બે કરોડથી વધુ લોકો ઈન્કમટેક્સના નિશાન પરઃ 30 જૂન સુધીમાં કાર્યવાહી

ડાયરેક્ટ ટેક્સની વસૂલાતમાં ઘટાડો થતાં હવે ઇન્કમટેક્સ વિભાગે કડક વલણ અખત્યાર કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ ઇન્કમટેક્સ વિભાગને ટેક્સના દાયરામાં આવવા છતાં રિટર્ન ફાઇલ નહીં કરનારા અને રિટર્ન ફાઇલ કરવાનું બંધ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. ખાસ કરીને જે લોકો અત્યાર સુધી રિટર્ન ફાઇલ કરતા હતા, પરંતુ હવે નથી કરી રહ્યા તેની સામે કડક પગલા લેવામાં આવશે.

ઇન્કમટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર જે લોકો સામે કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે તેમની સંખ્યા બે કરોડથી વધુ છે. આમ, ઇન્કમટેક્સના નિશાન પર બે કરોડથી વધુ લોકો છે, જેમની સામે ૩૦ જૂન સુધી કાર્યવાહી કરાશે. આવા લોકોની ઇન્કમટેક્સ વિભાગે ઓળખ કરી લીધી છે. ૨૦૧૩થી ૨૦૧૭ વચ્ચે રિટર્ન ફાઇલ કર્યું નથી અથવા રિટર્ન ફાઇલ કરવાનું બંધ કર્યું છે તેમની સામે કાર્યવાહી કરવા સીબીડીટીએ આદેશ કર્યો છે.

ટેક્સ અધિકારીઓએ જણાવ્યું છે કે આવા લોકોને નોટિસ મોકલવાનું કામ શરૂ થઇ ગયું છે. આવા લોકોની સંખ્યા ૨૫ લાખ છે. આ ઉપરાંત મોડું રિટર્ન ફાઇલ કરનારાઓ સામે દંડ લેવાની જોગવાઇ છે. નિયમ અનુસાર ૩૧ ઓગસ્ટ બાદ, પરંતુ ૩૧ ડિસેમ્બર પહેલા રિટર્ન ફાઇલ કરનારાઓ સામે રૂ.૫,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવે છે, જ્યારે ૩૧ ડિસેમ્બર બાદ રિટર્ન ફાઇલ કરનારા પાસેથી રૂ. ૧૦,૦૦૦નો દંડ વસૂલ કરવાની જોગવાઇ છે. જે લોકોની આવક રૂ. પાંચ લાખ કરતા ઓછી છે તેમની પાસેથી મહત્ત્મ રૂ. એક હજારનો દંડ વસૂલ કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૩ બાદ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરનારની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે.

You might also like