સંયમ રાખવો રહ્યો

નવી દિલ્હીઃ  આફ્રિકા સામેની ચોથી અને અંતિમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતનો સ્કોર ચાર વિકેટે 116 રન છે. વિરાટ કોહલી 39 અને રહાણે 22 રને બેટિંગ કરી રહ્યા છે. આજે સવારે મુરલી વિજય અને રોહિત શર્મા નિષ્ફળ રહ્યા હતા. મુરલી ભારતીય ઇનિંગ્સની પાંચમી ઓવરના છેલ્લા બોલ પર મોર્કલનો શિકાર બન્યો હતો. મોર્કલે ત્રણ રને મુરલી વિજયને વિકેટકીપર વિલાસના હાથમાં ઝિલાવી દીધો ત્યારે ભારતનો કુલ સ્કોર ચાર રન હતો, જ્યારે ભારતનો કુલ સ્કોર આઠ રન હતો ત્યારે મોર્કલે રોહિત શર્માને પહેલા જ બોલે બોલ્ડ આઉટ કર્યો હતો. ત્યાર બાદ ધવન અને પુજારાએ સંભાળીને રમ્યા હતાં. પરંતુ ધવન 21 અને પુજારા રન બનાવી આઉટ થઇ ગયા હતા.

ગઈ કાલે ભારતે ૧૩૯ રનમાં છ વિકેટ ગુમાવી દીધા પછી રહાણે, અશ્વિન અને જાડેજાની ધૈર્યપૂર્વકની બેટિંગની મદદથી કોઈએ આશા પણ નહોતી રાખી એવો ૩૩૪ રનનો સ્કોર નોંધાવીને પ્રવાસી ટીમનો દાવ ૧૨૧ રનમાં જ સમેટી દીધો હતો અને મહત્ત્વપૂર્ણ સાબિત થનારી ૨૧૩ રનની જંગી સરસાઈ પ્રાપ્ત કરી લીધી. ભારત તરફથી પહેલી ઇનિંગ્સમાં બેટિંગ દરમિયાન રહાણે (૧૨૭) અને અશ્વિન (૫૬) સ્ટાર સાબિત થયા, જ્યારે બોલિંગમાં રવીન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપીને દક્ષિણ આફ્રિકાની કમર તોડી નાખી હતી. ભારત પાસે ૨૧૩ રનની લીડ હોવા છતાં કેપ્ટન વિરાટ કોહલીએ મહેમાન ટીમને ફોલોઓનની ફરજ પાડવાના બદલે બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરવાનું પસંદ કર્યું છે, કારણ કે તેને આ પીચ પર ચોથી ઇનિંગ્સમાં બેટિંગનું યોગ્ય નથી લાગતું. હવે આજે મેચના ત્રીજા દિવસે ભારત મોટું લક્ષ્ય દક્ષિણ આફ્રિકા સામે મૂકીને ફરી એક વાર મહેમાનોને દબાણમાં લાવવાનો પ્રયાસ કરશે. આજે ભારતીય બેટ્સમેનોએ પોતાના શોટ સિલેક્શનમાં ખાસ કાળજી રાખવા ઉપરાંત ધૈર્યપૂર્વક અને સમજદારીભરી બેટિંગ કરવી રહી.

ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે પણ ભારતીય બેટ્સમેનોને સંયમ રાખવાની સલાહ આપી છે અને અજિંક્ય રહાણેની બેટિંગની પ્રશંસા કરી છે. ગાવસ્કરે કહ્યું છે કે, ”રહાણેએ બાંગ્લાદેશ અને શ્રીલંકામાં કેટલીક ઇનિંગ્સમાં રન ના બનાવવા છતાં હિંમત રાખી. મારું માનવું છે કે જ્યારે તમે ખુદ પર વિશ્વાસ કરતા હોય અને સંયમ રાખતા હો ત્યારે આવું કશુંક બની શકે છે. મારી બધાને સલાહ છે કે એ તથ્યથી પરેશાન થવાની જરૂર નથી કે તમે એ પીચ પર રન નથી બનાવી રહ્યા, જેમાંથી બોલરને મદદ મળી રહી હોય.

…તો તમારે રોડ પર ક્રિકેટ રમવું જોઈએ
ગાવસ્કરે જણાવ્યું કે, ”નાગપુરની પીચમાં કોઈ ગરબડ નહોતી. એ પીચ થોડો ટર્ન લઈ રહી હતી. જો તમે એવી પીચ પર રમવાની આશા રાખી રહ્યા હો કે બોલ સીધો તમારા બેટ પર જ આવે તો હું ઇમાનદારીપૂર્વક કહીશ કે તમારે રોડ પર જઈને રમવું જોઈએ, કારણ કે રોડ પર બોલ સીધો જ આવશે. વિભિન્ન દેશમાં અલગ અલગ પરિસ્થિતિઓ હોય છે અને એ સ્વીકાર કરવો જોઈએ કે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન વિકેટ પર ટકીને રમી શક્યા નહીં. તેઓમાં ટેકનિક અને ધૈર્યની ઊણપ છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ જો ભારતના મધ્યમ ક્રમ પાસેથી શીખ લીધી હોત તો તેઓ વધુ સારો સ્કોર નોંધાવી શક્યા હોત.

You might also like